કોંગ્રેસમાં પાટીદાર નેતાઓએ બાંયો ચડાવી: પાટીદારને પ્રદેશ પ્રમુખ બનાવવા માંગ!
અમદાવાદના ખાનગી પાર્ટી પ્લોટમાં કરી બેઠક, પાટીદાર સમાજ કોંગ્રેસની આગેવાની લેવા સક્ષમ

પાટણમાં મહાસંમેલન યોજી પાટીદાર સમાજની રજૂઆત માટે રાહુલ ગાંધીને મળવાનો નિર્ણય કરાશે

પાટણમાં મહાસંમેલન યોજી પાટીદાર સમાજની રજૂઆત માટે રાહુલ ગાંધીને મળવાનો નિર્ણય કરાશે
કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. જેના કારણે પ્રમુખ પદ ખાલી પડ્યું છે. પ્રદેશ પ્રમુખ બનવા માટે કોંગ્રેસના નેતાઓએ હાઈકમાન્ડ સમક્ષ લોબીંગ શરૂ કર્યુ છે. તેવામાં અમદાવાદના ખાનગી પાર્ટી પ્લોટમાં કોંગ્રેસ સાથે સંકળાયેલા પાટીદાર નેતાઓ બેઠક કરી ગુજરાત કોંગ્રેસની કમાન પાટીદાર સમાજના નેતાને સોંપવા માંગ કરી છે. પાટીદાર સમાજના નેતાને નેતૃત્વ મળે તે માટે પાટણમાં મહાસંમેલન યોજીને રાહુલ ગાંધીને મળવાનો નિર્ણય કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદના ચંચલ પાર્ટી પ્લોટમાં ગુજરાત કોંગ્રેસના પાટીદારો નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કિરીટ પટેલ, લલિત વસોયા, ગીતા પટેલ, લલિત કગથરા, મનહર પટેલ, ડૉ. જીતુ પટેલ, પ્રતાપ દૂધાત સહિતના નેતાઓ જોડાયા હતા. કોંગ્રેસથી વિમુખ થયેલા પાટીદાર સમાજને પક્ષ સાથે જોડવા તેમજ સમાજને પ્રતિનિધિત્વ આપવાની ચર્ચા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહત્વની બાબત તો એ છે કે, શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું પદ ખાલી પડ્યું છે. આ પદની કમાન પાટીદાર સમાજના નેતાને મળે તે માટે ચર્ચા કરી દિલ્લી હાઈકમાન્ડને મળવાનો નિર્ણય કરાયો હતો.
બેઠક બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, હું તો ઈચ્છું છું કે પાટીદાર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બને. પ્રદેશ અધ્યક્ષ પદ ખાલી પડ્યું છે ત્યારે કોંગ્રેસના તમામ નેતાને દાવો કરવાનો હક છે. જ્યારે પ્રતાપ દૂધાત અને લલિત કગથરાએ જણાવ્યું કે, કોંગ્રેસે પાટીદાર સમાજના 7 જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. પાટીદાર સમાજ કેટલાક અંશે વહેંચાઇ ગયો છે. તેને કોંગ્રેસ તરફ વાળવા માટે પ્રયાસ કરીશું. ગુજરાત કોંગ્રેસનું પ્રમુખપદ પાટીદાર નેતાને સોંપવામાં આવે તેવી અમારી માંગ છે. ગુજરાતની દશા અને દિશા મુજબ પાટીદાર સમાજ આગેવાની લેવા સક્ષમ છે. અનેક આંદોલનોમાં પાટીદાર સમાજ આગેવાની લઈ ચૂક્યો છે.
પાટણ ખાતે મહાસંમેલન બોલાવી રાહુલ ગાંધીને મળવાનો સમય માંગવામાં આવશે. રાહુલ ગાંધીને મળી મહત્ત્વના ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરાશે. રાહુલ ગાંધીને મળવા માટે એક ટીમ બનાવવામાં આવશે. રાહુલ ગાંધીને મળી કઇ માગણીઓ કરવી તેને લઇ ચર્ચા કરવામાં આવશે. આ માંગણીઓ લેખિત સ્વરૂપે રજૂ કરાશે. મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવશે. જેમાં ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાને સાઇડલાઇન કરી પાટીદાર નેતા અથવા અન્ય કોઇ નેતાને સુકાન સોંપવામાં આવે. ગેનીબેન ઠાકોરને સમાજના મુખ્ય નેતા તરીકે સ્થાન આપવામાં આવે તેવી માંગ કરાશે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં પ્રમુખ પદ અને વિપક્ષના નેતાના પદને લઇને ડખો પડ્યો છે. તેવા સમયે કોંગ્રેસના પાટીદાર નેતાઓએ બાંયો ચડાવી છે. પાટણમાં મહાસંમેલનનું આયોજન કરી અનેક નિર્ણયો કરાશે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પાલિકા પ્રમુખ, જિલ્લા-તાલુકા સંગઠનના આગેવાનો જોડાશે. તાજેતરમાં શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક બાદ કાર્યકરોમાં છૂપો રોષ જોવા મળ્યો છે. જે હવે મોટું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?