રીબડા આપઘાત કેસમાં મોટો ખુલાસોઃ અમિત ખૂંટને ફસાવવા રચાયુ હતું ષડયંત્ર
ગોંડલના કોંગ્રેસ નેતા અને વકીલ દિનેશ પાતર તેમજ વકીલ સંજય પંડિતની ધરપકડ

સસ્પેન્સ ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવી કહાણીઃ મોડેલ, વકીલ, પત્રકાર, રાજકીય વ્યક્તિની સંડોવણી

સસ્પેન્સ ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવી કહાણીઃ મોડેલ, વકીલ, પત્રકાર, રાજકીય વ્યક્તિની સંડોવણી
ગોંડલ તાલુકાના રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં મોટો ઘટસ્ફોટ થયો છે. અમિત ખૂંટને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધવા એક વ્યક્તિએ સગીરાને ઓફર કરી હતી. પોતાને નાણાની જરૂરીયાત હોવાથી સમગ્ર કાંડ કર્યુ હોવાની તેમજ તેના ષડયંત્રમાં એડવોકેટ સંજય પંડિત અને ગોંડલના કોંગ્રેસ નેતા દિનેશ પાતરે ભૂમિકા ભજવી હોવાની કબૂલાત કરતાં ગોંડલ પોલીસે બંને વકીલની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આ કેસમાં એક કથિત પત્રકાર તેમજ મોટા માથાની સંડોવણી ખુલે તેવી સંભાવના છે.
મૂળ રીબડાના અને રાજકોટમાં રહેતા પાટીદાર યુવક અમિત ખૂંટ પર નોંધવામાં આવેલી બળાત્કારની ફરિયાદ ષડ્યંત્ર હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટ રૂરલ પોલીસે તેનો પર્દાફાશ કરી ગોંડલના કોંગ્રેસના નેતા દિનેશ પાતર અને રાજકોટના એડવોકેટ સંજય પંડિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ફરિયાદી સગીરાની સહેલીની પણ અટકાયત કરવામાં આવી છે. આ કેસમાં એક સોશિયલ મીડિયા ચેનલ ચલાવતા કથિત પત્રકારનું પણ નામ બહાર આવ્યું છે. આગામી દિવસોમાં તેની ધરપકડ થાય તેવા સંકેત મળી રહ્યા છે. અમિત ખૂંટ નામના પાટીદાર યુવાને પોતાની વાડીએ ઝાડની ડાળીએ ફાંસો બનાવી લટકી જઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ સંદર્ભે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, પૂજા રાજગોર તેમજ એક સગીરા સામે આપઘાતની દુષ્પ્રેરણા અંગેનો ગુનો દાખલ કરાયો હતો.
કેવી રીતે રચાયું કાવતરૂ?
રાજકોટ રૂરલ એલસીબીએ ફરિયાદી સગીરા અને તેની સહેલી પૂજા રાજગોરની મંગળવારે અટકાયત કરી પૂછપરછ કરી હતી. પૂજા રાજગોરે પોલીસ સમક્ષ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેણીએ કહ્યું છે કે, એક વ્યક્તિએ (આ વ્યક્તિ બાહુબલીની અત્યંત નજીકનો માણસ) પોતાનો સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું હતું કે, રીબડાનો અમિત ખૂંટ જે રાજકોટ રહે છે તેની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા અને પ્રેમ સંબંધ કેળવી શરીર સંબંધ બાંધી ખોટી બળાત્કારની ફરિયાદ કરવાની છે. આ વ્યક્તિએ એવું પણ કહ્યું હતું કે, જો તું આવું કરવામાં સફળ થઈ તો અમે તમારી લાઈફ બનાવી દેશું અને સારામાં સારી જોબ પણ આપીશું. આ ઉપરાંત જેટલા રૂપિયાની જરૂરિયાત હશે તેટલા રૂપિયા પણ પૂરા પાડીશું. તેણીએ વટાણા વેરતા કહ્યું હતું કે, આ વ્યક્તિની લોભામણી લાલચમાં આવીને સમગ્ર ષડયંત્ર રચાયુ હતુ.
એક વ્યક્તિના કહેવાથી અમિત અને તેના મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી
પોલીસ તપાસમાં જાણવા મળ્યુ છે કે, પૂજા રાજગોરે એક વ્યક્તિએ કરેલી તમામ વાત સગીરાને કહી હતી. તેથી સગીરા અને પૂજાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અમિત ખૂંટ અને તેના મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. અમિતના મોટાભાગના મિત્રોએ પૂજા રાજગોર અને સગીરાની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી ન હતી. જ્યારે અમિત ખૂંટે સગીરાની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લીધી હતી. સૌ પ્રથમ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ એક વ્યક્તિએ જે પ્રમાણે કહ્યું હતું તે રીતે પ્રેમ સંબંધ શરૂ કરી શારીરિક સંબંધ સુધી વાત પહોંચી હતી. એક વ્યક્તિએ કરેલી વાત મુજબ સમગ્ર ષડ્યંત્રમાં સફળતા મળ્યા બાદ સગીરાએ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આબરૂ જવાની બીકે તેમજ અનિરુદ્ધસિંહ, તેમના પુત્ર રાજદીપસિંહ, પૂજા અને સગીરાનો ત્રાસ વધી જતાં અમિત ખૂંટે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
કોંગ્રેસી આગેવાન અને વકીલની ધરપકડ
દુષ્કર્મની ફરિયાદ બાદ આપઘાત કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ અને તેના પુત્ર રાજદીપસિંહની સંડોવણી ખૂલતાં પાટીદાર સમાજમાં ગંભીર પ્રત્યઘાતો પડયા હતા. રાજકોટ રૂરલ પોલીસે સગીરા અને તેની સહેલી પૂજા રાજગોરની અટકાયત બાદ કેટલાક આધાર-પુરાવા બતાવી સમગ્ર ઘટના પાછળનું સત્ય જણાવતાં બંને ભાંગી પડી હતી અને અમિત ખૂંટને ફસાવવાનું ષડયંત્ર હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ફરિયાદી સગીરા અને પૂજા રાજગોરનું 164 મુજબ નિવેદન લીધું હતું. 164 મુજબના નિવેદન બાદ પોલીસે ષડયંત્રમાં સામેલ વ્યવસાયે વકીલ અને કોંગ્રેસી આગેવાન દિનેશ પાતર અને એડવોકેટ સંજય પંડિતની ધરપકડ કરી હતી.
બે વકીલ અને કથિત પત્રકારે આકાના કહેવાથી ખેલ પાડ્યો
ગોંડલના કોંગ્રેસી આગેવાન અને વ્યવસાયે વકીલ દિનેશ પાતર અને રાજકોટના એડવોકેટ સંજય પંડિતે એક વ્યક્તિના કહેવાથી ષડયંત્ર રચ્યું હતું. પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ કેવી રીતે દાખલ કરવી, કેવા નિવેદન કરવા, કોને ક્યારે ફોન કરવાં અને ટેક્નિકલ ફરિયાદ ઊભી કરવાની જવાબદારી બંને વકીલોએ લીધી હતી. એક વ્યક્તિ, એક કથિત પત્રકાર અને બે વકીલે પોતાના આકાના કહેવાથી સમગ્ર કેસનો ખેલ પાડ્યો હતો. આ કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા ફરાર છે. આગામી દિવસોમાં ષડયંત્ર રચનાર એક વ્યક્તિનો ઘટસ્ફોટ થતાં ગોંડલના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
જયરાજસિંહ અને ગણેશની એન્ટ્રીથી નવો વળાંક
રાજકોટમાં સગીર મોડેલ સાથે કારમાં ડ્રાઈવ કરી જ્યુસ પીધા બાદ કારમાં દુષ્કર્મ, બાદમાં પોલીસ ફરિયાદ અને અમિત ખૂંટના આપઘાતથી રહસ્ય ઘેરાયુ હતુ. મૃતક પાસેથી મળેલી સુસાઈડ નોટમાં અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હોવાથી ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાની એન્ટ્રી થઈ હતી. દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરા અને તેની સહેલી પૂજા રાજગોરે એક વ્યક્તિ, બે વકીલ, એક કથિત પત્રકારના કહેવાથી કાવતરૂ રચી અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. રીબડા કનેક્શન ખૂલતાં સમગ્ર કેસ હાઈ પ્રોફાઈલ બની ગયો છે.
નાણાની જરૂરીયાત હોવાથી ઓફર સ્વીકારીઃ પૂજા રાજગોર
ગોંડલ પોલીસે રીબડાના અમિત ખૂંટની આત્મહત્યા મામલે ફરિયાદી સગીરા અને તેની સહેલી પૂજા રાજગોરનું નિવેદન લીધુ હતુ. પૂજા રાજગોરે પોલીસ સમક્ષ જણાવ્યુ છે કે, એક વ્યક્તિએ મને આવીને ઓફર કરી હતી. અમિત ખૂંટને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળમાં ફસાવી શરીર સબંધ બાંધવા ઓફર મળી હતી. મારે રૂપિયાની જરૂરિયાત હોવાથી આ કાંડ રચ્યું હતું. રૂપિયાની ઓફર અને સારી જોબની ઓફર મળી હતી. જે તે સમયે એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતરે છેલ્લે સુધી સાથે રહેવા વચન આપતાં ઓફર સ્વીકારી હતી.
શું હતો સમગ્ર મામલો?
મૂળ અમરેલીની અને હાલ રાજકોટમાં રહેતી સગીરા સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી ફેમસ થવા અને મોડેલ બનવા કામ કરી રહી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર અમિત ખૂંટે રિકવેસ્ટ મોકલી પરિચય કેળવી રૂબરૂ મળ્યા બાદ કોઈ પીણું પીવડાવી કારમાં દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાઅ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમિત ખૂંટ સામે રાજકોટમાં ફરિયાદ નોંધાવનાર સગીરાની ઉંમર 16 વર્ષ 10 મહિના છે. તે મૂળ અમરેલી જિલ્લાની વતની છે. સગીરાએ ધોરણ 11 સુધી અભ્યાસ કર્યા બાદ રાજકોટમાં રહેતી હતી. રાજકોટમાં રહી મોડેલિંગ અને શૂટિંગનું કામ કરે છે. રાજકોટમાં અન્ય સહેલી સાથે કોટેચા ચોક નજીક નિર્મલા રોડ પર ભાડાના મકાનમાં રહેતી હતી. છેલ્લા 10 દિવસથી ગુરુપ્રસાદ ચોક નજીક એક હોટલમાં રૂમ રાખી તેની સહેલી સાથે રહેતી હતી.
સગીરાના જણાવ્યા મુજબ, એપ્રિલ મહિનાના અંતમાં સગીરાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમિત ખૂંટના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે એકસેપ્ટ કરી સગીરાએ ફોલોબેક કર્યું હતું અને ત્યારથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. ઈન્સ્ટાગ્રામમાં મેસેજ તથા ઓડિયો-વીડિયોકોલથી વાતચીત પણ થતી હતી. 2 મે 2025ના સાંજના 8 વાગ્યે સગીરા હોટલના રૂમમાં હતી ત્યારે અમિત ખૂંટે ઈન્સ્ટાગ્રામમાં ઓડિયો કોલ કર્યો હતો અને વીરાણી ચોક પાસે મળવાનું નક્કી કર્યું હતું.
2 મે 2025ના રોજ રાત્રિના સમયે 8.15થી 8.30 વાગ્યા આસપાસ સગીરા વીરાણી ચોક પાસે પહોંચી હતી અને ત્યાં એક કાળા કલરની હેરિયર કાર લઇને અમિત આવ્યો હતો. ત્યાંથી બંને કારમાં બેસીને યાજ્ઞિક રોડ પર જે એન્ડ સેક નામની જયૂસની દુકાન ખાતે ગયાં હતાં. ત્યાં સગીરા ગાડીમાં જ બેઠેલી હતી અને અમિત દુકાનમાં જ્યૂસ લેવા માટે ગયો હતો. અમિત બે જ્યૂસના ગ્લાસ લઈને આવતાં બંનેએ ગાડીમાં પીધો હતો. બાદમાં સગીરાએ અમિત ખૂંટને ઘરે મૂકી જવા માટે કહ્યું હતું. જેથી અમિતે કાર યાજ્ઞિક રોડ ઉપર થઈને એક શેરીમાં લઈ ગયો હતો. એક મકાનની બાજુમાં ઊભી રાખી હતી. પરંતુ રસ્તામાં લોકોની અવરજવર હોવાથી ત્યાંથી ગાડી ચલાવી બંને ગોંડલ ચોકડી નજીક ગયાં હતાં.
ગોંડલ ચોકડીથી ગોંડલ જતા રસ્તે પુલ નીચે અમિતે ગાડી ઊભી રાખી હતી. અમિતે સગીરાને હેરિયર ગાડીમાં પાછળની સીટમાં બેસવા માટે કહ્યું હતું. જેથી તે પાછળની સીટમાં બેસી ગઈ હતી પછી અમિત પણ પાછળની સીટમાં આવીને બેસી ગયો હતો અને ગાડીના બધા દરવાજા લોક કરી સગીરાનો હાથ પકડી શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો અને જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યો હતો. આ ઘટના બાદ સગીરાએ દુષ્કર્મ આચર્યાની રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાયા બાદ અમિત ખૂંટ પોલીસ પકડથી દૂર હતો અને નાસતો ફરતો હતો. દરમિયાન 5 મેની વહેલી સવારે લોધિકા રોડ ઉપર પોતાની વાડીમાં ઝાડ ઉપર દોરડા વડે અમિત ખૂંટે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેની પરિવારજનો અને પોલીસને જાણ થતાં મૃતદેહ નીચે ઉતારી તપાસ કરતાં સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે દુષ્કર્મની ફરિયાદ ખોટી હોવાનો અને કાવતરું રચી હનીટ્રેપમાં ફસાવવા પ્રયાસ કરાયાનો ઉલ્લેખ કર્યો હતો. આ સુસાઈડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા તેમજ દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરા અને તેની સહેલીના નામનો ઉલ્લેખ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.