પ્રતાપ દૂધાત પાસેથી જિલ્લા પ્રમુખપદ આંચકી લેવાશે?
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી કે.સી.વેણુગોપાલે જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં આપ્યા
કે.સી.વેણુગોપાલ અને પ્રતાપ દૂધાત
કે.સી.વેણુગોપાલ અને પ્રતાપ દૂધાત
જૂનાગઢમાં કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. આ શિબિરમાં પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી કે.સી.વેણુગોપાલે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત પાસેથી હોદ્દો છીનવી લેવાના સંકેત આપ્યા છે. વેણુગોપાલે જણાવ્યું કે, 41 જિલ્લા પ્રમુખો પૈકી એક જિલ્લા પ્રમુખ ગેરહાજર છે અને ગેરહાજર પ્રમુખ પ્રતાપ દૂધાત છે. તેઓ શિબિરના પ્રથમ દિવસથી ગેરહાજર છે. વેણુગોપાલના નિવેદનથી અમરેલી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ પ્રતાપ દૂધાતનું પદ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે.
કે.સી.વેણુગોપાલે નવ નિયુક્ત પ્રમુખોને ચેતવણી આપતાં કહ્યું કે, કોંગ્રેસમાં હવે જે લોકો કામ કરશે તેમને પ્રમોશન આપવામાં આવશે. જ્યારે જેઓ કામ નહીં કરે તેમની પાસેથી પદ આંચકી લેવામાં આવશે. પ્રતાપ દૂધાત જિલ્લા અધ્યક્ષ બન્યા બાદ સંગઠનનું માળખું હજુ સુધી જાહેર કરી શક્યા નથી. તેને પણ તેમની ગેરહાજરીના કારણ સાથે જોડી શકાય છે.
વેણુગોપાલના નિવેદન બાદ જાણવા મળ્યું છે કે, પ્રતાપ દૂધાતના કાકાનું અવસાન થયું હોવાથી તેઓ શિબિરમાં હાજર રહી શક્યા નથી. કે.સી.વેણુગોપાલે કોઈપણ પ્રમુખના નામજોગ ટિપ્પણી કરી નથી. જ્યારે અગાઉની શિબિરમાં ગેરહાજરી મુદ્દે પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જે તે સમયે તેમના કાકા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પ્રતાપ દૂધાતે ઈ-મેઈલ કરીને જાણ કરી હતી કે, તેઓ શિબિરમાં હાજર નહીં રહી શકે. પરંતુ, વેણુગોપાલના નિવેદનથી ગુજરાત કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે.
પરફોર્મન્સ બતાવવા રાષ્ટ્રીય અધ્યક્ષનું અલ્ટીમેટમ
આ પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ જિલ્લા પ્રમુખોના ક્લાસ લીધા હતા. જેમાં તેમણે નવનિયુક્ત પ્રમુખોને પરફોર્મન્સ બતાવવા અલ્ટીમેટમ આપ્યું હતું. નવ નિયુક્ત 9 પ્રમુખોની કામગીરી સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. હોદ્દા લઇને ઘરે બેસી રહેશો તે નહિ ચાલે તેવો મેસેજ આપ્યો હતો. સત્તા અને જીત મળે કે ન મળે પરંતુ સંગઠન મજબૂત બને તેવા પ્રયત્નો કરવા ટકોર કરી હતી. જ્યારે 9 જેટલાં પ્રમુખોની કામગીરીને તેમણે બિરદાવી હતી. દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા પ્રમુખોની કામગીરી બિરદાવી હતી. બીજા નંબરે 13 થી 14 જિલ્લા પ્રમુખોની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખોને 90 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. યોગ્ય કામગીરી નહિ બતાવે તો હોદ્દા પરથી દૂર કરવા સુધીની પાર્ટીની તૈયારી હોવાનું જણાવી દિલ્હીથી જિલ્લા પ્રમુખોની કામગીરીનું સીધુ મોનિટરીંગ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જૂનાગઢમાં 10 થી 19 સપ્ટેમ્બર દરમિયાન 10 દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયુ છે. જેમાં શુક્રવારે રાહુલ ગાંધી હાજરી આપશે. ગુજરાતમાં આ વર્ષે કોંગ્રેસની બીજી પ્રશિક્ષણ શિબિર છે. પહેલી પ્રશિક્ષણ શિબિર જુલાઈ મહિનામાં આણંદમાં રાખવામાં આવી હતી. રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કરી સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે વાતચીત કરી હતી.
વર્ષ 2027માં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને 'મિશન 2027' માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા પ્રશિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવીહ્યું છે. કોંગ્રેસે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા જિલ્લા કક્ષાએ સંગઠનને મજબૂત કરવા જિલ્લા કોંગ્રેસ સમિતિઓમાં નવા પ્રમુખોની નિમણૂક કરી છે. રાહુલ ગાંધી ગુજરાતમાં સત્તા મેળવવા માટે ગંભીરતાથી પ્રયાસો કરી રહ્યા છે. તેના ભાગરૂપે તાલીમ કેમ્પ યોજીને કોંગ્રેસના સંગઠનમાં પ્રાણ પૂરવાની કોશિશ થઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા