માવઠાંથી 30.92 લાખ હેક્ટરમાં 33 ટકાથી વધુ નુકસાન
રાજ્યમાં 1574 કરોડનું નુકસાન થયાનો અંદાજ, 16,387 ગામના 17.06 લાખ ખેડૂતો અસરગ્રસ્ત

રાજ્યના કૃષિ વિભાગની 4784 ટીમોએ 35.44 લાખ હેક્ટર જમીનમાં સરવે કર્યાનો દાવો

રાજ્યના કૃષિ વિભાગની 4784 ટીમોએ 35.44 લાખ હેક્ટર જમીનમાં સરવે કર્યાનો દાવો
તાજેતરમાં થયેલાં માવઠાના કારણે ખરીફ પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની રજૂઆતો બાદ સરકારે સરવે કરીને સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તેના ભાગરૂપે કૃષિ વિભાગની ટીમોએ સરવે કરી નુકસાનનો અંદાજ કાઢ્યો છે. કૃષિ વિભાગના પ્રાથમિક સરવેમાં કુલ 71.02 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી 30.92 લાખ હેક્ટર જમીનમાં 33 ટકા કરતાં વધુ નુકસાન થયાનો અંદાજ છે, સરકારી આંકડા પ્રમાણે 16,387 ગામના 17.06 લાખ ખેડૂતોને 1574.48 કરોડનું નુક્સાન થયું હોવાનો અંદાજ છે.
રાજ્ય સરકારે સરવેમાં આવરી લેવાયેલા 70 ટકા વિસ્તારમાં પ્રાથમિક ચકાસણી કર્યા બાદ આંકડો નક્કી કર્યો છે. મુખ્યમંત્રી રાહત પેકેજની મંગળવારે અથવા બુધવારે જાહેરાત કરે તેવી શક્યતા છે. સરકારની એક એજન્સીએ અગાઉ પ્રારંભિક ૩ અંદાજમાં માવઠાની વ્યાપકતા જોઈને 11 હજાર કરોડનું નુકસાન થયાની સંભાવના વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવાર સુધીમાં નુકસાનનો સરવે કરીને માહિતી મોકલી આપવા તાકીદ કરી હતી. ત્યારબાદ ખેડૂતોને તમામ પ્રકારે પૂરતી મદદ મળશે તેવી બાંહેધરી આપી હતી. ચોમાસામાં ગુજરાતની 84.94 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું. પરંતુ ઓક્ટોબરના અંતમાં પડેલા સરેરાશ 88.67 મીમી કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદના કારણે રાજ્યના 16,387 ગામોની 51.47 લાખ હેક્ટર જમીનનો ખરીફ પાક અસરગ્રસ્ત થયો છે.
ઉત્તર ઝોનમાં 46 હજાર હેક્ટરમાં 33 ટકાથી વધુ નુકસાન
માવઠાના કારણે ઉત્તર ગુજરાતમાં વાવેતર કરાયેલા 18.08 લાખ હેક્ટર ખરીફ પાક પૈકી 4.14 લાખ હેક્ટર જમીનમાં કૃષિ પાકને અસર થઈ છે. કૃષિ વિભાગની ટીમોએ કરેલા સરવેમાં 44,849 ખેડૂતોની 46,125 હેક્ટર જમીનમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયુ છે. ઉત્તર ગુજરાતમાં કૃષિ વિભાગની 565 ટીમોએ 3,230 ગામમાંથી 1,072નો સરવે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
દક્ષિણ ઝોનમાં 1.67 લાખ હેક્ટરમાં 33 ટકાથી વધુ નુકસાન
દક્ષિણ ગુજરાતમાં 5.61 લાખ હેક્ટર વાવેતરને માવઠાની અસર થઈ છે. દક્ષિણ ઝોનના કુલ વાવેતરના 79 ટકા ખરીફ પાકને અસર થઈ છે. કૃષિ વિભાગની ટીમોએ 2.51 લાખ હેક્ટર જમીનમાં 35.35 ટકા સરવે કામગીરી પૂર્ણ કરી છે. જેમાં 1.36 લાખ ખેડૂતોની 1.67 લાખ હેક્ટર જમીનમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયાનો અંદાજ છે.
મધ્ય-પૂર્વ ઝોનમાં 3.18 લાખ હેક્ટરમાં 33 ટકાથી વધુ નુકસાન
મધ્ય-પૂર્વ ઝોનમાં કુલ 15.55 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી 8.17 લાખ હેક્ટર વાવેતરને અસર થઈ છે. મધ્ય પૂર્વ ઝોનમાં વાવેતરના 52.54 ટકા ખરીફ પાકને અસર થઈ છે. કૃષિ વિભાગની ટીમોએ 3.71 લાખ હેક્ટર જમીનમાં 45.37 ટકા સરવેની કામગીરી પૂર્ણ કરી છે. આ સરવેમાં 2.59 લાખ ખેડૂતોની 3.18 લાખ હેક્ટર જમીનમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયાનો અંદાજ છે.
સૌરાષ્ટ્ર ઝોનમાં 25.60 લાખ હેક્ટર જમીનમાં 33 ટકાથી વધુ નુકસાન
સૌરાષ્ટ્રમાં માવઠાથી કુલ 37.71 લાખ હેક્ટર જમીનમાં થયેલા વાવેતર પૈકી 33.53 લાખ હેક્ટર જમીનને અસર થઈ છે. કૃષિ વિભાગની ટીમોએ 28.28 લાખ હેક્ટર જમીનમાં સરવેની 84.34% કામગીરી પૂર્ણ કરી છે. કૃષિ વિભાગે કરેલા સરવેમાં 12.65 લાખ ખેડૂતોની 25.60 લાખ હેક્ટર જમીનમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયુ હોવાનો પ્રાથમિક અંદાજ છે.
સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 1218 કરોડનું નુકસાન
રાજ્ય સરકારના કૃષિ વિભાગની ટીમોએ કરેલા સરવે દરમિયાન નુકસાનના આંકડા બહાર આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધારે નુકસાન થયાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર ઝોનમાં ખેડૂતોને ખરીફ પાકમાં 1218.50 કરોડનું નુકસાન થયું છે. જ્યારે ઉત્તર ઝોનમાં 28.11 કરોડ, દક્ષિણ ઝોનમાં 58.45 કરોડ અને મધ્ય-પૂર્વ ઝોનમાં 296.45 કરોડનું ખેડૂતોને નુકસાન થયું છે. ચારેય ઝોન મળીને ગુજરાતના ખેડૂતોને કુલ રૂપિયા 1574.48 કરોડનું નુક્સાન થયાનો અંદાજ છે.
એક મહિના અગાઉ 947 કરોડનું પેકેજ જાહેર કરાયું હતું
ચોમાસામાં વધુ વરસાદના કારણે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025માં ખરીફ પાક ધોવાઈ જતાં રાજ્ય સરકારે 947 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. બનાસકાંઠામાં વાવ-થરાદ, પાટણ, કચ્છ, જૂનાગઢ અને પંચમહાલ મળીને રાજ્યના 18 તાલુકામાં પાક નુકસાની માટે રાહત પેકેજ જાહેર કરાયું હતું. રાજ્ય સરકારે SDRFના ધોરણો અનુસાર 563 કરોડ અને રાજ્ય સરકારના બજેટમાંથી વધારાના 384 કરોડ ફાળવીને પેકેજ જાહેર કર્યુ હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવતર પ્રયોગથી ખીલી ઉઠી હરિયાળી,1 વર્ષમાં છોડ બન્યા 12 ફૂટ ઊંચા

જાણો કેવી રીતે બન્યા દેશના 'રોલ મોડેલ'

હવે ગુજરાતના ખેડૂતો કમાશે ડૉલર અને પાઉન્ડ