ભાષા વિવાદમાં હવે રાજ ઠાકરેની પણ એન્ટ્રી
હિન્દી અને મારાઠી ભાષાનો વિવાદ વધારે વકર્યો, હવે આ વિવાદમાં રાજ ઠાકરેએ પણ જંપલાવ્યુ

રાજ ઠાકરેએ પણ ભાષા વિવાદમાં જંપલાવ્યું

રાજ ઠાકરેએ પણ ભાષા વિવાદમાં જંપલાવ્યું
મહારાષ્ટ્રમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે હિન્દી ભાષાને ફરજિયાત વિષય બનાવવાનો વિવાદ રાજકીય રંગ પકડી રહ્યો છે. આ મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે, બંને મરાઠી અસ્મિતાના નામે સરકાર સામે ઉભા છે. સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હોવા છતાં, આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો, અને રાજકીય નેતાઓ દ્વારા એક પછી એક ધમકીભર્યા નિવેદનો આપવામાં આવી રહ્યા છે.
રાજ ઠાકરેના આકરા પ્રહારો: હિન્દી, ગુજરાતીઓ અને સરદાર પટેલ નિશાન પરતાજેતરમાં, MNS પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એકવાર મરાઠી ભાષાના મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે "મહારાષ્ટ્રમાં કોઈને પણ હિન્દી થોપવા નહીં દઈએ." ઠાકરેએ હિન્દુત્વની આડમાં મરાઠીઓ પર હિન્દી થોપવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો.
આટલું જ નહીં, રાજ ઠાકરેએ ગુજરાત અને ગુજરાતી સમુદાયને પણ નિશાન બનાવ્યા. તેમણે દાવો કર્યો કે "ગુજરાતવાળાઓની મુંબઈ પર ઘણા વર્ષોથી નજર છે." તેમણે કેટલાક ગુજરાતી વેપારીઓ અને નેતાઓ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભેદભાવ લાવવાનું આયોજન કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું.
ચોંકાવનારી વાત તો એ છે કે રાજ ઠાકરેએ અખંડ ભારતના શિલ્પી અને ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને પણ પોતાના નિવેદનોમાં ટાર્ગેટ કર્યા. તેમણે કહ્યું કે "સૌથી પહેલા વલ્લભભાઈ પટેલે કહ્યું કે મુંબઈને મહારાષ્ટ્રમાં ન ભેળવશો. ઘણા વર્ષોથી આમની નજર મુંબઈ પર છે." રાજ ઠાકરેએ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનું નામ ટાંકીને આરોપ લગાવ્યો કે તેમણે મરાઠી લોકો પર ગોળીઓ વરસાવી હતી. તેમણે પુનરાવર્તન કર્યું કે "વર્ષોથી મરાઠી લોકોના મુંબઈ પર ગુજરાતની નજર છે."
ઠાકરેએ વધુમાં ઉમેર્યું કે "મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો ગુજરાતી વેપારી અને ગુજરાતી નેતાઓનો કારસો હતો. એક પુસ્તક વાંચતા સમયે હું ચોંકી ગયો કેમ કે એમાં લખ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રમાં ન જાય. તે અંગે પહેલું નિવેદન કોણે આપ્યું? વલ્લભભાઈ પટેલે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને ન આપો. એ જ વલ્લભભાઈ પટેલ જેમને આજસુધી આપણે લોખંડી પુરુષ તરીકે માનતા આવ્યા છીએ અને દેશના પહેલા ગૃહમંત્રી જેમની સામે આજ સુધી આપણે આદરથી જોતા આવ્યા છીએ."
રાજ ઠાકરેએ 28 સપ્ટેમ્બર 2018ના રોજ હિંમતનગરમાં બનેલી દુષ્કર્મની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. તેમણે કહ્યું કે તે પછી બિહારીઓને નિશાન બનાવવામાં આવ્યા, તેમની સાથે મારામારી થઈ અને આશરે 20 હજાર લોકોને ગુજરાતમાંથી બહાર મોકલી દેવાયા. તેમણે સવાલ ઉઠાવ્યો કે "બીજા રાજ્યમાં લોકો મારશે, પીટશે ત્યાં જવા નહીં દે અને અહીંયા જો કોઈ દુકાનદારને લાફો પડે છે તો તે નેશનલ હેડલાઈન કેમ બની જાય છે."
ભાજપનો પલટવાર: ઋત્વીજ પટેલનો રાજ ઠાકરે પર પ્રહારઆ સમગ્ર વિવાદ પર ભાજપના પ્રવક્તા ઋત્વીજ પટેલએ રાજ ઠાકરેના નિવેદનોને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા. તેમણે જણાવ્યું કે રાજ ઠાકરેને ઇતિહાસની સમજ જ નથી. પટેલે સ્પષ્ટતા કરી કે મહારાષ્ટ્ર અને ગુજરાત એક જ રાજ્ય હતા, વિદર્ભ રાજ્ય ગણાતું હતું, અને ત્યારબાદ 1960માં બંને અલગ થયા. તેમણે ભારપૂર્વક કહ્યું કે આજે પણ ગુજરાતમાં મરાઠીઓ સારી રીતે રહે છે.
ઋત્વીજ પટેલે રાજ ઠાકરેના રાજકીય રેકોર્ડ પર પણ પ્રશ્નાર્થ કર્યો. તેમણે કહ્યું કે "જે વ્યક્તિ એકપણ વિધાનસભાની ચૂંટણી જીતી શક્યો નથી, એકપણ લોકસભાની બેઠક જીતી શક્યો નથી, કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતી શક્યો નથી, એ માત્ર તેના રાજનીતિક અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ પ્રકારના બેજવાબદાર નિવેદનો કરી રહ્યા છે." પટેલે ભારપૂર્વક જણાવ્યું કે રાજ ઠાકરેને ગંભીરતાથી લેવાની જરૂર નથી. તેમણે ચેતવણી આપી કે "જે રીતે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે તે અમે ક્યારેય નહીં સાંખી લઈએ અને જરૂર પડ્યે એને જે ભાષામાં જવાબ આપવો પડશે એ ભાષામાં જવાબ આપીશું."
આ વિવાદ મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેના સંબંધોમાં કેવો નવો વળાંક લાવે છે તે જોવું રસપ્રદ રહેશે. ગુજરાતના અનેક નેતાઓએ રાજ ઠાકરેના વાણીવિલાસ સામે વાંધો ઉઠાવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?