વંદે માતરમને રાષ્ટ્રગાન ન બનાવવાનું કારણ શું?: PM
PM એ નેહરુ પર મુસ્લિમ લીગના વિરોધને કારણે આ ગીતને રાષ્ટ્રગાન ન બનાવવાનો આરોપ લગાવ્યો

PM મોદી

PM મોદી
દેશભક્તિના અમર ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંસદમાં એક વિશેષ અને ઐતિહાસિક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું, જે લાંબા સમય સુધી યાદ રહેશે. લોકસભામાં આ ગીત પર 10 કલાક સુધી વિશેષ ચર્ચા યોજાઈ, જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી. વંદે માતરમની 150મી વર્ષગાંઠના અવસરે બોલતા PM મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર મહમદ અલી જિન્નાહની મુસ્લિમ લીગ સામે ઝૂકી જવાનો આરોપ લગાવ્યો.
વડાપ્રધાન મોદીએ કર્યો સીધો સવાલ
લોકસભામાં વડાપ્રધાન મોદીએ સીધો સવાલ કર્યો, "જે વંદે માતરમ 1905માં મહાત્મા ગાંધીને રાષ્ટ્રગાન તરીકે દેખાતું હતું. વંદે માતરમ એટલું મહાન હતું, તેની ભાવના એટલી મહાન હતી તો પછી ગત સદીમાં તેની સાથે આટલો મોટો અન્યાય કેમ થયો? વંદે માતરમ સાથે વિશ્વાસઘાત કેમ થયો? એ કઈ તાકાત હતી જેની ઈચ્છા પૂજ્ય બાપુની ભાવના પર ભારે પડી ગઈ, જેણે વંદે માતરમ જેવી પવિત્ર ભાવનાને વિવાદોમાં ઘસડી દીધી."
ધાર્મિક આધાર પર વિભાજીત કરવાનો પ્રયાસ
તેમણે આક્ષેપ કર્યો કે, મુસ્લિમ લીગના નિવેદનોનો જવાબ આપવાને બદલે નેહરુજીએ સુભાષ બાબુને પત્ર લખ્યો અને કહ્યું કે 'મેં વંદે માતરમની પૃષ્ઠભૂમિ વાંચી છે અને મને લાગે છે કે તે મુસ્લિમોને ભડકાવી શકે છે.' આ પહેલા પણ વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર મોટો રાજકીય હુમલો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે વંદે માતરમની કેટલીક પંક્તિઓને જાણી જોઈને હટાવી દીધી અને તેના દ્વારા દેશને ધાર્મિક આધાર પર વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચો: વંદે માતરમના 150 વર્ષ પર સંસદમાં વિશેષ ચર્ચા
આરોપ-પ્રત્યારોપ પણ વધુ તેજ થયા
સંસદમાં આ મુદ્દે ચર્ચા થતાની સાથે જ આરોપ-પ્રત્યારોપ પણ વધુ તેજ થઈ ગયા છે. એક તરફ ભાજપ તેને ઐતિહાસિક સત્ય સામે લાવવાનો પ્રયાસ ગણાવી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે, સરકાર આઝાદીના આંદોલન અને તેના નાયકોને રાજકીય વિવાદમાં ઘસેડી રહી છે. આવા સંજોગોમાં એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે, સ્વયં જવાહરલાલ નેહરુ એ વંદે માતરમને રાષ્ટ્રીય ગાન ન બનાવવા પાછળ શું તર્ક આપ્યા હતા. આ તમામ દલીલો તેમના પત્રો, નિવેદનો અને સરકારી દસ્તાવેજોમાં આજે પણ સુરક્ષિત છે, જે નેહરુ આર્કાઈવમાં ઉપલબ્ધ છે.
રાષ્ટ્રીય ગાનનું સંગીત અત્યંત મહત્વપૂર્ણ
21 મે 1948ના રોજ જવાહરલાલ નેહરુ એ એક કેબિનેટ નોટમાં વિગતવાર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, રાષ્ટ્રીય ગાન માત્ર શબ્દોનો સમૂહ નથી, પરંતુ તે મુખ્યત્વે એક ધૂન અથવા એક સંગીત રચના છે, જેને વારંવાર ઓર્કેસ્ટ્રા અને બેન્ડ દ્વારા વગાડવામાં આવે છે અને બહુ ઓછા પ્રસંગોએ ગાવામાં આવે છે. તેથી રાષ્ટ્રીય ગાનનું સંગીત અત્યંત મહત્વપૂર્ણ હોય છે. તેમાં જીવન પણ હોવું જોઈએ અને ગરિમા પણ, અને તે એટલું સક્ષમ હોવું જોઈએ કે મોટા અને નાના તમામ પ્રકારના ઓર્કેસ્ટ્રા અને સૈન્ય બેન્ડ તેને અસરકારક રીતે વગાડી શકે. નેહરુ એ એ પણ લખ્યું કે, રાષ્ટ્રીય ગાન માત્ર ભારતમાં જ નહિ પણ વિદેશોમાં પણ વગાડવાનું હોય છે, તેથી તેની ધૂન એવી હોવી જોઈએ જેને ત્યાં પણ સ્વીકારવામાં આવે.
વંદે માતરમની સુંદરતા અને ઐતિહાસિક મહત્વ
નેહરુના મતે 'જન ગણ મન' આ તમામ માપદંડો પર ખરું ઉતરે છે, જ્યારે વંદે માતરમ, તેની તમામ સુંદરતા અને ઐતિહાસિક મહત્વ હોવા છતાં, ઓર્કેસ્ટ્રા કે બેન્ડમાં વગાડવાના દૃષ્ટિકોણથી સરળ નથી. તેમણે લખ્યું કે, તેની ધૂન કંઈક અંશે કરુણામય, ઉદાસ અને પુનરાવર્તિત છે. વિદેશી શ્રોતાઓ માટે તેને એક સંગીત રચના તરીકે સમજવું અને તેની પ્રશંસા કરવી મુશ્કેલ બની શકે છે. નેહરુનું માનવું હતું કે, 'જન ગણ મન'માં જે વિશિષ્ટ અને ઓળખી શકાય તેવી સંગીતાત્મક વિશેષતાઓ છે, તે વંદે માતરમમાં તે સ્વરૂપમાં હાજર નથી. તેમણે એ પણ કહ્યું કે, વંદે માતરમ આપણા સ્વતંત્રતા સંઘર્ષના એ તબક્કાને ખૂબ જ સાચા અર્થમાં દર્શાવે છે જેમાં ઝંખના, પીડા અને પ્રતીક્ષા હતી, પરંતુ તેમાં ભવિષ્યની સિદ્ધિ અને પૂર્ણતાનો ભાવ એટલો પ્રબળ નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!