સમાજવાદી પાર્ટી (SP)એ સોમવારે (23 જૂન) ત્રણ ધારાસભ્યોને પક્ષ વિરોધી પ્રવૃતિનો હવાલો આપીને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્યોમાં ગોસાઈગંજથી અભય સિંહ, ગૌરીગંજથી રાકેશ પ્રતાપ સિંહ અને ઊંચહારથી મનોજ કુમાર પાંડેનો સમાવેશ થાય છે.
X પરની પોસ્ટમાં સમાજવાદી પાર્ટીએ કહ્યું, ધારાસભ્યોને તેમની સાંપ્રદાયિક વિભાજનકારી નકારાત્મકતા અને ખેડૂત વિરોધી, મહિલા વિરોધી, યુવા વિરોધી, વ્યવસાય વિરોધી, કાર્યકારી વ્યાવસાયિકો વિરોધી અને 'PDA વિરોધી' વિચારધારાને સમર્થન આપવાને કારણે હાંકી કાઢવામાં આવ્યા છે. જનતાના હિતમાં સપાએ ધારાસભ્યોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે.
સમાજવાદી પાર્ટીએ દ્રઢતાથી કહ્યું કે પાર્ટી તેમની મૂળ વિચારધારા અને સિદ્ધાંતોની વિરુદ્ધ જતા કોઈપણ કાર્યને સહન કરશે નહીં. અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ સભ્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્યોને સુધારા માટે પૂરતી તક આપવામાં આવી હતી. આ વ્યક્તિઓને હૃદય પરિવર્તન માટે આપવામાં આવેલ ગ્રેસ પીરિયડ હવે સમાપ્ત થઈ ગયો છે. ભવિષ્યમાં પણ, પક્ષમાં જનવિરોધી તત્વો માટે કોઈ સ્થાન રહેશે નહીં.
આ ધારાસભ્યોએ ગયા વર્ષે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પક્ષની સત્તાવાર લાઇન વિરુદ્ધ જઈને ક્રોસ-વોટિંગ કર્યું હતું. તે ઘટના પછી, ત્રણેય ધારાસભ્યોએ પક્ષ સંબંધિત તમામ પ્રવૃત્તિઓથી પોતાને દૂર રાખ્યા હતા, ન તો તેઓ સપાના કોઈપણ કાર્યક્રમોમાં હાજરી આપતા હતા કે ન તો પાર્ટી કાર્યાલયની મુલાકાત લેતા હતા. અનુશાસનહીનતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો હવાલો આપતા, સપાએ આજે તેમને હાંકી કાઢવાનું નિર્ણાયક પગલું ભર્યું.