મયંક નાયકની પોસ્ટ મૂકે એ મારો દુશ્મનઃ પિન્ટુ પટેલ
જિ.પં.ના પૂર્વ પ્રમુખના પતિ પિન્ટુ પટેલે રાજ્યસભા સાંસદ મયંક નાયક વિશે અપશબ્દો કહ્યાં

AI જનરેટેડ

AI જનરેટેડ
“મયંક નાયકની પોસ્ટ મૂકે એ મારો દુશ્મન, મયંક નાયક મારા માટે ઝીરો છે, રાજકારણ છોડીશ પણ મયંક નાયકને પગે નહી પડું, જગદીશ વિશ્વકર્મા સાથે ફોટો પડાવવો હોય તો પાંચ લાખ રૂપિયા ખર્ચવા પડે” જેવા શબ્દો મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલે ઉચ્ચાર્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલ આવું બોલી રહ્યા છે. નીતિનભાઈ પટેલ અને સાંસદ મયંક નાયક વિશેની ઓડિયો ક્લિપ વાયરલ થતાં આંતરિક જૂથવાદ હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે. પિન્ટુ પટેલ ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી રજની પટેલના સમર્થક ગણાય છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશે અપમાનજનક શબ્દો બોલતી ઓડિયો ક્લિપનો વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલ રાજ્યસભાના સાંસદ મયંક નાયક વિશે અપમાનજનક શબ્દો બોલી રહ્યા છે. સોશિયલ મીડિયામાં મયંક નાયકની મૂકેલી પોસ્ટ બાબતે પિન્ટુ પટેલે મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામના ભાજપના કાર્યકરને ફોન કરીને ખખડાવ્યો હતો.
ઓડિયો ક્લિપમાં પિન્ટુ પટેલ શું બોલ્યા?
પિન્ટુ પટેલે મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામના ભાજપના કાર્યકર મૌલિક પટેલને કોલ કરીને ખખડાવ્યા હતા. આ ઓડિયો ક્લિપમાં તેઓ મોટીદાઉ ગામના અન્ય એક કાર્યકરને કોન્ફરન્સમાં જોડીને કહી રહ્યા છે કે, મયંક નાયક મારા માટે ઝીરો છે. મયંક નાયકની પોસ્ટ મૂકે એ મારો દુશ્મન, હવેથી તું પણ મારો દુશ્મન, અત્યાર સુધી મારા 17 દુશ્મનો હતા. તું હવેથી મારો અઢારમો દુશ્મન, 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખી દઉ કે મોટીદાઉ ગામમાં હવે તું શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ બનીને બતાવ. તું શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ બને તો મારુ રાજકારણ છોડી દઉં. રાજકારણ છોડીશ પણ મયંક નાયકને પગે નહી પડું, જગદીશ વિશ્વકર્મા સાથે ફોટો પડાવવો હોય તો પાંચ લાખ રૂપિયા ખર્ચવા પડે. આ ઓડિયો ક્લિપમાં પિન્ટુ પટેલ મયંક નાયક ઉપરાંત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ માટે પણ અપમાનજનક શબ્દો બોલી રહ્યા છે.
મહેસાણા જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર
ભાજપના એક કાર્યકરે નામ નહી લખવાની શરતે જણાવ્યું કે, મહેસાણા જિલ્લા ભાજપમાં હાલ જેટલા નેતા એટલા જૂથ ચાલી રહ્યા છે. રાજ્યસભા સાંસદ મયંક નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ હરી પટેલ, ધારાસભ્ય મુકેશ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી રજની પટેલના જૂથ ચાલી રહ્યાં છે. સરકારી તેમજ પક્ષના કાર્યક્રમોમાં તેની અસર સ્પષ્ટ રીતે દેખાતી હોય છે.
પૂર્વ DyCM નીતિન પટેલ વિશેની ઓડિયો ક્લિપ વાયરલ
મહેસાણા જિલ્લા ભાજપમાં બે દિવસથી ભડકો થયો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિશે અપમાનજનક શબ્દો બોલતી વીડિયો ક્લિપ વાયરલ થતાં મામલો ટોક ઓફ ધી ડિસ્ટ્રીક્ટ બન્યો છે. આ ઓડિયો ક્લિપમાં મહેસાણા નગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર ચંદ્રકાન્ત પટેલ નીતિનભાઈ વિશે અપશબ્દો બોલી રહ્યા છે. અંદાજે 7 મિનિટની આ ઓડિયો ક્લિપમાં ચંદ્રકાન્ત પટેલ નીતિનભાઈ માટે 25 વખત અપમાનજનક શબ્દો બોલી રહ્યા છે.
નીતિનભાઈને ઓડિયો ક્લિપ મળતાં તેમણે પ્રદેશ મહામંત્રી, જિલ્લા સંગઠન પ્રભારી અને જિલ્લા ભાજપ પ્રમુખને મોકલી કોર્પોરેટર ચંદ્રકાન્ત પટેલ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. નીતિનભાઈ પટેલે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ પ્રદેશના નેતાઓને રજૂઆત કરી હતી. રજૂઆત કર્યાને 10 દિવસ થવા છતાં હજુ સુધી કોર્પોરેટર સામે કાર્યવાહી કરવામાં આવી નથી. નીતિનભાઈ વિશેની ઓડિયો ક્લિપના કારણે મહેસાણા જિલ્લા ભાજપમાં ઉકળતો ચરૂ બહાર આવ્યો છે. હવે કોર્પોરેટર સામે પ્રદેશ કે જિલ્લા ભાજપ શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે.
મેં નીતિનભાઈને પતાવી દીધાઃ ચંદ્રકાન્ત પટેલ
મહેસાણા મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર-8માંથી ચૂંટાયેલા કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયોમાં તેઓ ભાજપના એક નેતા સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે વાત કરી રહ્યાં છે. સામેવાળા નેતાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નામ લેતાં ચંદ્રકાંત પટેલે ‘મેં નીતિનભાઈ પટેલને પતાવી દીધા’ એવી બડાશ હાંકે છે. ઓડિયો ક્લિપમાં ચંદ્રકાંત પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ માટે 25 વખત અપમાનજનક શબ્દો બોલ્યા હતા. નીતિનભાઈ પટેલે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઓડિયો ક્લિપનો મુદ્દો મૂકતાં હવે મામલો પ્રદેશ ભાજપમાં પહોંચ્યો છે. જેના કારણે મહેસાણા જિલ્લા ભાજપનો આંતરિક જૂથવાદ છતો થયો છે.
ચંદ્રકાન્ત પટેલ સામે કાર્યવાહી કરાશેઃ જિલ્લા ભાજપ પ્રમુખ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિશે ભાજપના કોર્પોરેટર ચંદ્રકાન્ત પટેલે ઓડિયો ક્લિપમાં ઉચ્ચારેલી અપમાનજનક ભાષા મામલે જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર મીડિયા સામે આવ્યા હતા. તેમણે જણાવ્યુ કે, નીતિનભાઈ પટેલે ચંદ્રકાન્ત પટેલની વિવાદિત ઓડિયો ક્લિપ આપી છે. તેના આધારે હવે તેમને ભાજપનો કોઈપણ હોદ્દો મળશે નહી. આ ઉપરાંત પ્રદેશ ભાજપની સૂચનાના આધારે ચંદ્રકાન્ત પટેલ સામે કાર્યવાહી કરવામાં આવશે. ભાજપની અન્ય ઓડિયો ક્લિપ અંગે મને જાણ નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભાજપમાં જિલ્લા પ્રમુખોથી લઈને IT, મીડિયા અને સોશિયલ મીડિયા સુધી નવી જવાબદારીઓ...બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ.

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.