પાટણ, પોસ્ટર, પોલિટિક્સઃ MLA અને ચીફ ઓફિસર સામસામે
કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મ દિવસના પોસ્ટર્સ હટાવવા મુદ્દે વિવાદ વકર્યો
કોંગ્રેસના કાર્યકરોના વિરોધ બાદ ધારાસભ્ય અને ચીફ ઓફિસર આમને-સામને આવી ગયા
કોંગ્રેસના કાર્યકરોના વિરોધ બાદ ધારાસભ્ય અને ચીફ ઓફિસર આમને-સામને આવી ગયા
પાટણમાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના પોસ્ટર્સ મામલે પોલિટિક્સ શરૂ થયુ છે. કિરીટ પટેલના જન્મ દિવસના પોસ્ટર હટાવવા મામલે પાટણ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરે આદેશ આપ્યો હતો. જેનો કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કરતાં મામલો બીચક્યો હતો. તેવામાં ચીફ ઓફિસરે જાતે પોસ્ટર ફાડી નાખતાં ધારાસભ્ય અને ચીફ ઓફિસર વચ્ચે તૂં તૂં મૈ મૈ થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ, સમગ્ર મામલાને લઈ વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
પાટણ શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મ દિવસની ઉજવણી માટે લગાવેલા પોસ્ટર્સને લઈ વિવાદ થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધારાસભ્યના સમર્થકો અને કોંગ્રેસ કાર્યકરોએ શુભેચ્છા હોર્ડિંગ્સ અને પોસ્ટર્સ લગાવ્યા હતા. મંજૂરી વગર લગાવેલા પોસ્ટર્સ ઉતારવા નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પોતે મેદાનમાં ઉતારતા ધારાસભ્ય સાથે ઘર્ષણ થયું હતું. પાલિકાની ટીમ બે વખત પોસ્ટર્સ ઉતારવા ગઈ હતી.
ધારાસભ્યના સમર્થકોએ ઉતારવા ન દેતાં મોડી સાંજે ચીફ ઓફિસર પોલીસ બંદોબસ્ત સાથે ઉતારવા ગયા હતા. ધારાસભ્ય સહિત સમર્થકો દ્વારા ઉગ્ર વિરોધ કરતા એક કલાક કરતાં વધુ સમય સુધી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ચીફ ઓફિસર બેનર ઉતારવા માટે મક્કમ બની ઊભા રહ્યા હતા. ધારાસભ્ય પણ પોસ્ટર નહીં ઉતારવા ના દેવા અડગ રહેતા મામલો ગરમાયો હતો.
જો કે પોસ્ટરનો વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે ચીફ ઓફિસરે ધારાસભ્ય અને તેમના સમર્થકોને 'ગુંડા' ગણાવ્યા. જવાબમાં ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર પર માનસિક સંતુલન ગુમાવ્યાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના બાદ પાટણનું રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે. પાલિકા તંત્ર અને ધારાસભ્ય સામસામે આવી જતાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
ધારાસભ્યના જન્મ દિવસના લાગેલા બેનરો ઉતારવા પાલિકાની ટીમ સતત પ્રયાસ કરતી હતી. તેમના સમર્થકો બેનરો ના ઉતારવા દઈ પરત મોકલતા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પોલીસ બંદોબસ્ત સાથે બેનરો ઉતારવા માટે પહોંચ્યા હતા. આ સમયે ધારાસભ્ય કિરીટ પટેલ અને તેમના સમર્થકોનું ટોળું ત્યાં સ્થળ પર આવી ગયું હતું. પાલિકાની ટીમનો વિરોધ કરી બેનરો ઉતારતાં અટકાવતાં બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ભારે તણાવ સર્જાયો હતો. સ્થળ ઉપર હાજર પોલીસ દ્વારા મામલો થાળે પાડવા માટે પ્રયાસ કર્યો હતો.
વિવાદ બાદ ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું કે, ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસના બેનરો લગાવવા માટે પરમિશન માંગી હતી. પરંતુ પાલિકાએ ટેકનિકલ કાણોસર પરમિશન આપી ન હતી. તેમ છતાં મનસ્વી રીતે પૈસા ભર્યા વગર નગરપાલિકાની હદમાં બેનરો લગાવી દીધા હતા. જ્યારે પાલિકાની ટીમ બેનરો ઉતારવા ગઈ ત્યારે તેઓ ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા હતા. પૈસા પણ ભરવા નથી અને બેનરો પણ રાખવા છે. તેવું ચલાવી લેવાશે નહી. મંજૂરી વગર લાગેલા બેનરો ઉતારવામાં જ આવશે.
ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, અમે નગરપાલિકામાં મંજૂરી માગી હતી. એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવાના બહાના હેઠળ અમને મંજૂરી આપી ન હતી. પરંતુ અમે એજન્સીને જાણ કરીને તેમની ફેમમાં જ બેનર લગાવ્યા હતા. મારા જન્મ દિવસ નિમિત્તે ખાડા પૂરવાની કામગીરી કરતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. લોકોની સમસ્યા હલ કરવાના બદલે તેઓ અમારા બેનરો ઉતારવા માટે દોડી આવ્યા હતા તે યોગ્ય નથી. ચીફ ઓફિસર મહિલા છે. તેમને બોલવાનો અધિકાર છે. તેઓ જે બોલી રહ્યા છે કે તમે ખાડા પાડો છો. તમે સ્ટ્રીટ લાઈટ બંધ કરો છો તે જોતા અમને લાગી રહ્યું છે કે તેમનું મગજ ઠેકાણે નથી અને જેમનું મગજ ઠેકાણે ના હોય તે કંઈ પણ બોલી શકે છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.