અમદાવાદ: પાર્કિંગના ઝઘડામાં લોહીની હોળી ખેલાઈ
26 વર્ષીય શ્રમિકની જાહેરમાં હત્યા

AI જનરેટેડ

AI જનરેટેડ
Ahmedabad Crime News: રાજ્યના સૌથી મોટા વ્યાપારી કેન્દ્રોમાંના એક એવા માધુપુરા માર્કેટમાં રવિવારે ( 3 મે, 2026) બપોરે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. માત્ર ટુ-વ્હીલર પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ચાર શખ્સોએ ભેગા મળી એક 26 વર્ષીય આશાસ્પદ શ્રમિક યુવકની જાહેરમાં લોખંડના સળિયા અને બેલ્ટ વડે ઢોર માર મારીને નિર્મમ હત્યા કરી નાખી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વેપારી આલમ અને સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પાર્કિંગનો સામાન્ય ઝઘડો મોતનું કારણ બન્યો
મૂળ ઉત્તર પ્રદેશના ઈટાવાના વતની અને હાલ ચાંદખેડા વિસ્તારના ભોલાભાઈ પાર્કમાં રહેતા મિથિલેશ ઉર્ફે મુન્નો (ઉ.વ. 26) અને તેનો ભાઈ સંદીપ મિશ્રા છેલ્લા સાત વર્ષથી માધુપુરા માર્કેટમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 3 મે ના રોજ બપોરે આશરે 12:30 થી 1:00 વાગ્યાની વચ્ચે મિથિલેશને ટુ-વ્હીલર પાર્કિંગ કરવા બાબતે કેટલાક પીકઅપ બોલેરોના ડ્રાઈવરો સાથે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની ગઈ હતી. ઉશ્કેરાયેલા આરોપીઓ ઇન્દ્રજીતકુમાર પટેલ, આકાશ પટેલ, આકાશ રાઉત અને લાલીપ્રસાદ માનવતા નેવે મૂકી મિથિલેશ પર લોખંડની પાઈપ, સળિયા અને કમરના પટ્ટા (બેલ્ટ) વડે તૂટી પડ્યા હતા.
ભાઈની નજર સામે જ ભાઈનો દમ તૂટ્યો
ઘટના સમયે મિથિલેશનો મોટો ભાઈ સંદીપ માર્કેટના ગેટ પાસે જ હતો. માર્કેટમાં અચાનક 108 એમ્બ્યુલન્સ આવતા સંદીપ પણ કુતૂહલવશ જોવા ગયો હતો કે શું થયું છે. પરંતુ ત્યાં પહોંચતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે જોયું કે તેનો નાનો ભાઈ મિથિલેશ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો. 108ના તબીબોએ તપાસ બાદ મિથિલેશને સ્થળ પર જ મૃત જાહેર કર્યો હતો. સંદીપની નજર સામે જ તેના ભાઈનો મૃતદેહ પડ્યો હતો, જે દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
માતાનો આક્રંદ: 'મને ન્યાય જોઈએ'
પુત્રના મોતના સમાચાર સાંભળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃતક યુવકની માતા રાજેશ્વરીબેને ચોધાર આંસુએ રડતા જણાવ્યું હતું કે, "મારો દીકરો વર્ષોથી અહીં મજૂરી કરીને પેટિયું રળતો હતો. માત્ર પાર્કિંગ જેવી ક્ષુલ્લક વાતમાં તેની હત્યા કરી દેવામાં આવી. મારા દીકરા સાથે જે થયું તે બીજા કોઈ સાથે ન થાય તે માટે પોલીસ આ નરાધમોને કડકમાં કડક સજા કરે, અમને ન્યાય જોઈએ છે."
પોલીસ કાર્યવાહી અને સીસીટીવી ફૂટેજ
માધુપુરા અને શાહીબાગ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના ભાઈ સંદીપની ફરિયાદના આધારે ઇન્દ્રજીતકુમાર પટેલ સહિત ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે. પોલીસે માર્કેટ વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, જેમાં હુમલાની કમકમાટીભરી ઘટના કેદ થઈ હોવાનું મનાય છે. આ ઉપરાંત, પોલીસે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં જાહેરમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. સામાન્ય બાબતે માણસની જિંદગી છીનવી લેવાની આ માનસિકતાએ સમાજ માટે ચિંતાનો વિષય છે. પોલીસે આ મામલે કડક તપાસ હાથ ધરી ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવાની ખાતરી આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરવલ્લીના શીણોલ પાસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો રોકતા SOG પર હથિયાર તાકવામાં આવ્યું, પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું; બે શખ્સો ફરાર થયા.

નહેરુબ્રિજથી કાલુપુર અને દાણીલીમડા સુધી આખરે એવું શું બન્યું કે AMTS-BRTS ફરી સવાલોના ઘેરામાં આવી?

ગુજરાત પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવમાં નંબર પ્લેટના નિયમ ભંગ બદલ 18,014 કેસ, 4,187 વાહનો ડિટેઇન અને ₹58.56 લાખનો દંડ વસૂલાયો.