રાજકોટની 13 વર્ષીય સગીરા ગર્ભવતી બન્યા બાદ 33 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે મંગળવારે સગીરાને પોલીસ પ્રોટેકશન સાથે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કિશોરીના પરિવારજનો સાથે મેડીકલી એક્સપર્ટ કમિટી કે જેમાં તમામ 4થી 5 જેટલા નિષ્ણાંત તબીબ દ્વારા રિપોર્ટ તપાસી ગર્ભપાત માટે પ્રોસેસ કરવા અંગે બાળકી તેમજ પરિવારજનોની સહમતી મેળવી બાદમાં ગર્ભપાત માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
તબીબોના મતે આ હાઈરિસ્ક પ્રેગનન્સી કેસ
બાળકીને મંગળવારે દાખલ કર્યા બાદ આજે (14 મે)ના રોજ તબીબી સારવાર તેમજ મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવશે જે બાદ તેની અનુકૂળતા મુજબ ગર્ભપાત માટે પ્રોસેસ હાથ ધરવામાં આવશે. મેડીકલી એક્સપર્ટના મતે કોઈ પણ પ્રેગ્નેન્સી એ જોખમી જ હોય છે. પરંતુ કોઈ કેસમાં જોખમ ઓછું તો કોઈ કેસમાં વધુ રહેતું હોય છે. તેમાં પણ એક નાની ઉંમરમાં પ્રેગ્નેન્સી અને એક મોટી ઉંમરમાં પ્રેગ્નેન્સી આવે તો આ હાઈરિસ્ક માનવામાં આવે છે. આજના આ કેસમાં પણ બાળકીની ઉંમર માત્ર 13 વર્ષ છે એટલે આ પણ હાઈરિસ્કી પ્રેગ્નેન્સી કેસ છે.
પીડિતાના વાલીઓને ગર્ભપાતના જોખમ સહિતના પાસાઓની જાણકારી અપાશે
હાઈકોર્ટે પીડિતા અને તેના વાલીને ગર્ભપાતના જોખમ સહિતના પાસાઓની તેઓ સમજી શકે તે ભાષામાં જાણકારી આપી છે અને તેઓની લેખિતમાં સહી મેળવ્યા બાદ ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા હુકમ કર્યો છે. રાજકોટની પીડીયુ જનરલ હોસ્પિટલના સિનિયર મોસ્ટ ગાયનેકોલોજીસ્ટ, સાયકોલોજીસ્ટ સહિતના નિષ્ણાત તબીબની ટીમને ગર્ભપાત દરમ્યાન હાજર રહેવા અને પીડિતાની ઉમંરને ધ્યાને લઈ તેની ખાસ કાળજી લેવા અને ધ્યાન રાખવા પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલો કઈ રીતે સામે આવ્યો?
13 વર્ષીય સગીરા ગર્ભવતી હોવાનો મામલો 29 એપ્રિલ 2025ના રોજ ત્યારે સામે આવ્યો જ્યારે મહારાષ્ટ્રમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ટ્રાન્સફર કરવામાં આવી. મહારાષ્ટ્રમાં પોતાના સંબંધીને ત્યાં ફરવા ગયેલી કિશોરીને પેટમાં દુખાવો ઉપડતા તેમના પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોએ સગીરા ગર્ભવતી હોવાની જાણ કરી હતી. માતાએ સગીરાને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા રાજકોટમાં તેની પાડોશમાં રહેતા કિશોરે તેના પર દુષ્કર્મ આચર્યાની હકીકત જણાવતા ફરિયાદ નોંધવામાં આવી હતી.
રાજકોટ પોલીસે તપાસ કરી તો એક નહીં બે કિશોરે દુષ્કર્મ આચર્યાનો ઘટસ્ફોટ થયો
રાજકોટ પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી તો પીડિતાના પિતરાઈ ભાઈએ પણ છ થી સાત વાર દુષ્કર્મ આચર્યું હોવાનું ખૂલ્યું હતું. બંને કિશોર સામે દુષ્ક્રર્મની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ધરપકડ કરી બાળ અદાલતમાં રજૂ કરતા બંનેને બાળ રિમાન્ડ હોમમાં મોકલાયા હતા. જ્યાંથી બંનેનો જામીન પર છુટકારો થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.