રાજ્યસભા સાંસદ રાજેશ શુક્લના એફિડેવિટ પર સવાલ, ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી; શું છે આખો મામલો?
રાજ્યસભા સાંસદ રાજેશ શુક્લના ચૂંટણી ફોર્મમાં એવું શું હતું કે મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો?

રાજેશ શુક્લ સામે ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી અરજી

રાજેશ શુક્લ સામે ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી અરજી
Gujarat High Court Issues Notice to BJP MP Rajesh Shukla: ભાજપના રાજ્યસભા સાંસદ રાજેશ શુક્લ સામે ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી અરજી દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસના વિધાનપક્ષના નેતા તુષાર ચૌધરી દ્વારા દાખલ કરાયેલી આ ચૂંટણી પિટિશનમાં રાજેશ શુક્લના રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરાયેલા એફિડેવિટને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યો છે. 1 ઓક્ટોબર 2026ની સુનાવણી દરમિયાન જસ્ટિસ એસ.વી. પિન્ટોએ રાજેશ શુક્લને નોટિસ ઈસ્યુ કરી છે.
રાજેશ શુક્લના ચૂંટણી એફિડેવિટ પર શું છે સવાલ?
કોંગ્રેસની ચૂંટણી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજેશ શુક્લે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલા એફિડેવિટમાં પોતાની સામે કોઈ ફોજદારી કેસ પેન્ડિંગ ન હોવાનું દર્શાવ્યું હતું. બીજી તરફ, પિટિશનકર્તા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 406, 420, 465, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધાયેલો હતો. અરજીમાં વધુમાં જણાવાયું છે કે સંબંધિત કેસમાં રાજેશ શુક્લને સમન્સ મળ્યા હતા. ફરિયાદ રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હોવાનો પણ પિટિશનમાં ઉલ્લેખ છે. પિટિશનકર્તાનો દાવો છે કે આ સ્થિતિ હોવા છતાં ઉમેદવારી એફિડેવિટમાં ફોજદારી કેસની વિગતો દર્શાવવામાં આવી નહોતી.
ચૂંટણી રદ કરવાની માંગ
આ મુદ્દાને આધારે કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી અરજી દાખલ કરીને રાજેશ શુક્લની ચૂંટણી રદ કરવાની માંગ કરવામાં આવી છે. પિટિશનમાં ઉમેદવારી ફોર્મ, એફિડેવિટ અને કથિત પેન્ડિંગ ફોજદારી કેસની માહિતી મુખ્ય મુદ્દો બનાવવામાં આવી છે. હાઈકોર્ટે હાલ માત્ર નોટિસ ઈસ્યુ કરી છે. હવે રાજેશ શુક્લ તરફથી કોર્ટમાં જવાબ રજૂ થયા બાદ આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરાશે.
શક્તિસિંહ ગોહિલે શું કહ્યું?
આ અંગે કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “ભાજપના રાજ્યસભા સાંસદ રાજેશ શુક્લ સામે IPCની કલમ 406 અને 420 સહિતની કલમો હેઠળ કેસ પેન્ડિંગ હોવાની માહિતી સામે આવી હતી. કાયદા મુજબ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ઉમેદવારે પોતાની સામે પેન્ડિંગ ફોજદારી કેસની વિગતો એફિડેવિટમાં જાહેર કરવાની હોય છે. કોંગ્રેસના વિધાનપક્ષના નેતા તુષાર ચૌધરીને આ અંગેની માહિતી મળ્યા બાદ આ મુદ્દે કાનૂની સલાહ લેવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી અરજી દાખલ કરવામાં આવી હતી. આ ચૂંટણી અરજી પર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી બાદ રાજેશ શુક્લને નોટિસ ઈસ્યુ કરી છે. આ ચૂંટણી કાયદા સાથે જોડાયેલો ટેકનિકલ અને મહત્વનો મુદ્દો છે. હવે આગળની કાનૂની પ્રક્રિયામાં આ મામલે અમારી તરફથી જરૂરી દલીલો અને રજૂઆતો કરવામાં આવશે. અમે આ મામલે કાયદાકીય રીતે આગળની લડત ચાલુ રાખીશું.”
હવે ગુજરાત હાઈકોર્ટમાં શું થશે?
નોટિસ બાદ રાજેશ શુક્લનો જવાબ કોર્ટ સમક્ષ રજૂ થશે. ત્યારબાદ પિટિશનકર્તા અને પ્રતિવાદી પક્ષની દલીલોના આધારે કેસમાં આગળની કાર્યવાહી થશે. હાલ રાજેશ શુક્લ સામેના આક્ષેપો પિટિશનમાં કરવામાં આવેલા દાવા છે અને આ મુદ્દે અંતિમ નિર્ણય ગુજરાત હાઈકોર્ટની આગળની ન્યાયિક પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની હેટ્રિક, પણ બેઠકો 41થી ઘટીને 38! કોંગ્રેસે વધારી તાકાત, જ્યારે AAPનું ખાતું પણ ન ખૂલ્યું!

રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! PM મોદીની કથિત ટિપ્પણી સાથે જોડાયેલા કેસમાં કાર્યવાહી પર રોક