વાવમાં કોનો રહેશે વટ? કોંગ્રેસનું ગુલાબ ખિલશે કે પછી ભાજપના સ્વરૂપજી મેદાન મારશે?
10 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે મતદારો

10 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે મતદારો

10 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે મતદારો
ગાંધીનગર: બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીની આજે મત ગણતરી હાથ ધરાશે. પાલનપુરના જગાણા નજીક આવેલી એન્જીનિયરિંગ કોલેજ ખાતે શનિવારે સવારથી મત ગણતરી શરૂ થશે. ત્યારે વાવ બેઠક ઉપર પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન..તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે. વાવ બેઠકના ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસના ગુલાબસિહ રાજપૂત, ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે હરીફાઈ છે. લોકસભામાં ગેનીબેન ઠાકોરની જીત પછી વાવ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે વટનો સવાલ બની ગઈ હોવાથી પરિણામ જાણવા સૌ કોઈ લોકો ઉત્સુક બન્યા છે.
200 અધિકારી-કર્મચારી મત ગણતરીમાં જોડાશે
વાવ વિધાનસભા બેઠકમાં 321 મતદાન મથકો છે. એક રાઉન્ડમાં 14 મતદાન કેન્દ્રો પ્રમાણે મત ગણતરીના 23 રાઉન્ડ થશે. સવારે 8 વાગ્યાથી ગણતરી શરૂ કરી સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. ત્યારબાદ ઇવીએમ મત ગણતરી કરાશે. વાવના માવસરી મતદાન કેન્દ્રથી મત ગણતરી શરૂ કરાશે. વાવ, સુઈગામ અને ભાભર પ્રમાણે મત ગણતરી હાથ ધરાશે. વહીવટીતંત્રએ મત ગણતરીને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. મત ગણતરીમાં 200 અધિકારી, કર્મચારી જોડાશે. જ્યારે 3 એસપી, 5 ડીવાયએસપી, 10 પીઆઈ-પીએસઆઈ અને 200 પોલીસ કર્મચારીનો બંદોબસ્ત રહેશે. મત ગણતરીના કારણે એસબીપુરાથી જગાણા સુધીનો હાઈવે એક દિવસ માટે બંધ રહેશે.
10 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો
વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ, ભારતીય જન પરિષદ અને 7 અપક્ષ ઉમેદવારોના ભાવિનો ફેંસલો મતદારો કરશે.
શંકર ચૌધરી માટે પ્રતિષ્ઠા અને ગેનીબેન માટે આબરૂનો સવાલ
વર્ષ 2017 અને 2022 માં વાવ વિધાનસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોર ચૂંટાયા હતા. પેટા ચૂંટણીમાં ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું ઓછું મતદાન થયુ હોવાથી અનુસૂચિત જાતિ, રબારી, બ્રાહ્મણ અને રાજપૂત મતદારો નિર્ણાયક સાબિત થશે. વાવ બેઠક વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી માટે પ્રતિષ્ઠા અને ગેનીબેન માટે આબરૂનો સવાલ બની ગઈ છે.
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર
બનાસકાંઠાના વરિષ્ઠ પત્રકાર મુકેશ ઠાકોરે જણાવ્યુ કે, વાવ બેઠકમાં ભાભર, વાવ અને સૂઈગામ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. ઠાકોર સમાજના 80 હજાર, ચૌધરી 49 હજાર, અનુસૂચિત જાતિ 42 હજાર, રબારી 25 હજાર, બ્રાહ્મણ 18 હજાર, રાજપૂત 18 હજાર મતદારો છે. ઠાકોર સમાજના 70 ટકા મત ભાજપના સ્વરૂપજી ઠાકોરને મળવાની સંભાવના છે. પરંતુ મારવાડી ચૌધરી સમાજના મત અપક્ષ માવજી પટેલને મળવાથી ભાજપને નુકસાન થવાની શક્યતા છે. બીજી તરફ ગેનીબેન ઠાકોરના કારણે ઠાકોર સમાજના 30 ટકા અને ઈતર સમાજના મત ગુલાબસિંહને મળવાની શક્યતા છે. આ ઉપરાંત ચૌધરી સમાજના પાંચ આગેવાનોને ભાજપે સસ્પેન્ડ કર્યા હોવાથી સમાજમાં તેનો છૂપો રોષ જોવા મળી રહ્યો છે. ચૌધરી સમાજનો રોષ, માવજી પટેલનું ભાજપને નુકસાન, ગેનીબેનની લોકપ્રિયતા અને જાતિવાદ જેવા સમીકરણોના કારણે વાવનું પરિણામ અણધાર્યુ આવે તો નવાઈ નહી.
લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભામાં ભાજપને લીડ મળી હતી
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા હતા. ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય હોવા છતાં ભાજપના રેખાબેન ચૌધરીને વાવ વિધાનસભામાં 1,661 મતની સરસાઈ મળી હતી. વાવ બેઠક પર ગેનીબેનને 1,01,311 અને રેખાબેન ચૌધરીને 1,02,972 મત મળ્યા હતા. છેલ્લી 3 ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2022માં ગેનીબેન ઠાકોર ભાજપના સ્વરૂપજી ઠાકોર સામે 15,601 મતથી વિજેતા બન્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર ભાજપના શંકર ચૌધરી સામે 6,655 મતથી વિજયી થયા હતા. જ્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે ભાજપના શંકર ચૌધરી 11,911 મતથી વિજેતા બન્યા હતા. વાવ બેઠકના 37 વર્ષના ઈતિહાસમાં ત્રણ વખત કોંગ્રેસ, એક વખત જનતા દળ અને બે વખત ભાજપે જીત મેળવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?