દિલ્હીમાં જીત સાથે 18 રાજ્યોમાં હવે ભાજપ ગઠબંધનની સરકાર
13 રાજ્યોમાં ભાજપની જ્યારે 5 રાજ્યોમાં ભાજપ ગઠબંધનની સરકાર

વર્ષ 2018માં 21 રાજ્યોમાં ભાજપ ગઠબંધનની સરકારનો સ્થપાયો હતો રેકોર્ડ

વર્ષ 2018માં 21 રાજ્યોમાં ભાજપ ગઠબંધનની સરકારનો સ્થપાયો હતો રેકોર્ડ
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. 27 વર્ષ બાદ ભાજપે દિલ્હીમાં સત્તા મેળવી છે. દિલ્હીની 70 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી છે. છેલ્લી 3 ટર્મથી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને માત્ર 22 બેઠકો મળતાં વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. જ્યારે કોંગ્રેસ એકપણ બેઠક પર પોતાનું ખાતુ ખોલાવ્યુ નથી. દિલ્હીમાં જીત સાથે દેશમાં હવે 18 રાજ્યોમાં ભાજપ ગઠબંધનની સરકાર બની છે. 13 રાજ્યોમાં ભાજપ અને 5 રાજ્યોમાં ભાજપ ગઠબંધન સરકાર ચાલી રહી છે.
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધને સારી લડત આપતાં ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવી શક્યુ નહોતું. તેથી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ગઠબંધન સરકાર બનાવવી પડી હતી. છેલ્લા એક વર્ષમાં 8 રાજ્યોમાં ચૂંટણી થઈ છે. આ આઠ ચૂંટણીમાં ભાજપ ગઠબંધને 6 રાજ્યોમાં સરકાર બનાવી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ તેમજ ઝારખંડમાં જેએમએમના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બની છે.
છેલ્લાં એક વર્ષ દરમિયાન આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, ઓડિશા, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી થઈ હતી. આઠ રાજ્યો પૈકી આંધ્રપ્રદેશ, ઓડિશા, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન સરકાર બની હતી. સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ અને SKM વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું હતું. પરંતુ કેન્દ્ર સરકારમાં બંનેનું ગઠબંધન ચાલુ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ તેમજ ઝારખંડમાં JMMના નેતૃત્વમાં મહાગઠબંધનની સરકાર છે.
વર્ષ 2018માં ભાજપ ગઠબંધને દેશનાં સૌથી વધુ રાજ્યોમાં સરકાર બનાવવાનો રેકોર્ડ કર્યો હતો. માર્ચ 2018માં એનડીએ ગઠબંધન ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં સરકાર બનાવી 21 રાજ્યમાં સત્તા મેળવી હતી. જે તે સમયે એનડીએ ગઠબંધને ઈન્દિરા ગાંધીના શાસનકાળના કોંગ્રેસના રેકોર્ડની બરાબરી કરી હતી.
ભાજપ ગઠબંધન હિમાચલ પ્રદેશ અને ઝારખંડમાં ચૂંટણી જીતી ગયું હોત તો તેણે 21 રાજ્યમાં સરકારનો રેકોર્ડ બનાવી લીધો હોત. 2024માં JMM ગઠબંધને ઝારખંડ વિધાનસભાની 81 બેઠકમાંથી 56 બેઠક જીતીને સરકાર બનાવી હતી. જ્યારે ભાજપ 21 બેઠક પર સમેટાઈ ગયુ હતુ. હિમાચલ પ્રદેશમાં 68 બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસે 40 બેઠક જીતીને સરકાર બનાવી હતી.
ઉત્તર ભારતમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને હવે દિલ્હીમાં ભાજપની સરકાર છે. ઉત્તર ભારતમાંથી કુલ 818 ધારાસભ્ય છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની અને પંજાબમાં આપની સરકાર છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ વર્ષ 2017માં પહેલી વખત અને વર્ષ 2022માં બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપે 403માંથી 222 બેઠક જીતી હતી. ઉત્તરાખંડમાં 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70માંથી 47 બેઠક જીતી હતી. હરિયાણામાં 90 બેઠકમાંથી ભાજપે 48 બેઠક જીતી હતી. હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં છે.
પૂર્વ ભારતની વાત કરીએ તો બિહારમાં ભાજપ ગઠબંધન, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, ઝારખંડમાં JMM સરકાર અને ઓડિશામાં ભાજપ સરકાર છે. અહીં કુલ 722 ધારાસભ્યોમાંથી 21 ટકા એટલે કે 152 ભાજપના છે. બિહારમાં 243 બેઠક ધરાવતી NDA સરકાર છે. ઓડિશામાં 147 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 78 બેઠક જીતી.
પશ્ચિમ ભારતની વાત કરીએ તો મહાષ્ટ્રમાં શિંદેની શિવસેના સાથે ભાજપ ગઠબંધનની સરકાર છે. ગુજરાત અને રાજસ્થાનમાં ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર છે. ત્રણેય રાજ્યમાં 710 ધારાસભ્યોમાંથી 60 ટકા એટલે કે 429 ભાજપના છે. રાજસ્થાનમાં વર્ષ 2023માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 200માંથી 115 બેઠકો જીતી હતી. ગુજરાતમાં વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182 બેઠકમાંથી 156 બેઠક જીતી હતી. મહારાષ્ટ્રમાં 2024માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકમાંથી ભાજપે 132 બેઠક અને શિંદેની શિવસેનાએ 57 બેઠક જીતી હતી. ગોવામાં વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 40 માંથી 26 બેઠક જીતી હતી.
મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સરકાર છે. બંને રાજ્યમાંથી કુલ 420 ધારાસભ્યમાંથી 217 એટલે કે 51 ટકા ધારાસભ્ય ભાજપના છે. વર્ષ 2023માં યોજાયેલી મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230માંથી 163 બેઠક જીતી હતી. જ્યારે છત્તીસગઢની ચૂંટણીમાં ભાજપે 90 માંથી 54 વિધાનસભા બેઠકો જીતી હતી. કોંગ્રેસ માત્ર 35 બેઠકો જીતી શકી હતી.
દક્ષિણ ભારતમાં માત્ર આંધ્રપ્રદેશમાં ભાજપની ગઠબંધન સરકાર છે. તામિલનાડુમાં ડીમકેની તેમજ કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે. કેરળમાં CPI(M)ની સરકાર છે. વર્ષ 2024માં યોજાયેલી આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ટીડીપીએ 175 માંથી 135 બેઠકો જીતી હતી. પૂર્વોત્તર રાજ્યો આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરામાં ભાજપની સરકાર છે, જ્યારે મેઘાલય, સિક્કિમ (રાજ્યમાં અલગ અને કેન્દ્રમાં ગઠબંધન) અને નાગાલેન્ડમાં NDA ગઠબંધન સરકારો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?