ભાજપમાં યાદવાસ્થળીઃ સંગઠન અને ધારાસભ્યો વચ્ચે આંતરિક વિખવાદ!
બહુચરાજી, વલભીપુર અને અમદાવાદના અસારવા વિસ્તારમાં જૂથવાદ, ધારાસભ્યો સામે ફરિયાદ

બહુચરાજી અને વલભીપુરના સરપંચ સન્માન સમારોહમાં ભાજપના ધારાસભ્યોની ગેરહાજરીથી વિવાદ

બહુચરાજી અને વલભીપુરના સરપંચ સન્માન સમારોહમાં ભાજપના ધારાસભ્યોની ગેરહાજરીથી વિવાદ
ભાજપના નેતાઓમાં ચાલી રહેલી યાદવાસ્થળી વિખવાદના સ્વરૂપે બહાર આવવા લાગી છે. તાજેતરમાં મહેસાણાના બહુચરાજી અને ભાવનગરના વલભીપુરમાં તાલુકા ભાજપ દ્વારા આયોજીત સરપંચ સન્માન સમારોહમાં સ્થાનિક MLA ગેરહાજર રહેતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જ્યારે અમદાવાદની અસારવા વિધાનસભા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને લઈ વોર્ડના કાર્યકરોએ સ્થાનિક ધારાસભ્યનો ઘેરાવ કરતાં મામલો ગરમાયો હતો. ત્રણેય વિસ્તારમાં એક વાત કોમન જોવા મળી રહી છે કે, ભાજપનું સ્થાનિક સંગઠન અને ધારાસભ્યો આમને-સામને આવી ગયા છે.
બહુચરાજી તાલુકા ભાજપ અને MLA આમને સામને
બહુચરાજી તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈ અને બહુચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર સામસામે આવી ગયા છે. સુરપુરા ગામમાં તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. ધારાસભ્ય સુખાજી ઠાકોર ગેરહાજર રહેતાં તાલુકા પ્રમુખે ધારાસભ્ય પર આક્ષેપ કરી પ્રદેશમાં ફરિયાદ કરવાની ચીમકી આપી હતી. ધારાસભ્ય બહુચરાજીમાં હાજર હોવા છતાં પાર્ટીના કાર્યક્રમમાં આવ્યા નહી હોવાનો આક્ષેપ કરતાં ધારાસભ્ય અને સંગઠન વચ્ચે સંકલનનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો.
ધારાસભ્ય સુખાજી ઠાકોરે કમલેશ દેસાઈ પર વળતા પ્રહાર કરી કહ્યું કે, તાલુકા પ્રમુખે ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું છે. તાલુકા પ્રમુખ પોતે જ તાલુકાના આગેવાન સમજીને મનસ્વી રીતે પાર્ટી ચલાવે છે. તેઓ પાર્ટીને મોટી કરવા નહીં, પરંતુ પોતે મોટા થવા માટે કાર્યક્રમો કરે છે.
વિધાનસભા ચૂંટણીથી પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય જૂથ સામસામે
બહુચરાજી તાલુકા ભાજપ અને ધારાસભ્ય વચ્ચેનો ઝઘડો આજકાલનો નથી. વર્ષ 2022 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીથી શરૂ થયો છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ પોતાને ટિકિટ મળે તેવા પ્રયાસો કરી રહ્યા હતા. પોતાને ન મળે તો પોતાના સમર્થકને અપાવવા ખૂબ જોર લગાવ્યુ હતુ. પ્રદેશ ભાજપે રજની પટેલના કટ્ટર વિરોધી સુખાજી ઠાકોરને ટિકિટ આપી રજની પટેલને કદ પ્રમાણે વેતરી નાખ્યા હતા. સુખાજી ઠાકોરને ટિકિટ મળ્યા બાદ બહુચરાજી તાલુકા ભાજપના સંગઠને ગાંધીનગર કમલમ જઈને ટિકિટની પસંદગીમાં ફેર વિચારણા કરવા માગ કરી હતી. પરંતુ, પ્રદેશ ભાજપે સુખાજી ઠાકોરને યથાવત રાખી તેમને જીતાડવા સૂચના આપી હતી. તેમ છતાં રજની પટેલ અને તેમના સમર્થકો ચૂંટણી દરમિયાન નિષ્ક્રિય રહ્યા હતા. આ બાબતની સુખાજી ઠાકોરે પ્રદેશ ભાજપ સમક્ષ ફરિયાદ પણ કરી હતી. જો કે, પ્રદેશ ભાજપના સપોર્ટથી સુખાજી ઠાકોર ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ સંગઠનની રચનામાં રજની પટેલે પોતાના સમર્થક કમલેશ દેસાઈને તાલુકા ભાજપ પ્રમુખપદ અપાવી વિધાનસભા ચૂંટણીમાં થયેલી પોતાની હારનો બદલો લીધો હતો.
ગઢડાના MLA સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખના ગંભીર આરોપ
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે. ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયાએ સ્થાનિક ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે તાજેતરમાં ગંભીર આરોપ લગાવી મોરચો ખોલ્યો છે. લીમડા ગામે સરપંચ સન્માન સમારોહમાં મુકેશ લંગાળીયાએ ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે જાહેરમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાની આસપાસ ચારથી પાંચ વ્યક્તિઓ ફરે છે. જેઓ માત્ર ભ્રષ્ટાચાર આચરે છે. આશ્ચર્યની વાત એ છે કે ધારાસભ્ય તેમને છાવરે છે. તેમણે ઉમેર્યું કે, વલ્લભીપુર તાલુકામાં કોઝ-વે, મામલતદાર કચેરીના કામો તેમજ નેશનલ હાઈવેના નિર્માણ કાર્યોમાં કોન્ટ્રાક્ટરોને દબાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. ભાજપના નેતા દ્વારા તેમના પક્ષના ધારાસભ્ય પર આક્ષેપ કરવામાં આવતાં મામલો પ્રદેશ ભાજપમાં પહોંચ્યો છે. જિલ્લા ભાજપ સંગઠનની ના હોવા છતાં સરપંચ સંમેલન યોજીને મુકેશ લંગાળીયાએ ધારાસભ્યને ચેલેન્જ આપી છે. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સરપંચ સંમેલનમાં નહી જવા જણાવાયું હોવા છતાં અનેક હોદ્દેદારો જતાં ભાજપના બે જૂથ પડી ગયા છે.
અમદાવાદના અસારવા વિધાનસભા વિસ્તારમાં આંતરિક ડખો
શિસ્તબધ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં હવે પ્રદેશથી લઈને વોર્ડે સુધી આંતરિક જૂથબંધી સામે આવી રહી છે. અસારવાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને પ્રાથમિક સુવિધાનાં પ્રશ્નોને લઇ નાગરિકોએ ઘેરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેના કારણે ભાજપની પ્રતિષ્ઠા ખરડાઇ હોવાનું શહેર ભાજપના નેતાઓ માની રહ્યા છે. સિવિલ હોસ્પિટલ પાસે ધારાસભ્યને નાગરિકોએ ઘેરી ઉગ્ર રજૂઆત કરતો વીડિયો કોઈ ભાજપના કાર્યકરે માધ્યમો સુધી પહોંચાડી દીધો હતો. આ બાબતે શહેર ભાજપે ગંભીર નોંધ લઈ કોર્પોરેટરો અને વોર્ડનાં હોદ્દેદારોને ખખડાવતાં મામલો પ્રદેશ ભાજપના નેતાઓ સુધી પહોંચ્યો છે.
સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે ખટરાગ
ભાજપના નવા સંગઠનની રચનાને 7 મહિના જેટલો સમય પૂર્ણ થઈ ગયો છે. જાન્યુઆરી-2025માં નિમણૂકની વાતો વચ્ચે જુલાઈ અડધો પૂર્ણ થવા છતાં હજુ સુધી નવા પ્રદેશ પ્રમુખની વરણી થઈ શકી નથી. નવા પ્રદેશ પ્રમુખની પસંદગીનો મામલો પણ ગૂંચવાયો છે. જાતિ સમીકરણ નહી ગોઠવાતા ભાજપના નેતાઓ દ્વિધા અનુભવી રહ્યા છે. તેની સીધી અસર નવા સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ થઈ રહી છે. કાર્યક્રમોને લઈ હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામસામે આવી રહ્યા છે.
શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકને 7 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં પ્રદેશ સંગઠનના નવા માળખાની રચના ઘોંચમાં પડી છે. સંગઠનની દ્રષ્ટિએ ચાર ઝોન પૈકી બે ઝોનના પ્રદેશ મહામંત્રીથી કામગીરી ચલાવાઈ રહી છે. સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની મુદત જુલાઈ-2023માં પૂર્ણ થઈ છે. લોકસભાની ચૂંટણીને લઈ તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેઓ કેન્દ્રીય મંત્રી બની જતાં સંગઠનમાં ઓછું અને કેન્દ્ર સરકારમાં વધુ ધ્યાન આપતાં હોવાનું જોવા મળ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?