Yogi Adityanath Mother Savitri Devi Death: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પરિવાર માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં માતા સાવિત્રી દેવીનું 91 વર્ષની વયે નિધન થયું છે. ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર બ્લોકમાં આવેલા પંચુર ગામ સ્થિત તેમના પૈતૃક નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા. ઉંમર સંબંધિત બીમારીઓને કારણે તેઓ અસ્વસ્થ હતાં. તેમના નિધનના સમાચારથી પરિવારજનો, સ્થાનિક લોકો અને શુભેચ્છકોમાં શોકની લાગણી ફેલાઈ છે.
ઉત્તરાખંડના પંચુર ગામમાં લીધા અંતિમ શ્વાસ
સાવિત્રી દેવી ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના પંચુર ગામમાં રહેતાં હતાં. આ ગામ યોગી આદિત્યનાથનું પૈતૃક ગામ છે અને તેમના બાળપણ સાથે પણ આ ગામની યાદો જોડાયેલી છે. યોગી આદિત્યનાથનો જન્મ ઉત્તરાખંડમાં થયો હતો અને તેમનું બાળપણ પંચુર ગામમાં વીત્યું હતું. મુખ્યમંત્રી બન્યા બાદ પણ તેઓ સમયાંતરે પોતાના વતન અને પરિવાર સાથે જોડાયેલા રહ્યા છે.
માતાના ચરણસ્પર્શ કરી લીધા હતા આશીર્વાદ
મે 2022માં યોગી આદિત્યનાથ લાંબા સમય બાદ પોતાના પૈતૃક ગામ પંચુર પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે માતા સાવિત્રી દેવીના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. માતા સાથેની તેમની આ મુલાકાતની તસવીરો પણ તે સમયે ચર્ચામાં રહી હતી. ત્યારબાદ જૂન 2024માં પણ યોગી આદિત્યનાથ ઉત્તરાખંડની મુલાકાત દરમિયાન ઋષિકેશ સ્થિત AIIMS હોસ્પિટલ પહોંચ્યા હતા. તે સમયે તેમની માતા સાવિત્રી દેવીની તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. યોગીએ માતાની મુલાકાત લઈ તેમની તબિયત પૂછી હતી અને ડોક્ટરો પાસેથી સારવાર અંગે માહિતી મેળવી હતી. તેમણે થોડો સમય માતા સાથે વિતાવ્યો હતો.
ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ વ્યક્ત કર્યો શોક
સાવિત્રી દેવીના નિધનના સમાચાર બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર સંદેશ આપતાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં પૂજ્ય માતાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. ધામીએ પોતાના સંદેશમાં માતાના સ્નેહ, આશીર્વાદ અને પ્રેમને જીવનની અમૂલ્ય સંપત્તિ ગણાવ્યાં હતાં. તેમણે બાબા કેદારને પ્રાર્થના કરી હતી કે દિવંગત આત્માને શાંતિ આપે અને યોગી આદિત્યનાથ સહિત સમગ્ર પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
વર્ષ 2020માં પિતાનું પણ થયું હતું નિધન
યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું 20 એપ્રિલ 2020ના રોજ 89 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં કિડની અને લીવરની સમસ્યાને કારણે સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. તે સમયે કોરોના મહામારી અને લોકડાઉનની સ્થિતિને કારણે યોગી આદિત્યનાથ પિતાના અંતિમ સંસ્કારમાં હાજર રહી શક્યા નહોતા. પિતાના નિધન સમયે તેઓ ઉત્તર પ્રદેશમાં કોરોના સંકટની સમીક્ષા માટે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા હતા. આનંદ સિંહ બિષ્ટ ઉત્તરાખંડના વન વિભાગમાં ફોરેસ્ટ રેન્જર તરીકે ફરજ બજાવતા હતા અને વર્ષ 1991માં નિવૃત્ત થયા હતા. હવે માતા સાવિત્રી દેવીના નિધનથી યોગી આદિત્યનાથ પર ફરી એકવાર માતૃશોક છવાયો છે. પંચુર ગામમાં તેમના પરિવાર અને શુભેચ્છકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.