બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં
BJPના હરી ચૌધરી, અણદા પટેલ, બાબુ ચૌધરી, કેસર ચૌધરીએ ચૂંટણી જંગમાં ઝુકાવતાં ગરમાવો
ડેરીના નિયામક મંડળની 2 બેઠકો બિનહરીફ, 14 બેઠકો માટે 30 સપ્ટેમ્બરે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે
ડેરીના નિયામક મંડળની 2 બેઠકો બિનહરીફ, 14 બેઠકો માટે 30 સપ્ટેમ્બરે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી અંતર્ગત આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ (22 સપ્ટેમ્બર) છે. બનાસકાંઠાની 14 અને પાટણની 2 બેઠકો મળી કુલ 16 ડિરેક્ટર માટે ચૂંટણી જાહેર થઈ છે. જેમાં 6 બેઠકો બિનહરીફ જાહેર થતાં બાકીની 10 બેઠકોની ચૂંટણીનું ચિત્ર 30 સપ્ટેમ્બરે સ્પષ્ટ થશે. ચૂંટણી યોજાવાની થાય તો 10 ઓક્ટોબરે મતદાન થશે. કેટલીક બેઠકો ઉપર ભાજપના દિગ્ગજ નેતાઓએ ફોર્મ ભરતાં ડેરીની ચૂંટણી રસપ્રદ બને તેવી શક્યતા છે.
બનાસ ડેરીની ચૂંટણી અંતર્ગત ફોર્મ ભરવાના છેલ્લા દિવસે (22 સપ્ટેમ્બર) ભાજપના દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવી હતી. 16 સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. કાંકરેજ બેઠક પરથી અણદા પટેલે અને પાલનપુર બેઠક પરથી હરી ચૌધરીએ બે દિવસ ઉમેદવારી નોંધાવી હતી. 22 સપ્ટેમ્બરે બાકીની બેઠકો ઉપર ભાજપના કેટલાક નેતાઓએ ભાજપના નેતાઓ સામે ઉમેદવારી નોંધાવી હતી. 29 સપ્ટેમ્બર ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી 30 સપ્ટેમ્બરે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.
ભાજપ સામે ભાજપનો જંગ
પાલનપુર બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરી સામે ડિરેકટર ભરત ચૌધરીએ ફોર્મ ભર્યુ છે. પૂર્વ સાંસદ પરબત પટેલે થરાદ બેઠક પરથી ઉમેદવારી કરી છે. ધાનેરા બેઠક પર પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે ઉમેદવારી કરી છે.
દાંતીવાડા બેઠક માટે ડિરેકટર પી.જે. ચૌધરી સામે ભાજપના વિનોદ ભૂતડીયાએ ઉમેદવારી નોંધાવી છે. કાંકરેજ બેઠક માટે ભાજપના અણદા પટેલ સામે બનાસકાંઠા જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી બાબુ ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વડગામ બેઠક માટે ડિરેકટર દિનેશ ભટોળ સામે વડગામ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને બનાસ બેંકના ડિરેકટર કે.પી. ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે.
ડેરીની 6 બેઠક બિનહરીફ
ડેરીની 16 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ હતી. તેમાંથી 6 બેઠક ઉપર એક જ ફોર્મ ભરાતા બિનહરીફ જાહેર થઈ છે. રાધનપુર બેઠક પર ચેરમેન શંકર ચૌધરી, થરાદ બેઠક ઉપર પૂર્વ સાંસદ પરબત પટેલ, અમીરગઢ બેઠક ઉપર વાઈસ ચેરમેન ભાવાભાઇ રબારી, સૂઈગામ બેઠક ઉપર મૂળજીભાઈ પટેલ, ડીસા બેઠક ઉપર કમળાબેન આલ અને ભાભર બેઠક ઉપર અંબાબેન ચૌધરી બિનહરીફ જાહેર થયા છે.
ચાર બેઠકો ઉપર ચૂંટણી જંગ જામે તેવી શક્યતા
પાલનપુર બેઠક માટે ભાજપના હરી ચૌધરી સામે ભાજપના ભરત ચૌધરીએ, દાંતીવાડા બેઠક માટે ભાજપના પી.જે. ચૌધરી સામે ભાજપના વિનોદ ભૂતડીયાએ, કાંકરેજ બેઠક માટે ભાજુના અણદા પટેલ સામે ભાજપના બાબુ ચૌધરીએ, વડગામ બેઠક માટે દિનેશ ભટોળ સામે કે.પી. ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે.
શંકર ચૌધરી અમિત શાહને મળ્યાં
તમામ રાજકીય ગતિવિધિ વચ્ચે શંકર ચૌધરી અમિત શાહને સુરત મળવા પહોંચ્યા હતા. સુરત સર્કિટ હાઉસ ખાતે શંકર ચૌધરીએ અમિત શાહ સાથે મીટીંગ કરી હતી. તેઓ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ મળ્યા હતા. બનાસ ડેરીની ચૂંટણી સંદર્ભે અમિત શાહ અને સી.આર.પાટીલ સાથે ચર્ચા થઈ હોવાની ચર્ચા છે.
હરીફ ઉમેદવારોની યાદી 30 સપ્ટેમ્બરે જાહેર થશે
ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત 16 સપ્ટેમ્બરથી થઈ હતી. 22 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાયા બાદ ઉમેદવારી પત્રોની ચકાસણી 23 સપ્ટેમ્બરે થશે. જ્યારે માન્ય ઉમેદવારી પત્રોની યાદી 24 સપ્ટેમ્બરે જાહેર થશે. ઉમેદવારીપત્ર 29 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યા સુધી પરત ખેંચી શકાશે. હરીફ ઉમેદવારની યાદી અને પ્રતિક ફાળવણી 30 સપ્ટેમ્બરે બપોરે 3 કલાકે જાહેર કરાશે. ચૂંટણી બિનહરીફ ન થાય તો 10 ઓક્ટોબરના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે 11 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગે મત ગણતરી કરવામાં આવશે.
નિયામક મંડળની 16 બેઠકો માટે ચૂંટણી
બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, ધાનેરા, થરાદ, વાવ, ભાભર, દિયોદર, કાંકરેજ, સૂઈગામ અને લાખણી મળી 14 તેમજ પાટણ જિલ્લાની રાધનપુર અને સાંતલપુર એમ બે બેઠકો માટે મળી 16 બેઠકોનો સમાવેશ થાય છે ચૂંટણીમાં 1294 મતદારો મતદાન કરશે.
ધાનેરા અને દાંતીવાડામાં વિરોધના સૂર
બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ સામે પડકાર ઊભો થયો છે. ધાનેરામાં અજાણ્યા લોકોએ તેમના વિરુદ્ધમાં બેનર લગાવ્યા છે. દાંતીવાડામાં પણ ડેરીના ડિરેક્ટર અને બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી સામે વિરોધના સૂર ઊઠ્યા છે.
શંકર ચૌધરી છેલ્લા 9 વર્ષથી ચેરમેન
બનાસ ડેરીની સ્થાપના સ્વ.ગલબાભાઈ પટેલે કરી હતી. તેઓ સ્થાપક ચેરમેન બન્યા હતા. ત્યારબાદ દલુભાઈ દેસાઈ ચેરમેન બન્યા હતા. ત્યારબાદ પરથીભાઈ ભટોળ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. જ્યારે છેલ્લાં 9 વર્ષથી શંકર ચૌધરી 9 વર્ષથી ચેરમેન છે. બનાસ ડેરીમાં ચેરમેન સહિત 16 ડિરેકટરો છે. ડેરી સાથે 3 લાખ 76 હજાર સભાસદો જોડાયેલા છે. ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 15 હજાર કરોડથી વધારે છે. ડેરીમાં દૈનિક 80 લાખ લીટર દૂધ આવે છે. જ્યારે દૈનિક 35 કરોડ રૂપિયા પશુપાલકોને ચુકવાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા