રેતી, દારૂ અને હપ્તોઃ અમરેલી જિલ્લામાં ભાજપના નેતાઓ અને પોલીસ આમને સામને
જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દૂધાતના આક્ષેપો બાદ અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું

અમરેલી SP સંજય ખરાતે આપેલા ઉડાઉ જવાબ બાદ ભાજપના નેતાઓનો પોલીસ સામે મોરચો

અમરેલી SP સંજય ખરાતે આપેલા ઉડાઉ જવાબ બાદ ભાજપના નેતાઓનો પોલીસ સામે મોરચો
અમરેલીમાં લેટરકાંડ, પાટીદાર યુવતી વરઘોડા કાંડ બાદ હવે રેતી, દારૂ અને હપ્તા મુદ્દે રાજકારણ ગરમાયુ છે. રેતી અને દારૂની હેરાફેરી મુદ્દે રજૂઆત કરવા ગયેલા જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દૂધાતને અમરેલી એસપી સંજય ખરાતે ઉડાઉ જવાબ બાદ ભાજપના નેતાઓએ પોલીસ સામે મોરચો ખોલ્યો છે. દિલીપ સંઘાણી અને નારણ કાછડિયાએ વિપુલ દૂધાતના સમર્થનમાં નિવેદન કરી પોલીસને ઝાટકતાં ભાજપના નેતાઓ અને પોલીસ આમને સામને આવી ગઈ છે. વહેતી ગંગામાં કોંગ્રેસે પણ હાથ નાખવા ભાજપ અને પોલીસ સામે આક્ષેપો કરતાં મામલો ગાંધીનગર પહોંચે તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્રની રાજકીય લેબોરેટરી ગણાતો અમરેલી જિલ્લો હવે રાજકીય વિવાદનું એપી સેન્ટર બની ગયો છે. અમરેલી જિલ્લામાં ભાજપના નેતાઓનો જૂથવાદ હંમેશા ચર્ચાઓનો વિષય રહ્યો છે. વિપુલ દૂધાતના પોલીસ સાથેના વિવાદ બાદ ભાજપના નેતાઓએ વિપુલ દૂધાતના સમર્થનમાં પોલીસ સામે મોરચો માડ્યો છે.
ચાર દિવસ 4 દિવસ પહેલા અમરેલી એલસીબીએ લીલીયાના પૂજાપાદર નજીક ગેરકાયદે રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બીજા દિવસે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાતે દારૂની બોટલના ફોટાનો વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારબાદ અમરેલી એસપી સંજય ખરાત લીલીયા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેકશન માટે ગયા ત્યારે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાત સ્થાનિક આગેવાનો સાથે દારૂ રેતી મુદ્દે રજૂઆતો કરવા પહોંચી ગયા હતા. આ સમયે વિપુલ દુધાતે પોલીસ સ્ટેશન બહાર આવી વીડિયો બનાવી એસપીએ અશોભનીય વર્તન કરી દારૂ પીવાવાળાને બંધ કરાવો તે પ્રકારના ગંભીર આક્ષેપો કર્યા હતા.
એસપી સામે આક્ષેપો કર્યા બાદ ડીવાયએસપી ચિરાગ દેસાઈએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યુ કે, વિપુલ દુધાતે વાયરલ કરેલા વીડિયો મામલે એક શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. જ્યારે વિપુલ દુધાતે ગેરકાયદે રેતીના ટ્રેક્ટર છોડાવવા ભલામણ કરી હતી. પોલીસની કામગીરીમાં વિપુલ દૂધાત અડચણરૂપ થતા હોવાનો ગંભીર આક્ષેપ કર્ચો હતો.
ઘટનાના બીજા દિવસે વિપુલ દુધાતના વતન ક્રાકચમાં લીલીયા પોલીસની ટીમ પહોંચી હતી. એક પ્લોટમાં ગેરકાયદે રેતીનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો. જેના કારણે વિપુલ દુધાત સામે સવાલો ઉઠતાં શંકાના દાયરામાં આવી ગયા હતા. આ વિવાદ બાદ ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ એસપી સંજય ખરાત સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ભાજપના કાર્યકર્તાને દબાવવાનો પ્રયાસ કરી ભાજપનું કાર્યાલય કેવી રીતે ચાલે તેની તપાસ કરવાની વાત કરવા બદલ એસપીને ઝાટક્યા હતા.
દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, ભાજપના બે આંતરિક જૂથના સભ્ય બની પોલીસવડા વિપક્ષનો રોલ ભજવી અસલ ભાજપના કાર્યકરોને દબાવવા માટે સોપારી લીધી હોય એવું લાગી રહ્યું છે. ભાજપનું કાર્યાલય કઇ રીતે ચલાવો છો એની ઇન્કવાયરી તાલુકા ભાજપ પ્રમુખ પાસે કરવી એ મને લાગે છે કે પોલીસવડામાં વધુ પડતી હિંમત આવી છે. મમતાના રાજમા ભાજપ કાર્યાલયની તપાસ થાય એ સમજી શકાય. પરંતુ ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાની ફરજ બજાવવાના બદલે એસપી આવી વાત કરે એ કઇ રીતે ચાલે. હું જયારે અમરેલી જઈશ ત્યારે જૂના જનસંઘના કાર્યકરો અને નવા કાર્યકરોને એકઠાં કરીશ. ચૂંટાયેલા પ્રતિનિધિઓને એમાં જોડાવું હોય તો જોડાય અને ન જોડાવું હોય તો ન જોડાય. અમરેલી એસપીનો ઘેરાવ કરીશું અને સમગ્ર પ્રકરણ અંગે તપાસ કરી સરકારમાં રજૂઆત કરીશું. વિપુલ દૂધાતનાં માતા ક્રાંકચના સરપંચ છે. જ્યાં મધરાતે 2525-30 પોલીસ કર્મચારીના ધાડા ઉતારી ગામના વિકાસ માટે પડેલા રેતીના ઢગલા વિપુલ દૂધાતના હોવાનું જણાવવા લોકો પર દબાણ કરી જૂના કાર્યકરોને દબાવવામાં આવી રહ્યા છે.
વિપુલ દૂધાત અને દિલીપ સંઘાણીનો વિવાદ હજુ શમ્યો નથી તેવામાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ વિપુલ દુધાતના સમર્થનમાં આવી એસપી સંજય ખરાતને ચેલેન્જ ફેંકી દારૂ અને રેતીની હેરાફેરીમાં પોલીસની એજન્સીઓ એજન્ટ તરીકે કામ કરતી હોવાના ગંભીર આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. કાછડિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ચલાવવા માટે એસપીએ એવું કહ્યું હતું કે તમે ક્યાંથી ફંડ લાવો એની મારે તપાસ કરવી પડશે. SPને કહું છું કે પાર્ટી કાર્યાલય ભાજપનો કાર્યકર જાતે ચલાવે છે. તમારી જેમ દારૂ-રેતીના હપ્તા લઈ આરામ કરીને નહી. રેતી અને દારૂનો ધંધો પોલીસની એજન્સીઓ ચલાવે છે. તમે બૂટલેગર પાસેથી દારૂના હપ્તા લો છો. દારૂ પીનારને પણ પકડી તેની પાસેથી પૈસા લો છો. મેં આઇજી અને એસપીને રેતીના ફોટા મોકલ્યા છે. શેત્રુંજીના પુલ પાસે ડમ્પર ભરાય છે. એસપીને ઓછામાં ઓછા ત્રણ વખત ફોનથી માહિતી આપી છે છતાં આજે બંધ થયા નથી. કોણ આ ડમ્પર ચલાવે છે. પોલીસ લોક ભાગીદારીથી બધું કરે છે તેના જ એજન્ટ છે.
અમરેલી ભાજપના નેતાઓ અને પોલીસ વચ્ચેના વિવાદમાં કોંગ્રેસે ઝુકાવ્યુ છે. કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને વિપક્ષની ભૂમિકા નિભાવવા બદલ અભિનંદન આપીને અમરેલીમાં અગાઉ થયેલા લેટરકાંડ, કૌશિક વેકરિયા વિવાદ, મનીષ વઘાસિયા વિવાદ, પાયલ ગોટી વરઘોડા કાંડની યાદ અપાવી ભાજપના રાજમાં કંઈક ખોટું ચાલી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!