અમદાવાદ 100 કરોડ ગોલ્ડ કેસઃ મિલકત ટાંચમાં લેવાશે!
ગોલ્ડ કેસમાં CA સહિત અંદાજે ડઝન લોકોની પૂછપરછ માટે DRIએ સમન્સ મોકલ્યા
મુખ્ય આરોપીઓ મેઘ શાહ અને મહેન્દ્ર શાહ દુબઈમાં હોવાનું જાણવા મળ્યુઃ સૂત્રો
મુખ્ય આરોપીઓ મેઘ શાહ અને મહેન્દ્ર શાહ દુબઈમાં હોવાનું જાણવા મળ્યુઃ સૂત્રો
અમદાવાદના પાલડી વિસ્તારના આવિષ્કાર ફલેટમાંથી ગોલ્ડ બિસ્કિટ, વિદેશી ઘડિયાળો સહિત રૂ. 137 કરોડની મતા મામલે DRIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે મહેન્દ્ર શાહ અને તેનો પુત્ર મેઘ શાહ દુબઈમાં હોવાની હકીકત સામે આવી છે. DRIએ આરોપીઓની મિલકતો ટાંચમાં લેવા પ્રક્રિયા હાથ ધરી છે અને ગોલ્ડ કેસમાં સંકળાયેલા ડઝન લોકોની પૂછપરછ માટે સમન્સ કાઢ્યાં છે.
મહેન્દ્ર શાહ પાંચ વર્ષથી અમદાવાદમાં બંધ કંપનીઓ ખરીદીને સેબીમાં કાયદાકીય આંટીઘૂંટીનો લાભ લઈ કંપની ચાલુ કરાવતો હતો. ત્યારબાદ કંપનીના શેરોના રાઈટ ઈસ્યુ અને પ્રેફરન્સ શેરોની મંજૂરી મેળવીને કૃત્રિમ ઉછાળો લાવી રોકાણકારોને શેરો પધરાવી દેતો હતો. રાઈટ ઈસ્યુના શેરોમાં શેર બ્રોકરોની મદદથી શેરો ભરાવીને મહેન્દ્ર શાહ કૌભાંડ આચરતો હતો.
રોકાણકારોને શેરોની ટીપ આપવાનો પ્રતિબંધ હોવા છતાં મહેન્દ્ર શાહ ઉર્ફે કાળિયો સોશિયલ મીડિયાના માધ્યમથી દરરોજ શેરોમાં કૃત્રિમ ઉછાળો લાવી શેરો પધરાવતો હતો. આ નાણાં એક એગ્રીકલ્ચર કંપની સાથે સંકળાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) મારફતે રોકડમાં આંગડિયા દ્વારા મેળવતો હતો. ત્યારબાદ તે નાણામાંથી સોનું ખરીદતાં હોવાનું DRIની તપાસમાં ખૂલ્યું છે. એગ્રીકલ્ચર કંપની સાથે સંકળાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સમન્સ આપી પૂછપરછ માટે બોલાવવામાં આવનાર હોવાનું DRIનાં સૂત્રોએ જણાવ્યું છે.
DRIની તપાસમાં ખૂલ્યું છે કે મહેન્દ્ર શાહ અને મેઘ શાહ કાળાં નાણાંને સફેદ બનાવવાના કાવતરા હેઠળ કેટલાક ઓપરેટર અને તેના મળતિયા રાઈટ ઈસ્યુ અને પ્રેફરન્સ શેરોની મંજૂરી મેળવી લાવતા હતા. જેમાં ફોરેન પોર્ટ ફોલિયો ઈન્વેસ્ટમેન્ટ (FPI) તથા ફોરેન કરન્સી કન્વટીબેલ બોન્ડસ્ (FCCB)માં શેરો ભરાવતા હતા અને પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં શેરો અંગે અલગ અલગ રોકાણ બતાવીને ભાવોમાં કૃત્રિમ ઉછાળો લાવતા હતા. અમદાવાદના બે બ્રોકરેજ હાઉસમાં એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા CA સહિતની સેબી દ્વારા તપાસ કરવામાં આવે તો પાંચ વર્ષમાં મહેન્દ્ર કાળિયાએ આચરેલાં કૌભાંડોનો પર્દાફાશ થઈ શકે તેમ છે તેમ જાણકારોનું કહેવું છે.
સેબી દ્વારા અગાઉ મહેન્દ્ર શાહને ડીબાર કરવામાં આવ્યો હતો. આ પછી તે બીજાનાં ખાતાંમાં કામકાજ કરતો હતો. જે ખાતાના ધારકો પણ ડીબાર થયા હતા. શેરબજારમાં 80થી વધુ કંપનીઓનું કામકાજ કરીને અબજો રૂપિયા મહેન્દ્ર કાળિયા કમાયો હતો. જે નાણાં આરટીજીએસ માફરતે હવાલા પાડીને રોકડા કરી લીધા હતા.
મહેન્દ્ર કાળિયા ઉર્ફે મહેન્દ્ર શાહ અને તેમનો પુત્ર મેઘ શાહ અમદાવાદ અને મુંબઈના કેટલાક IPS અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. IPS અધિકારીઓના તેમના પર ચાર હાથ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ અમદાવાદની ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેરમાં મોટી તેજી પાછળ મહેન્દ્ર શાહ ઉર્ફે મહેન્દ્ર કાળિયો સામેલ હતો. જોકે સેબીની તપાસમાં મહેન્દ્ર કાળિયાનું નામ આવ્યું નહોતું. પરંતુ સેબીએ કંપનીના ડાયરેકટોને નોટિસો પાઠવીને ખુલાસો કરવા જણાવ્યું છે. કંપનીના શેર્સમાં ટ્રેડિંગ મારફ્ત લગભગ 10 હજાર કરોડ રૂપિયાનાં કાળાં નાણાંને વ્હાઇટ કરવાનું કૌભાંડ ડિસેમ્બર-2024માં બહાર આવ્યું હતું. સેબીએ ડિસેમ્બર-2024માં ભારત ગ્લોબલ ડેવલપર્સને સસ્પેન્ડ કરી હતી.
ભારત ગ્લોબલ ડેવલપર્સે દેશ-વિદેશનાં ટોચનાં ઉદ્યોગગૃહો પાસેથી રૂપિયા 1500 કરોડના ઑર્ડર મેળવ્યા હોવાની ખોટી જાહેરાત કરી શેર્સમાં કૃત્રિમ તેજી સર્જી હતી. નવેમ્બર-2023થી નવેમ્બર-2024 વચ્ચે શેરના ભાવ 1700 ટકા વધ્યા હતા. શેરનો ભાવ છેલ્લા એક વર્ષમાં 14-16 રૂપિયાથી વધી 28 નવેમ્બર-2024ના રોજ 1072.95 બંધ આવ્યો હતો. ડિસેમ્બરમાં વચગાળાના ઑર્ડરમાં કંપનીના શેર ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત 41 ઓપરેટર અને તેમના મળતિયા પર પ્રતિબંધ મૂકી સેબી તપાસ કરી રહી છે.
પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાંથી ઝડપાયેલું 100 કરોડ રૂપિયાનું સોનું અને લાખો રૂપિયાની રોકડની તપાસમાં નવો ઘટસ્ફોટ થયો છે. ફ્લેટમાંથી ઝડપાયેલા 87.9 કિલો ગોલ્ડબાર પૈકી 57 કિલો સોનું વિદેશથી લાવવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે.
આંગડિયા પેઢીના માલિકો અને IPS સાથે પિતા-પુત્રના સંબંધ
મેઘ અને તેના પિતા મહેન્દ્ર શાહને શોધવા માટે અલગ અલગ એજન્સી કામ કરી રહી છે. મેઘ અને મહેન્દ્ર જ્યારે આર્થિક રીતે હાથે પગે હતા ત્યારે તેમની સાથે સંકળાયેલા લોકો મોટા પ્લેયર બની ગયા છે અને ભૂગર્ભમાં ઊતરી ગયા છે. તેમાં બિલ્ડર, ફાયનાન્સર, આંગડિયા પેઢીનો માલિક, આરટીજીએસનો જાણકાર તમામ લોકો મહેન્દ્ર સાથે સડોવાયેલા હોવાની વાતો જાણવા મળી છે. ગયા વર્ષે આંગડિયા પેઢીઓની દુબઈથી ક્રિકેટ સટ્ટાનું રેકેટ ચલાવતા કેટલાક બુકીઓનું કનેક્શન બહાર આવ્યું હતું. તેવી જ રીતે આ કેસના તાર દુબઈ સુધી સંકળાયેલા છે.
બે વર્ષમાં પિતા-પુત્ર કરોડો કમાયા
સામાન્ય વ્યક્તિ આખી જિંદગી રૂપિયા ભેગા કરે તો પણ સો કરોડનું સોનું અને કરોડો રૂપિયાની રોકડ બે વર્ષમાં ભેગાં થઈ શકે નહીં. અમદાવાદના પિતા-પુત્ર મેઘ શાહ અને મહેન્દ્ર શાહે બે વર્ષમાં કરોડો રૂપિયા ભેગા કરી લીધા છે. થોડા સમય પહેલાં અમદાવાદની આંગડિયા પેઢીઓમાં રેડ થઈ હતી. જેમાં કોલ સેન્ટર અને ક્રિકેટ સટ્ટાના રૂપિયાની શંકાના આધારે તપાસ થઈ હતી. એક આંગડિયા પેઢીનો માલિક મેઘનો ભાગીદાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આંગડિયા પેઢી મારફત ક્રિકેટ સટ્ટા, કોલ સેન્ટર અને આરટીજીએસ દ્વારા અમુક ટકાવારીના રૂપિયા મેઘ સુધી પહોંચતા હોવાની ચર્ચા છે.
પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાં ત્રણ દિવસ પહેલાં એટીએસ અને ડીઆરઆઈએ દરોડો પાડ્યો હતો. આ ફ્લેટ મેઘ શાહે ભાડે રાખ્યો હતો. ફ્લેટમાંથી બંને એજન્સીઓએ કુલ 107 કરોડ રૂપિયાની કિંમતનાં દાગીના, સોનું અને ઘડિયાળો જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા સોનામાંથી મોટા ભાગનો જથ્થો દાણચોરીથી લાવવામાં આવ્યો હોવાની પણ વિગતો સામે આવી છે. હાલ બંને એજન્સીઓ તપાસ કરી રહી છે અને પિતા-પુત્રની શોધખોળ ચાલી રહી છે.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદના પાલડીમાં આવિષ્કાર એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાંથી 100 કરોડ રૂપિયાનું સોનું અને લાખો રૂપિયાની રોકડ ઝડપાઈ હતી. ફ્લેટમાંથી 87.9 કિલો ગોલ્ડબાર ઝડપાયા હતા. તે પૈકી 57 કિલો સોનું વિદેશથી લાવવામાં આવ્યું હતું. આ સોનું દાણચોરીના માર્ગેથી લાવવામાં આવ્યું હોવાની આશંકા છે. ફ્લેટમાંથી 19.6 કિલોની જ્વેલરી, 11 લકઝરી ઘડિયાળ અને 1.37 કરોડની રોકડ મળી હતી. ત્રણ દિવસ વોચ રાખ્યા બાદ ATS અને DRIએ દરોડો પાડી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?