Ahmedabad માં SOG નો સપાટો, ગેરકાયદેસર ગર્ભપાત રેકેટનો પર્દાફાશ, વડોદરા સુધી કનેક્શન!
પોલીસે નર્સ, ગર્ભવતી મહિલા અને તેના સંબંધીની ધરપકડ કરી BNS અને MTP એક્ટ હેઠળ ગુનો નોંધ્યો...

ગર્ભપાતનું ગંદુ રેકેટ ઝડપાયું...

ગર્ભપાતનું ગંદુ રેકેટ ઝડપાયું...
અમદાવાદ ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ બાવળા નજીકથી એક મોટા ગર્ભપાત રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાવળાની પનામા ગેસ્ટ હાઉસમાંથી એક મહિલા નર્સને ગર્ભવતી મહિલાનો ગર્ભપાત કરાવતા રંગે હાથ ઝડપી પાડી હતી. આ રેકેટમાં ગર્ભ પરીક્ષણથી લઈને ગર્ભપાત સુધીની સંપૂર્ણ સાંકળ સામે આવી છે, જેમાં અનેક લોકોની સંડોવણી હોવાની આશંકા છે.
કેવી રીતે ચાલતું હતું રેકેટ?
પ્રાથમિક તપાસ મુજબ, આ રેકેટમાં ગર્ભવતી મહિલાઓનું ગર્ભ પરીક્ષણ વડોદરામાં કરવામાં આવતું હતું. ત્યારબાદ, આ મહિલાઓનું ગર્ભપાત બાવળાની પનામા ગેસ્ટ હાઉસ જેવી હોટલોમાં કરવામાં આવતું હતું. મહિલા નર્સ હેમલતા દરજી આ ગર્ભપાત કરાવતી હતી. તે ગર્ભવતી મહિલાને એનેસ્થેસિયા આપીને ગર્ભપાત કરતી હતી અને એક ગર્ભપાત કરવાના ₹5,000/- રૂપિયા લેતી હોવાનું સામે આવ્યું છે.
નર્સની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી...
ગ્રામ્ય SOG અને આરોગ્ય વિભાગે સંયુક્ત દરોડા પાડીને નર્સ હેમલતા દરજી, ગર્ભવતી મહિલા અને તેના સંબંધીને હોટલમાંથી રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે નર્સ હેમલતા દરજીની ધરપકડ કરી લીધી છે. બાવળા પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 91, 92, 54 અને MTP Act 1971 ની કલમ 5(2), 5(3) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોટા રેકેટની આશંકા...
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, નર્સ હેમલતા દરજી એક જ હોટલમાં ત્રણ વખતથી વધુ આવી ચૂકી હતી, જેના પરથી એવી આશંકા સેવાઈ રહી છે કે તેણે આ હોટલમાં અનેક મહિલાઓના ગર્ભપાત કરાવ્યા હશે. આ રેકેટમાં ગર્ભ પરીક્ષણ કરતી લેબોરેટરીથી લઈને ગર્ભપાત કરાવવા સુધીની આખી સાંકળ કાર્યરત હતી. પોલીસ તપાસ બાદ આ રેકેટમાં સંડોવાયેલા અનેક વધુ લોકોના નામ સામે આવે તેવી શક્યતા છે. આ ઘટનાએ ગેરકાયદેસર ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણના દૂષણને ફરી એકવાર ઉજાગર કર્યું છે. પોલીસની વધુ તપાસમાં આ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય છે અને આવા ગેરકાયદેસર કૃત્યોને રોકવા માટે કડક પગલાં લઈ શકાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.