અમદાવાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: કિશોરને કેદની સજા
અમદાવાદની જુવેનાઇલ જસ્ટિસ કોર્ટે 16 વર્ષના સગીર કિશોર પર 20 વર્ષની કડક સજા ફટકારી
સગીર કિશોર પર 20 વર્ષની સજા
સગીર કિશોર પર 20 વર્ષની સજા
ગુજરાતના ન્યાયિક ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ચુકાદો આવ્યો છે. અમદાવાદની જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળની સ્પેશિયલ કોર્ટે એક સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનાર 16 વર્ષ અને 6 મહિનાના કિશોરને 20 વર્ષની કડક કેદની સજા ફટકારી છે. રાજ્યમાં જુવેનાઇલ જસ્ટિસ કોર્ટ દ્વારા સગીરને આટલી લાંબી સજા ફટકારવામાં આવી હોય તેવો આ સૌપ્રથમ કિસ્સો છે. આ ચુકાદો સમાજમાં આવા ગુનાઓને અટકાવવા માટે એક મજબૂત સંદેશો આપે છે.
દર્દનાક ગુનો અને કડક સજા
જાન્યુઆરી-2024માં અમદાવાદના ખોખરા વિસ્તારમાં 14 વર્ષનો એક કિશોર સ્કૂલેથી ઘરે જઈ રહ્યો હતો. તે સમયે અમરાઇવાડીના 16 વર્ષીય કિશોરે તેને અટકાવીને ધમકાવ્યો અને બળજબરીપૂર્વક મણિનગર રેલવે કોલોની પાસે લઈ ગયો. ત્યાં તેણે ભોગ બનનાર કિશોર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું. આ ગુનાહિત કૃત્યનો વીડિયો પણ ઉતારી લીધો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપીને પીડિત પાસેથી રૂપિયા 2000 પડાવ્યા હતા. એટલું જ નહીં, આરોપીએ વધુ 10 હજાર રૂપિયાની માંગણી પણ કરી હતી.
પીડિત કિશોરે પોતાના પરિવારને આ અંગે જાણ કરતા, ખોખરા પોલીસે તરત કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ, ખંડણી, ધમકી અને આઈટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કેસ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કર્યો હતો.
કોર્ટની દલીલો અને વળતરનો હુકમ
આ કેસની સુનાવણી દરમિયાન, સરકારી વકીલ જી.પી. દવેએ 12 સાક્ષીઓ અને 30 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને ગુનો સાબિત કર્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું કે આરોપીના કૃત્યથી પીડિત બાળકના માનસપટ પર અત્યંત નકારાત્મક અસર પડી છે. સમાજમાં આવા બનાવો અટકાવવા માટે દાખલો બેસે તેવી સજા થવી અનિવાર્ય છે.
કોર્ટે સરકારી પક્ષની દલીલોને માન્ય રાખીને આરોપીને 20 વર્ષની કેદ અને ₹5000નો દંડ ફટકાર્યો. આ સાથે જ કોર્ટે ધી ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન એક્ટ 2019 હેઠળ પીડિત કિશોરને ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.
સગીર આરોપી માટે કાયદાકીય માર્ગ
ન્યાયાધીશ મનીષ પ્રદ્યુમન પુરોહિતે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી હતી કે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ, આરોપી ૨૧ વર્ષનો ન થાય ત્યાં સુધી તેને 'પ્લેસ ઓફ સેફ્ટી' (ઓબ્ઝર્વેશન હોમ)માં રાખવામાં આવશે. ૨૧ વર્ષ પૂરા થયા બાદ તેને નિયમિત જેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. કોર્ટે એ પણ નોંધ્યું કે, દર વર્ષે આરોપીની પ્રગતિની સમીક્ષા કરીને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવો પડશે.
કોર્ટે આરોપીના ભવિષ્ય અને તેની કારકિર્દીને ધ્યાનમાં લેવાની દલીલને ફગાવી દેતા જણાવ્યું કે, "આરોપીના ગુનાહિત કૃત્યના કારણે પીડિત કિશોર પર થયેલી માનસિક અસરને નજરઅંદાજ કરી શકાય નહીં." આ ચુકાદો દર્શાવે છે કે ગુનાની ગંભીરતા સગીર કાયદા હેઠળ પણ માફીને પાત્ર નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?