અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં યુવકની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઇ હતી પણ આ બનાવમાં ચોંકાવનારી માહિતી તો એ હતી કે બનાવ બન્યો તે સ્થળે જ પોલીસની પીસીઆર વાન ત્યાં હતી અને પીસીઆર વાન પાસે ખાટલામાં કેટલાક પોલીસ કર્મચારીઓ સુતા હતા. ત્યાં રહેલા કિન્નરોએ તુરત જ પોલીસને ઉંઘમાંથી જગાડી હતી અને ઘટનાની જાણ કરી હતી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળેલી માહિતી મુજબ અમદાવાદના બાપુનગરમાં કર્ણાવતી એપાર્ટમેન્ટના ગેટ પાસે વિજય અને પ્રિયેશ નામના યુવકો પર પાંચેજ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો જેમાં વિજય નામના એક યુવકને છરીના ઘા ઝીંકીને હત્યા કરાઇ હતી. આ બનાવ 23 માર્ચે બન્યો હોવાનું જાણવા મળે છે. આ જીવલેણ હુમલામાં પ્રિયેશ નામના યુવકની હાલત નાજુક ગણાવાઇ છે અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગાળો બોલવાના મુદ્દે ઝઘડો થયા બાદ બંને યુવક પર હુમલો થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતક વિજય નરોડામાં રહેતો હોવાનું અને બાપુનગરમાં કોઇ સંબંધની ત્યાં રહેવા આવ્યો હોવાનું જાણવા મળે છે.
નવાઇની વાત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે જ પોલીસની 2 વાન ઉભેલી હતી અને પોલીસ કર્મચારીઓ ત્યાં ખાટલો નાખીને સુઇ ગયા હતા. આ સમયે કિન્નરો ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસને ઉંઘમાંથી જગાડી હતી. કિન્નરોએ પોલીસને બેફામ ગાળો બોલી હતી . ઘટનાની જાણ થતાં આખરે બાપુનગર પોલીસ પણ પહોંચી હતી અને પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.