ટીએમસી હવે પતનના આરે?
મમતા બેનરજીના સૌથી ખાસ નેતાએ જ ફાડી નાખ્યો બળવાનો ઝંડો!

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Sudip Bandyopadhyay Joins Rebels: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC) રાષ્ટ્રીય સ્તરે પણ પતનના આરે ઉભી હોય તેમ લાગી રહ્યું છે. લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સંસદીય પક્ષમાં મોટો ભંગાણ પડ્યો છે. પક્ષના 19 સાંસદોએ સત્તાવાર રીતે બળવો પોકારી દીધો છે અને લોકસભા સ્પીકર સમક્ષ અલગ જૂથ બનાવવાનો દાવો દાખલ કરવાની તૈયારી કરી લીધી છે. આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ વચ્ચે ટીએમસીના સૌથી વરિષ્ઠ સાંસદોમાંના એક એવા સુદીપ બંદોપાધ્યાય પણ હવે બળવાખોરોની છાવણીમાં જોડાઈ જતાં પક્ષના સુપ્રીમો મમતા બેનરજી માટે આંચકો બમણો થઈ ગયો છે.
બંગાળના રાજકારણમાં મોટા પલટાના સંકેત
શનિવારે કોલકાતા ઉત્તરના સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને બીરભૂમના બળવાખોર સાંસદ શતાબ્દી રોય દિલ્હી એરપોર્ટથી એક જ કારમાં સવાર થઈને સીધા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રીના ઘરે કલાકો સુધી બેઠક ચાલી હતી, જે બંગાળના રાજકારણમાં મોટા પલટાના સંકેત આપી રહી છે.
કેન્દ્રીય મંત્રીના નિવાસે બેઠકોનો દોર
છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં પડદા પાછળ મોટી રાજકીય પટકથા લખાઈ રહી છે. બળવાખોર તૃણમૂલ સાંસદોએ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને એક પછી એક અનેક બેઠકો યોજી છે. આ બળવાખોર જૂથનું મુખ્ય નેતૃત્વ બારાસતના સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર અને શતાબ્દી રોય કરી રહ્યા છે. શનિવારે સવારે સુદીપ બંદોપાધ્યાય અને શતાબ્દી રોય કોલકાતાથી એક જ ફ્લાઇટમાં દિલ્હી આવ્યા હતા અને ત્યાંથી સીધા ભાજપના નેતાના ઘરે પહોંચ્યા હોવાથી આ બળવો હવે સપાટી પર આવી ગયો છે. ગયા સોમવારે લોકસભામાં સંસદીય પક્ષ સ્પષ્ટપણે બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અને પક્ષના મોટાભાગના સાંસદો મમતા બેનરજીના નિયંત્રણમાંથી બહાર નીકળી ગયા છે. ધારાસભ્ય પક્ષ પરથી પકડ ગુમાવ્યા બાદ હવે સંસદમાં પણ મમતા બેનરજી એકલા પડતા દેખાઈ રહ્યા છે.
19 સાંસદોના હસ્તાક્ષર વાળો દસ્તાવેજ આવ્યો સામે; સોમવારે સ્પીકરને મળશે
બળવાખોર નેતા કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો છે કે તેમને આશરે 20 સાંસદોનું સમર્થન પ્રાપ્ત છે અને તેઓ કેન્દ્રમાં શાસક પક્ષ ભાજપની આગેવાની હેઠળના એનડીએ (NDA) ગઠબંધનને સમર્થન આપવા ઈચ્છે છે. શુક્રવારે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ સામે આવ્યો હતો, જેમાં ટીએમસીના 19 સાંસદોના હસ્તાક્ષર હતા. જોકે, તે સમયે સુદીપ બંદોપાધ્યાયની સહી તેમાં નહોતી, પરંતુ શનિવારે તેમની સક્રિયતાએ બધી શંકાઓ દૂર કરી દીધી છે. આગામી રવિવારે દિલ્હીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની હાજરીમાં આ તમામ બળવાખોર સાંસદોની એક હાઈપ્રોફાઈલ બેઠક યોજાવાની છે. ત્યારબાદ, સોમવારે આ આખું જૂથ લોકસભા સ્પીકરને મળીને સંસદમાં સત્તાવાર રીતે અલગ જૂથ તરીકે માન્યતા આપવાની માંગણી કરશે.
શિફ્ટ થશે પાવર સેન્ટર: શું સુદીપ બંદોપાધ્યાય બનશે બળવાખોરોના નેતા?
સૌગત રોય પછી સુદીપ બંદોપાધ્યાય લોકસભામાં ટીએમસીના સૌથી વરિષ્ઠ અને અનુભવી નેતા છે અને તેઓ લાંબા સમય સુધી ગૃહમાં પક્ષના નેતા પદે પણ રહી ચૂક્યા છે. જોકે, તાજેતરમાં જ અભિષેક બેનરજીના પક્ષમાં વધતા પ્રભાવને કારણે તેમને લોકસભાના નેતા પદ પરથી હટાવી દેવાયા હતા, જેનાથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, નારાજ સાંસદોએ પ્રસ્તાવ મૂક્યો છે કે જો સુદીપ સત્તાવાર રીતે આ બળવાખોર જૂથમાં સામેલ થશે, તો તેમને આ નવા સંસદીય જૂથના નેતા બનાવવામાં આવી શકે છે.
મમતા બેનરજી માટે બેવડો ફટકો
સુદીપ બંદોપાધ્યાયનું પક્ષ છોડવું એ મમતા બેનરજી માટે વ્યક્તિગત અને રાજકીય રીતે બહુ મોટો ફટકો છે. જ્યારે મમતાએ કોંગ્રેસથી અલગ થઈને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી, ત્યારે સુદીપ તેમની સાથેના પાયાના નેતાઓમાંના એક હતા. જોકે 2004માં વાજપેયી કેબિનેટમાં મંત્રીપદ મુદ્દે બંને વચ્ચે મતભેદો થતાં તેમણે ટીએમસી છોડી દીધી હતી, પણ બાદમાં તેઓ પાછા ફર્યા હતા. તાજેતરમાં જ જ્યારે ટીએમસી મુશ્કેલીમાં હતી ત્યારે સુદીપના પત્ની નયના બંદોપાધ્યાય મમતા બેનરજીના ધરણા પ્રદર્શનમાં મજબૂતીથી સાથે ઉભા રહ્યા હતા, જેના કારણે મમતાએ તેમને ગૃહમાં ઉપનેતા પદ પણ આપ્યું હતું. હવે જો સુદીપ બંદોપાધ્યાયની સાથે નયના પણ પક્ષને અલવિદા કહી દેશે, તો તે તૃણમૂલ કોંગ્રેસ માટે પરાજય બાદનો સૌથી મોટો બેવડો ફટકો સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?