દેશનું સૌથી સુરક્ષિત શહેર અમદાવાદ બન્યુ અસલામત!
દોઢ મહિનામાં 11 હત્યા, ફાયરિંગ અને જાહેરમાં મારામારીથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી
વિરાટનગર બ્રિજ નીચેથી બિલ્ડર હિંમત રૂડાણીનો મૃતદેહ મળ્યો, પૈસાની લેતીદેતીમાં થઈ હત્યા
વિરાટનગર બ્રિજ નીચેથી બિલ્ડર હિંમત રૂડાણીનો મૃતદેહ મળ્યો, પૈસાની લેતીદેતીમાં થઈ હત્યા
દોઢ મહિના અગાઉ મિડ-યર 2025ના ન્યૂમબિયો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં અમદાવાદ શહેરને દેશનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું હતું. પરંતુ, વાસ્તવિક્તા કઈંક અલગ જોવા મળી રહી છે. છેલ્લાં દોઢ મહિના દરમિયાન અમદાવાદમાં 11 હત્યાના બનાવ બન્યા છે. જ્યારે જાહેરમાં હથિયારથી મારામારી અને અસામાજીક તત્વોની દાદાગીરીની અનેક ઘટનાઓ બની છે. શહેરીજનોને હચમચાવી દે તેવી જાહેરમાં હથિયારો સાથે મારામારી કરી હત્યા નિપજાવવાની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે. શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં નિષ્ફળ ગઈ છે. અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ છરી, ચપ્પુ, લાકડી અને દંડા જેવાં હથિયારો લઈને ફરી રહ્યા છે. જેના કારણે અમદાવાદ શહેરને દેશના સૌથી સુરક્ષિત શહેર તરીકે જાહેર અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે.
કિસ્સો-01
અમદાવાદમાં શનિવારે મોડી રાત્રે વધુ એક હત્યા થઈ છે. વિરાટનગર બ્રિજ નીચેથી બિલ્ડર હિંમત રૂડાણીની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. ઓઢવ પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તેમજ કોલ ડિટેઈલનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમની ગાડીના ડેકીમાં મૃતદેહ મૂકવામાં આવ્યો હતો. શરીર પર ચપ્પાના ઘા મારી હત્યા કરી હોય તેવા નિશાન મળ્યા છે. બિલ્ડર સવારે ઘરેથી કન્સ્ટ્રક્શન સાઇટ પર જવા નીકળ્યા હતા. 11 વાગ્યે મૃતકના દીકરાએ મૃતકને રિંગ રોડ પર પસાર થતા જોયા હતા. પૈસાની લેતી દેતીમાં હત્યા થઇ હોવાની પોલીસને શંકા છે. હાલ પોલીસે પૂછપરછ અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
કિસ્સો-02
12 સપ્ટેમ્બરની વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ પાલડી વિસ્તારમાં અંજલિ ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર નામચીન નૈસલ ઠાકોર નામના યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. નંબરપ્લેટ વગરની કારમાં આવેલા 7 થી 8 અજાણ્યા શખ્સોએ પહેલા નૈસલ ઠાકોરને ટક્કર મારી નીચે પાડી દીધો હતો. બાદમાં ગાડીમાંથી ઉતરી ધારિયાં અને છરીના ઘા મારી પતાવી દીધો હતો.
કિસ્સો-03
અમદાવાદના સતાધાર વિસ્તારમાં પુત્રએ માતાની હત્યા કરી હતી. લગ્ન નહી કરવા બાબતે પુત્રએ માતાને માર મારતા માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત થયું હતું. વ્રજ કોન્ટ્રાક્ટર નામનો યુવક વર્ષ 2018થી 2024 સુધી સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. વિઝા પુરા થતા વર્ષ 2024માં તે ભારત પરત આવ્યો હતો. કામ ધંધો કર્યા વગર માતા સાથે લગ્ન કરવા બાબતે ઝઘડો કરતો હતો. ઘટનાની રાત્રે તેની બહેન નકશી અને માતા પારૂલબેન ઘરે હતા તે સમયે વ્રજે મારા લગ્ન કેમ કરાવતા નથી, મારા માટે છોકરી કેમ શોધતા નથી તેમ કહીને માતાને પેટના ભાગે મુક્કા માર્યા હતા. તેથી તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન પારૂલબેનનું મોત થયું હતું. સોલા પોલીસે પુત્ર વ્રજ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
કિસ્સો-04
ત્રણ ઓગસ્ટની મોડી રાત્રે જુહાપુરા વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. સંકલિતનગરમાં એક પ્રસંગમાં લોકો ભેગા થયા હતા. જ્યાં પાડોશીના ઘર પાસે પાનની પિચકારી મારવા બાબતે ઝઘડો થયો હતો. એમાં 20 વર્ષના સુફિયાન નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા લોકોએ માતા-પિતાની નજર સામે દીકરાની છાતીમાં અને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા. યુવક ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
કિસ્સો-05
ત્રણ ઓગસ્ટની રાત્રે ઓઢવ વિસ્તારમાં ભત્રીજીને હેરાન કરતા યુવકને ઠપકો આપતાં કાકાની હત્યા કરી દેવામાં આવી હતી. રામનગર ખાતે રહેતા સુનીલ ઉર્ફે ભોપો પટણી અને તેના મિત્રો સુનીલની ભત્રીજી રેશમાને હેરાન કરનાર જિજ્ઞેશને મોબાઇલમાંથી ભત્રીજીનો ફોટો ડિલિટ કરવા અને ઠપકો આપવા તેના ઘેર પહોંચ્યા હતા. ત્યારે જિજ્ઞેશે ફોટો ડિલિટ નહીં કરવા અને મોબાઈલ નહીં આપવા બાબતે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાની અદાવત રાખીને જિજ્ઞેશ અને તેના બે ભાઈઓએ સુનીલ પર છરીથી હુમલો કર્યો હતો. એમાં સુનીલનું સારવાર દરમિયાન મોત થયું હતું.
કિસ્સો-06
10 ઓગસ્ટના રોજ મેઘાણીનગર વિસ્તારમાં ચીમનલાલ મહાસુખની ચાલીમાં રહેતા સંજય વણજારા નામના યુવકને બૂટલેગર સહિત ત્રણથી ચાર યુવકે માર માર્યો હતો. ત્યારબાદ યુવકનું મોત થયું હતું. યુવકનાં પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે મારામારી બાદ યુવકનું મોત થયું છે. જોકે પોલીસ દ્વારા યુવકનું મારામારીને કારણે નહીં, પરંતુ હાર્ટ-એટેકથી મોત થયું હોવાનું જણાવ્યું હતુ. યુવકને ચાલીની બહાર વેચાતા દારૂનો અડ્ડો બંધ કરાવવા મુદ્દે બૂટલેગર સાથે ઝઘડો થયો હતો. એ બાદ મારામારી થઈ હતી અને બાદમાં યુવક નીચે ઢળી પડતાં તેનું મોત થયું હતું.
કિસ્સો-07
19 ઓગસ્ટના રોજ ખોખરાની સેવન્થ ડે સ્કૂલની બહાર જ ધો.10ના વિદ્યાર્થીએ ધો.10ના સ્ટુડન્ટની બોક્સ કટર જેવા હથિયારથી હત્યા કરી હતી. સગીર વયના વિદ્યાર્થીએ વિદ્યાર્થી સાથે ઝઘડાની અદાવત રાખી સ્કૂલની બહાર જ બોક્સ કટર પેટમાં મારી દીધું હતું. જેના કારણે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત થયા બાદ યુવક સ્કૂલમાં ગયો હતો અને પરિસરમાં બેઠો ત્યાર બાદ ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. સ્કૂલમાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા આ રીતે હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવતાં ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
કિસ્સો-08
22 ઓગસ્ટના રોજ મેઘાણીનગર વિસ્તારમાં જાહેરમાં સાતથી આઠ લોકોના ટોળાએ ઘાતક હથિયારો વડે યુવકને માર માર્યો હતો. કાગડાપીઠ વિસ્તારમાંથી નીતિન નામના યુવકનું અપહરણ કરી મેઘાણીનગર વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં તેના ઉપર લાતો, ધારિયાં અને હથિયારો વડે ક્રૂર રીતે માર મારવામાં આવ્યો હતો. માર મારવા અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગુજરાત યુપી-બિહાર બની ગયું છે એવા સોશિયલ મીડિયામાં વીડિયો સાથેના મેસેજ વાયરલ થયા હતા. જાહેરમાં 10 મિનિટ સુધી યુવક ઉપર આ રીતે હુમલો કરી અને હત્યા કરવામાં આવતાં સ્થાનિક પોલીસ પર ખૂબ સવાલો ઊભા થયા હતા.
કિસ્સો-09
24 ઓગસ્ટના રોજ ઘોડાસર બ્રિજ નીચે અજાણ્યા યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. જાવેદ પઠાણ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતાં સગીર દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. મૃતક અને આરોપી સગીર એકબીજાના સંપર્કમાં હતાં. જાવેદ વારંવાર સગીર પાસે પૈસા માગતો હતો અને પૈસા ઉછીના લીધા બાદ પરત આપ્યા નહોતા. જેથી સગીરે તેની સાથે ઝઘડો કર્યો હતો અને રવિવારીમાંથી લાવેલી છરી દ્વારા ગળા અને અન્ય ભાગ ઉપર ઘા મારીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો. રૂપિયા 5,000ની લેતીદેતીમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
કિસ્સો-10
31 ઓગસ્ટના રોજ જુહાપુરા વિસ્તારમાં સોનલ ચાર રસ્તા પાસે એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સોએ યુવકને તારી ગાડી સીઝ કરવાની છે અને બોલાચાલી કરી હતી. હું તને ઓળખતો નથી એવું યુવકે કહેતાં તેને માર મારવાની શરૂઆત કરી હતી. જાહેરમાં એક આરોપી દ્વારા યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર છરી-પથ્થરોથી મારામારી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં બે લોકોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
કિસ્સો-10
એક સપ્ટેમ્બરના રોજ નારોલ વિસ્તારમાં રહેતા યુવક અને તેના પિતા ઉપર ચાર શખ્સોઓ છરી વડે હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન પિતાનું મોત થયું હતું. જ્યારે પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બહેન સાથે વાતચીત કરવા અંગે યુવકને ઠપકો આપ્યો હતો, જેથી ચાર શખ્સોએ આવીને આદિત્ય નામના યુવકે સત્યમ ભૂમિહાર અને તેના પિતા સાથે મારામારી કરી હતી. તેને છોડાવવા મોટા બાપાનો દીકરો પણ વચ્ચે પડ્યો હતો. આરોપી દ્વારા ત્રણેય ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો., જેમાં સારવાર દરમિયાન સત્યમના પિતાનું મોત થયું હતું. હત્યા બાદ ચારેય આરોપી ફરાર થઈ ગયા હતા.
કિસ્સો-11
બીજી સપ્ટેમ્બરના રોજ ગીતામંદિર વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડમાં પોલીસચોકીની બહાર એક યુવક પોતાને ભૂરાદાદા ગણાવી બેફામપણે ગોળો બોલી ધમાલ મચાવતો વીડિયો સામે આવ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં યુવક પોલીસ ચોકીના દરવાજા પર તોડફોડ કરી બહાર આવો તો ખબર પડે તેવું કહેતો જોવા મળ્યો હતો. વીડિયો વાયરલ થતાં કાગડાપીઠ પોલીસ દોડતી થઈ હતી. એસટી બસ સ્ટેન્ડ ઉપર હજારો મુસાફરોની અવરજવર રહેતી હોય છે. ત્યારે અસામાજિક તત્વો પોલીસ ચોકીમાં બેફામ અપશબ્દો બોલી ધમકી આપતો હોય તો નાગરિકોની સલામતી શું તેવા અનેક સવાલો ઊભા થયા છે.
કિસ્સો-12
બીજી સપ્ટેમ્બરે નારોલ વિસ્તારના અલીફનગરમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યુ હતું. યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરતા એક તરફી પ્રેમમાં યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો. બપોરના સમયે પ્રેમિકાને મળવા માટે યુવક આવ્યો હતો. મધ્યપ્રદેશથી આવીને યુવકે નારોલમાં પ્રેમિકા પર એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો. સદનસીબે ફાયરિંગની ઘટનામાં યુવતીનો બચાવ થયો અને તેને સામાન્ય ઈજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત તમામ કિસ્સાઓ ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, રિવોલ્વર, છરી, ચપ્પુ, ધારિયાં, લાકડી અને દંડા જેવા ઘાતક હથિયારો રાખવા અંગે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું અમલી છે. તેમ છતાં તેનો અમલ કરવામાં પોલીસ નબળી સાબિત થઈ છે. કેટલાક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. હથિયારો રાખીને જાહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિના ધજાગરાં ઉડાવનારાં તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં પોલીસ અને સરકાર પાંગળી પુરવાર થઈ રહી હોય તેવું અમદાવાદના કિસ્સાઓમાં જોવા મળી રહ્યું છે. તેના કારણે સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ પેદા થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?