BJPમાં વધુ એક લેટર બોમ્બઃ પૂર્વ MLAએ ઠાલવ્યો બળાપો
કોંગ્રેસમાંથી આવેલાને પ્રાધાન્ય આપી જૂના કાર્યકરોની અવગણના કરાતી હોવાનો ઉકળાટ
કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીએ સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ કરી ઠાલવ્યો બળાપો
કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીએ સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ કરી ઠાલવ્યો બળાપો
ભાજપમાં જૂના કાર્યકરોની અવગણના અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેવું નિવેદન ભાજપના પૂર્વ ધારાસભ્યએ કર્યુ છે. કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ કરીને પોતાનો બળાપો ઠાલવ્યો છે. પોતે ભાજપના પૂર્વ ધારાસભ્ય હોવા છતાં સ્થાનિક સંગઠન અવગણના કરતું હોવાનો આક્ષેપ કર્યો છે. કનુભાઈ ડાભીએ વાયરલ કરેલા પત્રથી ભાજપમાં જૂના કાર્યકરોની અવગણનાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કનુભાઈ ડાભી ભાજપમાં છેલ્લાં બે દાયકાથી કામ કરી રહ્યા છે. તેઓ ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યા છે.
કનુભાઈ ડાભીએ પોતાના ફેસબુક પેજ ઉપર બળાપો ઠાલવતો પત્ર પોસ્ટ કર્યો છે. ખેડા જિલ્લાના સોશિયલ મીડિયા ગૃપમાં પત્ર વાયરલ થયો છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે, ભાજપમાં પૂર્વ ધારાસભ્ય પદની ગરીમા જળવાતી નથી અને વિકાસ કામોમાં પણ સંકલન થતું નથી. કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રાધાન્ય આપવામાં આવતું હોવાનો અને પાર્ટી માટે વર્ષોથી કામ કરનાર જૂના કાર્યકરોની અવગણના થતી હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. કનુભાઈ ડાભીના પત્રથી ખેડા જિલ્લા સહિત ભાજપમાં જૂના કાર્યકરોની અવગણનાનો મુદ્દો ફરી ઉઠ્યો છે. આ માત્ર વ્યક્તિગત દુઃખ નહીં, પણ જૂના કાર્યકરોના સન્માન અને પક્ષના સંકલન અંગે ગંભીર સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
કપડવંજ-કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી 2010ની પેટા ચૂંટણીમાં કઠલાલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિજયી થયા હતા. તેમણે કોંગ્રેસના ઘેલાભાઈ ઝાલાને હરાવ્યા હતા. જે તે સમયે ભાજપનો કઠલાલ બેઠક ઉપર પ્રથમ વિજય હતો. જ્યારે 2012ની સામાન્ય ચૂંટણીમાં તેઓ શંકરસિંહ વાઘેલાની સામે હરી ગયા હતા. 15 વર્ષ બાદ કઠલાલ બેઠક પર વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કનુભાઈને બદલે ભાજપે મૂળ કોંગ્રેસી રાજેશ ઝાલાને ટિકિટ આપી હતી. રાજેશ ઝાલા જીતી જતાં હવે કનુભાઈ ડાભીની અવગણના થઈ રહી છે. જેના કારણે ભાજપમાં ચાલતો ગજગ્રાહ અને જૂના કાર્યકરના મનનો ઉકળાટ પત્ર દ્વારા જાહેર થયો છે.
કનુભાઈએ જણાવ્યું કે, હાલમાં મુખ્ય પ્રશ્ન વિચારધારાનો છે. ભાજપની વિચારધારા અલગ છે અને કોંગ્રેસની વિચારધારા અલગ છે. હાલના ધારાસભ્ય રાજેશભાઈ કોંગ્રેસમાંથી આવેલા છે. તેઓની સાથે વિચારધારા મેચ થતી નથી. અહીં ભાજપની વિચારધારા ધરાવનારી વ્યક્તિ ધારાસભ્ય નથી અને તેઓ પોતાના જેવા માણસોની ટીમ સાથે લઈને ફરે છે. તેઓ પોતાના જ કાર્યકર્તાઓનાં કામ કરે છે. મૂળ ભાજપના કાર્યકર્તાઓ મને ફોન કરે છે. હું વારંવાર ધ્યાન દોરું છું. પણ કામ થતાં નથી. ભાજપના વર્તમાન ચિત્રથી ભાજપી તરીકે દુઃખ થાય છે. આ ડેમેજ છે. એનું સમાધાન નહીં થાય તો આગામી ચૂંટણીઓમાં નબળાં પરિણામો દેખાઈ શકે છે. મારા વિસ્તારોમાં અનેક લોકો નારાજ છે. આગામી ચૂંટણીમાં ભાજપને નુકસાન ન જાય તેટલા માટે પત્ર લખ્યો છે.
ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યો પૈકી ભાજપ પાસે 162 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. 162માંથી દર સાતમો ધારાસભ્ય મૂળ કોંગ્રેસી છે. કોંગ્રેસના નેતાઓને ભાજપમાં આવકારીને કેવાં પરિણામો આવે છે તે વાત કનુભાઈ ડાભીએ ઉજાગર કરી છે.
અમૂલ ડેરીની ચૂંટણીના કારણે વિવાદ વકર્યો
હાલમાં અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસમાંથી આવીને ભાજપના ધારાસભ્ય બનેલા રાજેશ ઝાલાના સમર્થકોને મેન્ડેટ આપવામાં આવ્યા છે. જ્યારે કનુભાઈ ડાભીના સમર્થકોની અવગણના કરવામાં આવી છે. રાજેશ ઝાલાના સગાં-વહાલાને મેન્ડેટ આપવામાં આવ્યો હોવાનો કનુભાઈએ આરોપ પણ લગાવ્યો છે. મહેમદાવાદમાં રાજેશ ઝાલાના વેવાઈને મેન્ડેટ આપ્યો છે. તેથી ખેડા જિલ્લામાં ભાજપના બદલે કોંગ્રેસી કલ્ચર હાવી થઈ ગયું છે. તેના કારણે વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરીને ભાજપના રોપાને વટવૃક્ષ બનાવનાર જૂના કાર્યકરોની અવગણના ભાજપને ભારે પડી શકે તેમ છે. ગુજરાત ભાજપમાં આવી રીતે ચાલશે તો આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડી શકે તેમ છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને મોટું પદ
રાજેશ ઝાલા- ધારાસભ્ય, કઠલાલ
અમરસિંહ રાઠોડ- પ્રમુખ, કઠલાલ તાલુકા પંચાયત
ભગવતસિંહ પરમાર- સદસ્ય, માતર તાલુકા પંચાયત
જીતુ પટેલ- ડિરેક્ટર, ખેડા જિલ્લા સહકારી બેંક
ગૌતમ ચૌહાણ- ઉમેદવાર, અમૂલ ડેરી નિયામક મંડળ ચૂંટણી
ગોપાલ સોલંકી- ઉમેદવાર, અમૂલ ડેરી નિયામક મંડળ ચૂંટણી
ઘેલાજી ઝાલા- ઉમેદવાર, અમૂલ ડેરી નિયામક મંડળ ચૂંટણી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!