હવે અમૂલ ડેરીમાં મોંઘા ભાવે જમીન ખરીદીનો વિવાદ!
₹40 હજારનો ગુંઠો ₹4 લાખમાં ખરીદી કરી ભ્રષ્ટાચાર કર્યાનો પશુપાલકોનો આક્ષેપ

આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના પશુપાલકોએ વિરોધ કરી આંદોલન છેડ્યું

આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના પશુપાલકોએ વિરોધ કરી આંદોલન છેડ્યું
બરોડા ડેરી, દૂધસાગર ડેરી, સુમુલ ડેરી અને સાબર ડેરી બાદ હવે અમુલ ડેરીમાં વિવાદ શરૂ થયો છે. મહીસાગર જિલ્લાના વીરપુરમાં અમુલ ડેરી દ્વારા વેટરનરી હોસ્ટેલ માટે ખરીદેલી જમીનનો વિવાદ શરૂ થયો છે. વીરપુરના જૂના રતનકૂવા ગામના રોડ પર અમુલે મોંઘા ભાવે જમીનની ખરીદી કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે પશુપાલકો દ્વારા રેલી યોજી આંદોલનનો પ્રારંભ કરાયો છે.
મહિસાગર જિલ્લાના વીરપુરમાં અમૂલ દ્વારા ખરીદવામાં આવેલી જમીન વિવાદનું કેન્દ્ર બની છે. અમૂલ ડેરીની ચૂંટણી નજીક આવતાં જમીન ખરીદીના મામલાએ જોર પકડ્યું છે. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની દૂધ મંડળીઓના પશુપાલકોએ વીરપુરમાં રેલી યોજી આંદોલન શરૂ કરતાં મામલો ગરમાયો હતો.
ત્રણેય જિલ્લાની દૂધ મંડળીઓના હોદ્દેદારો, પશુપાલકો અને સભ્યો ફાગવેલ ભાથીજી મંદિર ખાતે એકત્ર થઈ વીરપુર તરફ કૂચ કરી હતી. આ સમયે અમુલ ડેરીના શાસકો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતાં નારા લગાવવામાં આવ્યાં હતાં. વીરપુરથી જૂના રતનકૂવા રોડ પર સર્વે નંબર 175-2ની 8,690 ચોરસ મીટર જમીનના બજારભાવ હાલમાં 30 લાખ ગણવામાં આવી રહ્યા છે. આ જમીન અમુલ ડેરીએ રૂપિયા 3.51 કરોડમાં ખરીદતા મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ થયો છે. રૂપિયા 40 હજારનો ગુંઠો 4 લાખમાં ખરીદ કરવામાં આવ્યો હોવાના નારા સાથે પશુપાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અમુલે ખરીદેલી જમીન ઉપર પહોંચી પશુપાલકોએ જણાવ્યું હતું કે, વીરપુરમાં અમૂલે 40 હજારના ગુંઠાની જમીન 4 લાખના ગુંઠે લીધી છે. તેની પશુપાલકોને જાણ થતાં ફાગવેલથી વીરપુર સુધીની રેલી કાઢી વિરોધ કરી તપાસ કરવા માંગ કરી છે.
લીંબાસી દૂધ મંડળીના ચેરમેન કેસરીસિંહ સોલંકીએ કહ્યું કે, “જે ખરેખર ખેડૂતને ચુકવ્યાં છે. તે સિવાયના ઉપરના નાણાં અમૂલ ડેરીમાં જમા કરાવી દેવા જોઈએ. પશુપાલકોના હિત માટે ગામે ગામ સહકારી આંદોલન કરીશું.” ફતેપુરા દૂધ મંડળીના ચેરમેન ભારતસિંહ પરમારે આક્ષેપ કર્યો હતો કે, “ગોવા અને મુંબઇ કરતાં પણ વધુ ઊંચા ભાવે વીરપુરમાં જમીન ખરીદી છે.”
અમુલ ડેરીના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, “ખેડા, આણંદ, મહીસાગર જીલ્લાના તમામ ચેરમેન કમિટી સભ્ય અને સહકારી આગેવાનોએ એકઠાં થઈ સ્થળ મુલાકાત કરી છે. વાસ્તવિક પરિસ્થિતિ શું છે? જમીનના શુ ભાવ છે? તે જમીન આજુબાજુના ખેડૂતોને બતાવવામાં આવ્યુ છે. ખાસ કરીને જે ભ્રષ્ટાચારની વાત અમૂલમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે, પછી એ ભરતી પ્રક્રિયા હોય કે બહારના લોકોને પૈસાથી નોકરી લેવાવાણી વાત એ જગ જાહેર છે. આ તમામ મુદ્દાઓને ઉજાગર કરવા માટે ખેડા, આણંદ, મહીસાગર જિલ્લાના ચેરમેન ડિરેક્ટર અને સહકારી આગેવાનો એકઠાં થયા હતા.”
ડેરીના ડિરેક્ટર ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, “આણંદમાં નિયામક મંડળની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે વર્તમાન ચેરમેન અને તેમના મળતિયાઓએ પશુપાલકોના પૈસે કેટલીક જમીનો ખરીદીને બહુ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે. અમૂલ ડેરી એટલે ખેડૂતોની સંસ્થા પશુપાલકોની સંસ્થા, પશુપાલક રાત દિવસ મહેનત મજૂરી કરીને ગામડાઓમાં મહેનત કરીને અમૂલ સુધી દૂધ પહોંચાડે છે. દૂધનો જે નફો થાય છે, વેપારનો જે નફો થાય છે એ પશુપાલકના કામમાં આવતો નથી. નફોમાંથી જમીનો ખરીદીને મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આજે પશુપાલકોને એમ થયું કે અમૂલ તો આપણી અમૂલ છે ખેડૂતોની અમૂલ છે. અમૂલના પૈસા એ આપણા પૈસા છે.”
તેમણે ઉમેર્યુ કે, વીરપુર મુકામે અમૂલ દ્વારા ખરીદેલી જમીન સસ્તા ભાવની છે. મુંબઈ, કપડવંજ અને બીજા શહેરોમાં જે જમીનો અમૂલે રાખી છે એ વ્યાજબી ભાવે રાખેલી છે પણ વીરપુર જેવા ગામડામાં ચાલીસ હજારે ગુંઠો મળતી જમીનના જ્યારે ચાર લાખ રૂપિયા ચુકવાય ત્યારે સ્વાભાવિક છે કે પશુપાલકોને દુઃખ થાય કે અમારી મહેનતની, પરસેવાની કમાણીના રૂપિયા તમે કેવી રીતે વેડફી શકો?
ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાનાર છે. તે પહેલાં ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ પ્રદર્શન થતાં અમુલ ડેરીનું રાજકારણ ગરમાયું છે. સહકારી શ્રેત્રમાં બેફામ રીતે ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ‘અમૂલ બચાવો’નાં નારા સાથે ભ્રષ્ટાચાર ઉજાગર કરવા આંદોલન છેડાયું છે. ફાગવેલ ખાતે ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો, દૂધ કમિટીના ચેરમન, કમિટીના સભ્યો સહિત સહકારી આગેવાનો એકત્ર થયા હતા. જ્યાં ભાથીજી મહારાજના દર્શન કરી અમુલ ડેરી દ્વારા જમીન ખરીદી સ્થળ વીરપુર ખાતે સ્થળ તપાસ કરી આંદોલનનો પ્રારંભ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?