ખેતી બેંકના ચેરમેનના વિવાદિત સુધારા આખરે રદ કરાયા!
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપસચિવે પેટા નિયમોમાં કરેલાં સુધારા રદ કર્યા
ચેરમેન ડોલર કોટેચાએ વ્યક્તિગત ફાયદા માટે ખેડૂતોને અંધારામાં રાખી સુધારા કર્યા હતા
ચેરમેન ડોલર કોટેચાએ વ્યક્તિગત ફાયદા માટે ખેડૂતોને અંધારામાં રાખી સુધારા કર્યા હતા
ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા દ્વારા ખોટી રીતે લાગુ કરાયેલા પેટા નિયમ સુધારાને રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝના હુકમ બાદ ઉપસચિવે રદ કરવાનો નિર્ણય કર્યો છે. ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ વ્યક્તિગત ફાયદા માટે ખોટી રીતે રજૂ કરેલા પેટાનિયમ સુધારાઓ ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડનારા હતા. આ સુધારાઓથી ખેડૂતોના પ્રતિનિધિત્વ ઉપર પ્રતિકૂળ અસર થવાની શક્યતા હતી. આ મુદ્દે ખેડૂત સભાસદ પ્રતિનિધિઓએ રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ સમક્ષ ફરિયાદ કરી હતી. રજિસ્ટ્રારે અમુક પેટાનિયમ નામંજૂર કર્યા હતા.
ખેતી બેન્કના ચૂંટણી લક્ષી તેમજ ખેડૂત સભાસદ અને સંસ્થાને દુરોગામી અસર કરતા સુધારાઓમાં અનિયમિતતા અને ખોટી પ્રક્રિયા હોવા છતાં રાજ્ય રજિસ્ટ્રારે સુધારાઓને મંજૂર કર્યા હતા. તેથી રમેશભાઈ નાથુભાઈ ચૌધરી અને ચતુરભાઈ પટેલ સહિતના ખેડૂત સભાસદ પ્રતિનિધિઓએ ઉપસચિવ સમક્ષ અપીલ દાખલ કરી હતી. ઉપસચિવે રજીસ્ટ્રારના પેટાનિયમ સુધારાઓને મંજૂર કરેલો હુકમ સંપૂર્ણપણે રદ કર્યા છે.
ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા મહેસાણા તાલુકાના રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આ નિર્ણયથી ખેડૂતોના અધિકારોનું રક્ષણ થયું છે, અને ખેતી બેંકની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે. ઉપસચિવના નિર્ણયને સહકારી ક્ષેત્રમાં ન્યાયની સ્થાપના તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ઘટનાએ ખેતી બેંકની કામગીરીમાં સુધારણા અને વધુ પારદર્શિતાની જરૂરિયાતને સ્પષ્ટ કરી છે. ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે સરકાર અને સહકારી વિભાગે હજુ પણ કડક પગલાં લેવાની જરૂર છે.
શું હતો ગેરકાયદે સભાસદનો મામલો?
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક)ની સામાન્ય સભામાં એજન્ડા છુપાવી કેટલાક પેટા નિયમોમાં સુધારા કરવામાં આવ્યા હતા. પાછલા બારણે થાપણદારને પણ સભાસદ બનાવવાનો પેટા નિયમોમાં સુધારો કરાયો હતો. ખેતીની જમીન ધારણ ન કરતો હોય તેમજ ખેતી બેંકમાં ધિરાણ ન લીધુ હોય તેવા બિન ખેડૂતને સભાસદ બનાવવાના ષડયંત્ર હેઠળ પેટા નિયમોમાં સુધારો કરાયો હતો. પેટા નિયમોમાં સુધારા મંજૂર કરવા માટે ડિસેમ્બર-2024માં ખાસ સાધારણ સભા પણ બોલાવાઈ હતી.
ખાસ સાધારણ સભામાં એજન્ડાની જાણ કર્યા વગર પેટા નિયમોમાં સુધારાને વંચાણે લીધા વગર માત્ર કાગળ ઉપર મંજૂર કરાવી રાજ્ય સહકારી રજિસ્ટ્રાર કચેરીમાં મંજૂરી માટે મોકલાયા હતા. જેની સામે ખેડૂતોએ વિરોધ કરતાં રાજ્ય રજિસ્ટ્રારે 5 મે 2025ના રોજ સુનાવણી રાખી હતી. સુનાવણી પહેલાં રાજ્ય સહકારી રજિસ્ટ્રાર એન.વી. ઉપાધ્યાયની બદલી થઈ હતી. સુનાવણી સમયે એન.વી. ઉપાધ્યાય હાજર નહી હોવાથી સંયુક્ત રજિસ્ટ્રાર શ્વેતાબેન પટેલે લેખિતમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.
5 મે 2025ના રોજ લેખિત જવાબ રજૂ કરી તમામ સુધારાઓ સામે વાંધા આપ્યા હતા. વાંધાઓને ધ્યાને લીધા વગર રજિસ્ટ્રારે બદલીનો હુકમ થઈ ગયો હોવા છતાં તેમજ વાંધા લેનારને સાંભળ્યા એકતરફી નિર્ણય કર્યો હતો. અધિકારીની બદલી થઈ હોવા છતાં જૂની તારીખમાં સહી કરી સંસ્થાને હાનિ પહોંચાડી હોવાથી રમેશભાઈ ચૌધરીએ સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માને રજૂઆત કરી તપાસની માંગ કરી હતી. કોઈ નિર્ણય નહી આવતાં રમેશભાઈ ચૌધરીએ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ સમક્ષ અપીલ કરી હતી. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ(અપીલ) આર.એચ.દાતણિયાએ રિવિઝન અરજી ગ્રાહ્ય રાખી રાજ્ય રજિસ્ટ્રારે 7 મે 2025ના રોજ કરેલા હુકમ સામે કામચલાઉ મનાઇ હુકમ આપ્યો હતો. હવે સહકાર વિભાગના નાયબ સચિવે ચેરમેન ડોલર કોટેચાએ પેટા નિયમોમાં કરાયેલા સુધારા રદ કરવાનો હુકમ કર્યો છે.
ચેરમેન ડોલર કોટેચાની મુદત પૂર્ણ
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક)ના ચેરમેન ડોલર કોટેચા GSC બેન્કના પ્રતિનિધિ તરીકે ખેતી બેંકના બોર્ડમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે આવ્યા હતા. GSC બેન્કમાં ડિરેક્ટર તરીકે ડોલર કોટેચાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે ખેતી બેંકના બોર્ડની મુદત વર્ષ 2026માં પૂર્ણ થાય છે. તેમ છતાં તેઓ ચેરમેનપદે ચાલુ રહ્યા છે. સહકારી કાયદાની કલમ 74(1-ક)ની પેટા કલમ-2માં સ્પષ્ટ જોગવાઈ છે કે, ફક્ત ચૂંટાયેલા સભ્યો જ નિયામક મંડળના હોદ્દેદાર બનવા હક્કદાર છે. તેમ છતાં GSC બેન્કના પ્રતિનિધિ તરીકે કો-ઓપ્ટ સભ્ય તરીકે ખેતી બેંકમાં આવેલા ડોલર કોટેચા પેરાશૂટ ચેરમેન બની ગયા છે.
ગાંધીનગર ખાતેની સાધારણ સભામાં હોબાળો થયો હતો
ગાંધીનગરના ટાઉનહોલમાં ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક)ની સામાન્ય સભા અને મુખ્યમંત્રી ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીનો ઋણ સ્વીકાર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા ગેરકાયદે સભાસદ બનવા મુદ્દે કેટલાક સભાસદોએ હોબાળો કર્યો હતો. ગેરકાયદે સભાસદ મામલે ખુલાસો માંગતા ચેરમેને જવાબ આપવાનું ટાળ્યું હતું. જેના કારણે હોબાળો થતાં સામાન્ય સભા આટોપી લેવામાં આવી હતી.
આ સમયે ખેતી બેંકના અમદાવાદ જિલ્લા પ્રતિનિધિ કાનભા ગોહિલે પણ મંચ ઉપરથી ખુલ્લો વિરોધ કર્યો હતો. જેના કારણે સામાન્ય સભામાં સોંપો પડી ગયો હતો. સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં મહેસાણા ખેતી બેંકના પ્રતિનિધિ રમેશભાઈ ચૌધરી અને સાબરકાંઠા ખેતી બેંકના પ્રતિનિધિ સજ્જનસિંહ ઝાલાની અટકાયત કરીને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. સામાન્ય સભા પૂર્ણ થયા બાદ બંને પ્રતિનિધિઓને મુક્ત કરવામાં આવ્યા હતા. ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ કરેલા ગેરકાયદે ઠરાવોનો બંને પ્રતિનિધિએ વિરોધ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા