Pakistan Minister Musadik Malik India Visit: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે પાકિસ્તાનના એક સંઘીય મંત્રીના ભારત આગમનથી દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ મંત્રી મુસાદિક મલિક નવી દિલ્હી પહોંચ્યા છે. તેમના ભારત પ્રવાસને લઈને કોંગ્રેસે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતેએ પાકિસ્તાની મંત્રીના આગમન સામે સવાલ ઉઠાવતા સરકારને ઘેરી છે. ભારતમાં પાકિસ્તાન હાઈ કમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને મુસાદિક મલિકના નવી દિલ્હી આગમનની જાણકારી આપી હતી. પોસ્ટમાં જણાવાયું હતું કે પાકિસ્તાનના ફેડરલ મંત્રી મુસાદિક મલિકનું નવી દિલ્હી પહોંચ્યા બાદ પાકિસ્તાનના ચાર્જ ડી'અફેર્સ સાદ અહેમદ વારૈચે સ્વાગત કર્યું હતું. આ પોસ્ટ સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતેએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.
સુપ્રિયા શ્રીનેતેએ મોદી સરકારને કેમ ઘેરી?
સુપ્રિયા શ્રીનેતેએ પાકિસ્તાની હાઈ કમિશનની પોસ્ટને રિપોસ્ટ કરીને સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાનના મંત્રી મુસાદિક મલિક અગાઉ અનેક વખત ભારતને ધમકી આપી ચૂક્યા છે. તેમના પર ભારત સામે હાથ કાપી નાખવાની અને લોહી વહેવડાવવાની ધમકી આપ્યાનો આરોપ લગાવતા સુપ્રિયાએ કહ્યું કે આવા મંત્રીને ભારતમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે વધુમાં પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો અને કેન્દ્ર સરકારની ટીકા કરતાં કહ્યું કે એક તરફ પાકિસ્તાન ભારત સામે ધમકીઓ આપે છે, તો બીજી તરફ મોદી સરકાર તેમના મંત્રીઓના સ્વાગતમાં વ્યસ્ત છે. સુપ્રિયા શ્રીનેતેએ આ મામલે સરકારને શરમ આવવી જોઈએ તેવી પણ આકરી ટિપ્પણી કરી હતી.
મે 2023 પછી પાકિસ્તાની મંત્રીની પહેલી ભારત મુલાકાત
મહત્વનું છે કે મે 2023 પછી કોઈ પાકિસ્તાની સંઘીય મંત્રીની આ પહેલી ભારત મુલાકાત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મુસાદિક મલિક 20થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના 'ફોરમ ફોર સિવિલાઇઝેશનલ ડાયલોગ'માં ભાગ લેવા ભારત આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી રાજદ્વારી તણાવ ચાલી રહ્યો છે. આવા સમયે પાકિસ્તાની મંત્રીની ભારત મુલાકાત રાજદ્વારી દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે, આ મુલાકાત SCOના બહુપક્ષીય કાર્યક્રમમાં ભાગ લેવા માટે છે.
PM મોદી કરશે SCO ફોરમનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના ઐતિહાસિક પુરાના કિલ્લા ખાતે યોજાનારા SCO ફોરમ ફોર સિવિલાઇઝેશનલ ડાયલોગનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિત સભાને સંબોધિત પણ કરશે. ત્રણ દિવસીય આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદેશના સમૃદ્ધ અને એકબીજા સાથે જોડાયેલા સભ્યતાના વારસાને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે. સાથે જ વિવિધ દેશો વચ્ચે લોકો-થી-લોકોના સંપર્કો મજબૂત કરવા, સાંસ્કૃતિક સંવાદ વધારવા અને સહયોગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવશે. એક તરફ દિલ્હીમાં SCO ફોરમના માધ્યમથી સાંસ્કૃતિક અને રાજદ્વારી સંવાદની તૈયારી છે, તો બીજી તરફ પાકિસ્તાની મંત્રીના આગમનને લઈને કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે રાજકીય મોરચો ખોલ્યો છે. હવે આ મુદ્દે સરકાર તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર રહેશે.