રાહુલ ગાંધીએ રવનીત બિટ્ટુને કહ્યા 'ગદ્દાર યાર'
બજેટ સત્ર દરમિયાન રાહુલ ગાંધી અને રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી

રાહુલ ગાંધી અને રવનીત સિંહ બિટ્ટુ

રાહુલ ગાંધી અને રવનીત સિંહ બિટ્ટુ
સંસદના બજેટ સત્ર દરમિયાન આજે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જૂના મિત્રો અને હવે રાજકીય હરીફ એવા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. સંસદના મકર દ્વાર પર જ્યારે વિપક્ષી સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક રાહુલ ગાંધી અને બિટ્ટુ સામસામે આવી ગયા હતા. આ સમયે વાતાવરણ તંગ બની ગયું હતું અને બન્ને નેતાઓ વચ્ચે જાહેરમાં જ શબ્દ યુદ્ધ શરૂ થઈ ગયું હતું.
રાહુલ ગાંધીના આ આક્રમક વલણથી તમામ લોકો સ્તબ્ધ
વિરોધ પ્રદર્શન કરી રહેલા પોતાના સાંસદોનો ઉત્સાહ વધારતા સમયે રાહુલ ગાંધીએ સામે ઉભેલા રવનીત સિંહ બિટ્ટુ પર તીખો કટાક્ષ કર્યો હતો. રાહુલે જાહેરમાં તેમને 'ગદ્દાર દોસ્ત' (વિશ્વાસઘાતી મિત્ર) કહીને સંબોધ્યા હતા. રાહુલ ગાંધીના આ આક્રમક વલણથી ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. રાહુલ ગાંધીનો ઈશારો બિટ્ટુ દ્વારા તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવા તરફ હતો, કારણ કે બિટ્ટુ લાંબા સમય સુધી રાહુલની કોર ટીમનો હિસ્સો રહ્યા હતા.
રવનીત સિંહ બિટ્ટુ એ તાત્કાલિક વળતો પ્રહાર કર્યો
રાહુલ ગાંધીના આ પ્રહાર સામે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ એ પણ જરાય નમતું ન જોખ્યું અને તાત્કાલિક વળતો પ્રહાર કર્યો હતો. બિટ્ટુએ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતા કહ્યું કે, તેમને 'દેશના દુશ્મનો' સાથે કોઈ લેવાદેવા નથી. આ દરમિયાન એક વિચિત્ર સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે રાહુલે બિટ્ટુ તરફ હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો, પરંતુ રોષે ભરાયેલા બિટ્ટુએ તેમની સાથે હાથ મિલાવવાનો ઈનકાર કરી દીધો અને ત્યાંથી આગળ વધી ગયા હતા.
કોંગ્રેસના 7 અને CPIના 1 સાંસદને સસ્પેન્ડ કર્યા
ઉલ્લેખનીય છે કે, આ ટકરાવ એવા સમયે થયો છે જ્યારે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા ચાલી રહી છે. આ ઘટનાના થોડા કલાકો બાદ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાને સંબોધિત કરવાના છે. આ વિવાદનું મુખ્ય કારણ એ પણ છે કે, એક દિવસ પહેલા જ હંગામો કરવા બદલ કોંગ્રેસના 7 અને CPIના 1 સાંસદને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેનો વિપક્ષ વિરોધ કરી રહ્યો છે.
સતત 3 વખત સાંસદ તરીકે ચૂંટાયા
રવનીત સિંહ બિટ્ટુ વિશે વાત કરીએ તો, તેઓ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર છે અને પંજાબની રાજનીતિમાં મોટું કદ ધરાવે છે. તેઓ 2009થી 2019 સુધી સતત 3 વખત કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા અને લોકસભામાં કોંગ્રેસના વ્હીપ પણ રહી ચૂક્યા છે. જોકે, માર્ચ 2024માં લોકસભા ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. હાલમાં તેઓ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે અને મોદી સરકારમાં રેલ્વે રાજ્ય મંત્રી તેમજ ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્ય મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા

દિલ્હીની SIR પ્રક્રિયામાં અચાનક VVIPના નામો કેમ સામે આવ્યા?

જમુઈમાં નાબાલિગ વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે રસ્તા પર એવું શું બન્યું કે વીડિયો વાયરલ થતાં બિહારનું રાજકારણ ગરમાયું?