પ્રદેશ BJP પ્રમુખ પાટીલે ક્યાં મુદ્દે મૌન સેવ્યું?
રાજકોટમાં પૂર્વ CM સ્વ.વિજય રૂપાણીની અંતિમ યાત્રાના ખર્ચ અંગે પાટીલે બોલવાનું ટાળ્યું
સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભાજપે સંવેદનના ન રાખી હોવાની કાર્યકરોમાં ચર્ચા
સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભાજપે સંવેદનના ન રાખી હોવાની કાર્યકરોમાં ચર્ચા
પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે રાજકોટમાં પત્રકારોના બે સવાલો ઉપર બોલવાનું ટાળ્યું હતું. ભારત-પાકિસ્તાનની મેચ અંગે બોલવાનું ટાળીને પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીની અંતિમ યાત્રાના ખર્ચ અંગે સવાલ કરતા તેઓ ચાલી નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્વ. વિજય રૂપાણીની અંતિમ યાત્રાનો ખર્ચ ભાજપે ચુકવવાની ના કહીને તેમના પરિવાર પાસે વસૂલવા માટે વેપારીઓને કહેવામાં આવ્યું છે. તેના કારણે રાજકોટ સહિત રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.
રાજકોટના રેસકોર્સમાં રવિવારે ‘નમોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. કાર્યક્રમ અગાઉ તેમણે સર્કિટ હાઉસમાં ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ તેઓ રેસકોર્સ મેદાનમાં ‘નમોત્સવ’ કાર્યક્રમમાં જોડાયા હતા. આ સમયે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા ‘નમોત્સવ’ સિવાયના સવાલો પર પાટીલે બોલવાનું ટાળ્યુ હતું.
ભારત-પાકિસ્તાનની મેચ અંગે સવાલ ન સાંભળ્યો હોય તેવી રીતે મૌન સેવ્યું હતું. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીની અંતિમ યાત્રા ખર્ચ અંગે પૂછવામાં આવતાં તેઓએ ચાલતી પકડી હતી. પાટીલે જવાબ આપવાનું ટાળી કહ્યું કે, ‘નમોત્સવની વાત છે પછી આ વાતનો જવાબ ચોક્કસ આપીશ’
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થતાં રાજકોટ ખાતે અંતિમ યાત્રા યોજવામાં આવી હતી. અંતિમ યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાષ્ટ્રીય નેતાઓ જોડાયા હતા. અંતિમ યાત્રાનો અંદાજિત રૂપિયા 25 લાખનો ખર્ચ ભાજપે ચુકવવાના બદલે સ્વ. વિજય રૂપાણીના પરિવારજનોના માથે નાખ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સી.આર. પાટીલને આ મુદ્દે સવાલ કરાતાં તેમણે કોઈપણ જવાબ આપવાનું ટાળી ચાલતી પકડી હતી.
પાટીલને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે સવાલ કરાતા તેમણે કોઈપણ પ્રતિક્રિયા આપી ન હતી. જો કે, પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારના ખર્ચ મુદ્દે સી.આર. પાટીલના મૌનને લઈ ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ચર્ચા જગાવી છે. કેટલાક નેતાઓ એવું કહી રહ્યા છે કે, આ મુદ્દો પક્ષ માટે સંવેદનશીલ હોવાથી સીધો જવાબ આપવાનું ટાળ્યું છે. જ્યારે કેટલાક નેતાઓ એવું માની રહ્યા છે કે, આ મૌન ભવિષ્યમાં કોઈ મોટા રાજકીય નિર્ણયનો સંકેત છે. જો કે, વિજય રૂપાણીના અંતિમ સંસ્કારનો મામલો સૌરાષ્ટ્રમાં ચર્ચાસ્પદ બન્યો છે.
મહત્વપૂર્ણ છે કે, રાજકોટમાં 16 જૂન, 2025ના રોજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા યોજાઈ હતી. અંતિમ યાત્રાને ત્રણ મહિના થયા બાદ મોટો ખુલાસો થયો છે. વિજય રૂપાણીની અંતિમયાત્રામાં થયેલો ખર્ચ ચુકવવા ભાજપે ના કહીને તમામ ખર્ચ રૂપાણી પરિવાર પાસેથી લેવા વેપારીઓને કહ્યું છે.
જુલાઈ મહિનામાં કેટલાક વેપારી ઉઘરાણી કરવા આવ્યા ત્યારે પરિવારને જાણ થઈ હતી. તેથી વિજય રૂપાણીના પરિવારને આંચકો લાગ્યો હતો. વિજય રૂપાણીની અંતિમવિધિમાં ફૂલહાર અને ટેન્ટને લગતી સામગ્રીની વ્યવસ્થા વેપારીઓએ કરી હતી. રૂપાણી પરિવારે વેપારીઓને ચૂકવણી શરૂ કરી દીધી છે.
સ્વ. વિજય રૂપાણીના નિવાસ સ્થાનેથી સ્મશાનગૃહ સુધી નીકળેલી અંતિમયાત્રામાં ભાજપના નેતાઓ અને નાગરિકો જોડાયા હતા. ભાજપે અંતિમયાત્રામાં થયેલો ખર્ચ આપવાનો ઇન્કાર કરી દેતા રૂપાણી પરિવારને અંદાજે 20 થી 25 લાખ રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે. ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના બે મોટા નેતાઓએ દોરીસંચાર કરીને હાથ અદ્ધર કરી દીધા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાના કારણે ભાજપમાં ચાલતો આંતરિક વિખવાદ પણ બહાર આવ્યો છે.
વિજય રૂપાણી હંમેશા સંવેદનશીલ મુખ્યમંત્રી ગણાતા હતા. નિધન બાદ તેમના વ્યક્તિગત સ્વભાવ અને લાગણીના અનેક કિસ્સા સામે આવ્યા હતા. જો કે, વિજય રૂપાણીના અવસાન બાદ ભાજપની નેતાગીરી તેમના પરિવાર પ્રત્યે સંવેદનશીલ નથી રહી તે આ ઘટના પરથી પુરવાર થઈ રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા