પંપ એન્ડ ડમ્પ કૌભાંડઃ 221 સંસ્થાઓ પર પ્રતિબંધ
SEBIની મોટી કાર્યવાહી, 221 સંસ્થાઓ પર 7 વર્ષનો પ્રતિબંધ અને માસ્ટર માઇન્ડને ₹10 કરોડ દંડ

સેબીના બિલ્ડીંગની ફાઈલ તસવીર

સેબીના બિલ્ડીંગની ફાઈલ તસવીર
221 institutions banned in pump and dump scam: ભારતીય શેરબજારના નિયમનકાર SEBIએ રોકાણકારોના હિતોની સુરક્ષા માટે કાર્યવાહી કરી છે. શેરના ભાવમાં કૃત્રિમ વધારો કરીને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના આરોપ હેઠળ 221 સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તમામ સંસ્થાઓને આગામી 7 વર્ષ સુધી શેરબજારમાં ટ્રેડિંગ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
કૌભાંડનો માસ્ટરમાઇન્ડ હનીફ શેખ
SEBIએ પોતાના 394 પાનાના વિગતવાર આદેશમાં જણાવ્યું છે કે, સમગ્ર ખેલનો મુખ્ય સૂત્રધાર હનીફ શેખ નામનો રોકાણકાર છે. હનીફ શેખ અને તેની સહયોગી સંસ્થાઓએ મળીને મૌર્ય ઉદ્યોગ લિમિટેડ, 7NR રિટેલ, દાર્જીલિંગ રોપવે કંપની, GBL ઇન્ડસ્ટ્રીઝ અને વિશાલ ફેબ્રિક્સ લિમિટેડ જેવી 5 કંપનીઓના શેરોમાં મોટા પાયે હેરાફેરી કરી હતી. આ ગુના બદલ સેબીએ હનીફ શેખને 10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ યોજના હેઠળ 200થી વધુ સંસ્થાઓએ 'પીવી ઇન્ફ્લુએન્સર્સ' અને 'ઓફલોડર્સ' તરીકે કામ કર્યું હતું. જેથી ગેરકાયદે કમાણી આસાનીથી પ્રમોટરો સુધી ટ્રાન્સફર કરી શકાય.
પાંચ કંપનીઓના શેરમાં હેરાફેરી
તપાસમાં ખુલાસો થયો કે, આરોપીઓએ પાંચ લિસ્ટેડ કંપનીઓના શેરમાં મોટા પાયે ભાવ સાથે ચેડાં કર્યા હતા. આ ગેરરીતિ દ્વારા શેરના ભાવ કૃત્રિમ રીતે વધારવામાં આવ્યા અને ત્યારબાદ ઊંચા ભાવે શેર વેચીને આશરે ₹143.79 કરોડનો ગેરકાયદે નફો મેળવવામાં આવ્યો હતો.
2017થી 2020 વચ્ચે ચાલ્યું ષડયંત્ર
પીટીઆઈના રિપોર્ટ અનુસાર પાંચ કંપનીઓના શેરમાં પંપ એન્ડ ડમ્પનો મોટો ખેલ વર્ષ 2017થી વર્ષ 2020 દરમિયાન ખેલવામાં આવ્યો હતો. સેબીની તપાસમાં સામે આવ્યું છે કે, પૈસાના અસલી માલિકો (લાભાર્થીઓ)ની ઓળખ છુપાવવા માટે આ રકમને અસંખ્ય વચેટિયાઓ દ્વારા અલગ-અલગ જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
સેબીના સભ્ય અમરજીતસિંહે જણાવ્યું કે, છેતરપિંડીની આ વ્યૂહ નીતિ ભલે નવી ન હોય, પરંતુ તેને ખૂબ જ શાતિર અને આયોજનબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં 226થી વધુ સંસ્થાઓ 5 અલગ-અલગ સ્કીમમાં પોતાની ભૂમિકા ભજવવા માટે એકસાથે જોડાઈ હતી. આ મામલામાં અન્ય 5 સંસ્થાઓ પર પણ 6 વર્ષનો પ્રતિબંધ મૂકીને પ્રત્યેક પર 2-2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
'પંપ એન્ડ ડમ્પ' કેવી રીતે કામ કરે છે?
શેરબજારમાં સામાન્ય રોકાણકારોને ફસાવવા માટે 'પંપ એન્ડ ડમ્પ' છેતરપિંડીની એક જાણીતી સ્ટ્રેટેજી છે. આ ખેલમાં કૌભાંડીઓ પહેલા કોઈ ચોક્કસ શેર વિશે સોશિયલ મીડિયા કે પ્રભાવશાળી લોકો દ્વારા ખોટી, ભ્રામક અને અતિશયોક્તિભરી અફવાઓ ફેલાવે છે. જેને જોઈને સામાન્ય રોકાણકારો આકર્ષાય છે અને મોટા પાયે ખરીદી શરૂ કરે છે.
ખરીદી વધવાના કારણે શેરનો ભાવ આકાશે આંબવા લાગે છે.જેને પંપ કહેવાય છે. જ્યારે શેરનો ભાવ ખૂબ ઊંચો થઈ જાય ત્યારે કૌભાંડીઓ પોતાની પાસે રહેલા લાખો શેર ઊંચા ભાવે વેચાણ કરે છે. જેને ડમ્પ કહેવાય છે. રાતોરાત મોટો નફો બુક કરીને તેઓ બહાર નીકળી જાય છે. ત્યારબાદ અચાનક થયેલી વેચવાલીને કારણે શેરનો ભાવ ધડામ દઈને નીચે પડે છે અને છેલ્લે ઊંચા ભાવે શેર ખરીદનારા સામાન્ય રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી જાય છે.
રોકાણકારોને કેવી રીતે નુકસાન થાય છે?
જ્યારે શેરનો ભાવ કૃત્રિમ રીતે ઊંચો પહોંચી જાય છે ત્યારે કૌભાંડીઓ પોતાના શેર વેચીને મોટો નફો મેળવી લે છે. ત્યારબાદ ભારે વેચવાલી થતાં શેરના ભાવ ઝડપથી નીચે આવી જાય છે. અંતે ઊંચા ભાવે શેર ખરીદનારા સામાન્ય રોકાણકારોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
રોકાણકારો માટે ચેતવણી
નાણાકીય નિષ્ણાતો રોકાણકારોને સલાહ આપે છે કે માત્ર સોશિયલ મીડિયા પર ફરતા સંદેશા, ટીપ્સ અથવા અફવાઓના આધારે રોકાણ ન કરવું જોઈએ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલાં કંપનીના મૂળભૂત પરિબળો, નાણાકીય સ્થિતિ અને સત્તાવાર માહિતીની ચકાસણી કરવી જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.