Facebook-Instagram પર કેન્દ્ર સરકારની નજર! હવે Metaના અલ્ગોરિધમમાં શું બદલાશે?
Facebook-Instagram પર તમને કઈ પોસ્ટ દેખાય છે, તે હવે કેન્દ્ર સરકારની નજરમાં!

Metaના અલ્ગોરિધમ પર કેન્દ્ર સરકારની નજર

Metaના અલ્ગોરિધમ પર કેન્દ્ર સરકારની નજર
MeitY Advisory to Meta: Facebook અને Instagram પર કઈ પોસ્ટ કેટલા લોકો સુધી પહોંચે છે અને કઈ સામગ્રી વારંવાર યુઝર્સને દેખાય છે, તે અંગે કેન્દ્ર સરકારે Meta પાસે જવાબદારીપૂર્વક પગલાં લેવાની માગ કરી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY)એ કંપનીને તેના કન્ટેન્ટ રેકમેન્ડેશન અને રેન્કિંગ અલ્ગોરિધમની સમીક્ષા કરવા જણાવ્યું છે. સરકારની ચિંતા માત્ર ભ્રામક પોસ્ટ્સ દૂર કરવા પૂરતી મર્યાદિત નથી. મંત્રાલયનું કહેવું છે કે જો સોશિયલ મીડિયા અલ્ગોરિધમ કોઈ ચોક્કસ પ્રકારની સામગ્રીને વારંવાર વધુ લોકો સુધી પહોંચાડે, તો સંદર્ભ વિનાની માહિતી, જૂના વીડિયો અથવા અપ્રમાણિત દાવાઓથી લોકોમાં ગેરસમજ અને ભય ફેલાઈ શકે છે. આવી પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થા માટે પણ પડકાર ઊભો કરી શકે છે.
10 ઓક્ટોબરની સલાહકારમાં Metaને શું કહેવામાં આવ્યું?
10 ઓક્ટોબરે જારી કરાયેલી સલાહકારમાં MeitYએ Metaને Facebook અને Instagramની કન્ટેન્ટ ભલામણ તથા રેન્કિંગ સિસ્ટમની સમીક્ષા કરવા જણાવ્યું છે. મંત્રાલય ઇચ્છે છે કે યુઝર્સને વિશ્વસનીય, સંબંધિત અને વિવિધ પ્રકારની માહિતી મળી રહે. સરકારે ખાસ કરીને જાહેર ઘટનાઓ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા સંવેદનશીલ પરિસ્થિતિઓ સાથે જોડાયેલા વીડિયો, તસવીરો અને ગ્રાફિક્સ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પૂરતા સંદર્ભ વિના આવી સામગ્રી મોટા પાયે ફેલાય અથવા અલ્ગોરિધમ તેને વારંવાર પ્રોત્સાહન આપે, તો મૂળ ઘટનાની ખોટી સમજ ઊભી થઈ શકે છે. સલાહકારમાં જૂની તસવીરો અને વીડિયોને નવી ઘટના સાથે જોડીને રજૂ કરવા, સંપાદિત દૃશ્યો ફેલાવવા તથા કટોકટી, પ્રતિબંધો કે પોલીસ કાર્યવાહી અંગે અપ્રમાણિત દાવાઓના પ્રસાર જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હવે Metaએ અલ્ગોરિધમની સમીક્ષા કેવી રીતે કરવી પડશે?
MeitYએ Metaને એવી વ્યવસ્થા વિકસાવવા જણાવ્યું છે, જેના દ્વારા અલ્ગોરિધમના કારણે અસામાન્ય રીતે વધુ લોકો સુધી પહોંચતી પોસ્ટ્સ અને સામગ્રી ઓળખી શકાય. જરૂર પડે ત્યારે આવી સામગ્રીની તાત્કાલિક સમીક્ષા થાય અને ગંભીર કિસ્સાઓને ઉચ્ચ સ્તરે મોકલી શકાય, તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને એવી સામગ્રી પર ધ્યાન આપવા જણાવાયું છે, જેનાથી વ્યાપક ગેરસમજ ઊભી થવાની, હિંસાને પ્રોત્સાહન મળવાની અથવા જાહેર શાંતિ ભંગ થવાની શક્યતા હોય. આ મુદ્દો સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી અંગેની મોટી ચર્ચાનો ભાગ છે. અત્યાર સુધી ચર્ચામાં મુખ્યત્વે ગેરકાયદેસર અથવા વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવા પર ભાર રહ્યો છે. હવે ચર્ચાનો એક મહત્વપૂર્ણ ભાગ એ પણ છે કે અલ્ગોરિધમ કઈ સામગ્રીને વધુ લોકો સુધી પહોંચાડે છે અને તેના પાછળના માપદંડ શું છે.
જૂના વીડિયો અને સંદર્ભ વિનાની પોસ્ટ્સ કેમ ચિંતાનો વિષય?
સોશિયલ મીડિયા પર જૂની તસવીરો કે વીડિયોને નવી ઘટના સાથે જોડીને શેર કરવામાં આવે, તો યુઝર્સ તેને વર્તમાન ઘટનાના પુરાવા તરીકે સમજી શકે છે. તેવી જ રીતે, સંપાદિત વીડિયો અથવા પોલીસ કાર્યવાહી અંગેના અપ્રમાણિત દાવાઓ ઝડપથી ફેલાય તો વાસ્તવિક પરિસ્થિતિ વિશે ગેરસમજ ઊભી થઈ શકે છે. આ કારણે મંત્રાલયે જાહેર ઘટનાઓ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયોમાં તારીખ, સ્થળ અને ઘટનાનો વાસ્તવિક સંદર્ભ સમજવામાં મદદરૂપ માહિતી ઉપલબ્ધ રહે તે બાબત પર ભાર મૂક્યો છે.
કાયદેસર અભિવ્યક્તિ પર પ્રતિબંધ નહીં: સરકારની સ્પષ્ટતા
સરકારે સ્પષ્ટ કર્યું છે કે સલાહકારનો હેતુ કાયદેસર અભિવ્યક્તિ અથવા જાહેર ચર્ચાને દબાવવાનો નથી. Metaને તેની હાલની સુરક્ષા અને કન્ટેન્ટ મૉડરેશન વ્યવસ્થાઓ મજબૂત કરવા કહેવામાં આવ્યું છે, પરંતુ આ પ્રક્રિયામાં કાયદેસર અને લોકશાહી ચર્ચા બિનજરૂરી રીતે અવરોધાય નહીં તેની પણ કાળજી રાખવાની છે. આ સલાહકાર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 અને IT Rules, 2021ના સંદર્ભમાં જારી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. મંત્રાલયે Metaને જરૂરી પગલાં લઈને પાલન અંગે જાણ કરવા કહ્યું છે. Meta તેના અલ્ગોરિધમમાં કયા ચોક્કસ ફેરફારો કરશે અને ભલામણ પ્રણાલીમાં કયા નવા માપદંડ ઉમેરશે, તે અંગે પણ હજુ સ્પષ્ટ વિગતો સામે આવી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શિયાળામાં ACના Fan Modeથી હવા કેટલી સાફ થઈ શકે છે? જાણો માત્ર ₹100થી ₹115ના અંદાજિત માસિક વીજળી ખર્ચ, AC ફિલ્ટરની સફાઈ અને PM2.5 પ્રદૂષણ સામે HEPA એર પ્યુરિફાયરની અસરકારકતા વિશેની મહત્ત્વની માહિતી.

ભૂકંપ આવે એ પહેલાં તમારા ફોન પર એલર્ટ મળે તો? Googleએ Android Earthquake Alertsનો વ્યાપ 200થી વધુ દેશો અને પ્રદેશોમાં વધાર્યો હોવાનો દાવો કર્યો છે!

CERT-Inની ચેતવણી મુજબ, AI એજન્ટ્સ ભારતીય સંસ્થાઓની સિસ્ટમમાં અનધિકૃત રીતે પ્રવેશીને ગુપ્ત ડેટા સુધી પહોંચી ગયા હોવાનો અહેવાલ છે. જાણો લીક થયેલા પાસવર્ડ, અસુરક્ષિત API અને AI એજન્ટ્સથી ઊભા થતા સાયબર સુરક્ષાના જોખમ વિશે.