માળિયા નગરપાલિકામાં ટિકિટ માગવા કોઈ ડોકાયું જ નહીં
24 બેઠકો માટે એકપણ દાવેદાર ન આવ્યો, ભાજપના ત્રણ નિરીક્ષકો દિવસભર રાહ જોતા રહ્યાં

ભાજપના નિરીક્ષકો રમણ વોરા, દેવાંગ દવે અને ગૌરવ રૂપરેલીયાની તસવીર

ભાજપના નિરીક્ષકો રમણ વોરા, દેવાંગ દવે અને ગૌરવ રૂપરેલીયાની તસવીર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં રાજકીય પક્ષોએ ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કર્યુ છે. રાજકીય પક્ષોએ પોતાના નિરીક્ષકો મૂકીને મજબૂત ઉમેદવારો પસંદ કરવાની કવાયત હાથ ધરી હતી. મોરબી જિલ્લામાં પણ ભાજપે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં માળિયા મિયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે એકપણ દાવેદાર ટિકિટ માગવા નહી આવતાં ભાજપના નિરીક્ષકો ચોંકી ગયા હતા.
રાજ્યમાં 84 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે. તેમાંથી 83 નગરપાલિકામાં કોર્પોરેટર બનવા માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે, જો કે, મોરબી જિલ્લાની માળિયા મિયાણા પાલિકામાં કોર્પોરેટર બનવા એકપણ દાવેદાર ડોકાયો નહોતો.
મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે બે દિવસ અગાઉ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજી એપ્રિલે બપોરે 2:30 થી 4:30 સુધી માળિયા નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. પ્રદેશમાંથી આવેલાં ભાજપના નિરીક્ષકો રમણ વોરા, દેવાંગ દવે અને ગૌરવ રૂપરેલીયા માળિયા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે દાવેદારોની રાહ જોઈ રહ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે માળિયા મિયાણા નગરપાલિકા વિસ્તારમાંથી એકપણ આગેવાન કે કાર્યકર ટિકિટની માંગણી કરવા માટે આવ્યા નહોતા.
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ જણાવ્યું કે, માળિયા મિયાણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે દાવેદારો આવ્યા હતા. બંને સંસ્થા માટે પૂરતા પ્રમાણમાં દાવેદારી પણ કરવામાં આવી છે. જો કે, માળિયા મિયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે કોઈ દાવેદાર નહી આવતા પક્ષ દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ છે. હાલમાં આગેવાનો સાથે સંકલનની કાર્યવાહી ચાલી રહી છે. અમને આશા છે કે માળિયાથી ભાજપ માટે સારા સમાચાર આવશે.
વિશ્વની સૌથી મોટી પાર્ટીનો દાવો કરતાં શાસક પક્ષ ભાજપ માટે માળિયા મિયાણા નગરપાલિકાની સ્થિતિ ચિંતા ઉપજાવે તેવી છે. માળિયા નગરપાલિકામાં દાવેદારોનો અભાવ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.
માળિયા શહેર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં કોંગ્રેસની પકડ મજબૂત હોવાથી ભાજપને ટક્કર આપવામાં મુશ્કેલી પડી રહી છે. હાલની સ્થિતિ દર્શાવે છે કે ભાજપ હજુ સુધી માળિયામાં મજબૂત સ્થાન બનાવી શક્યું નથી. ગત ચૂંટણીમાં કોંગ્રેસે તમામ 24 બેઠકો પર કબજો કરી ક્લીન સ્વીપ કરી હતી.
માળિયા મિયાણા વિસ્તારમાંથી એકપણ દાવેદાર નહી આવતાં ભાજપનું મોવડી મંડળ પણ ચિંતિત બન્યુ છે. પ્રદેશ ભાજપના નેતાઓએ સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી સંકલન સાધવા જિલ્લાના નેતાઓને સૂચના આપી છે. ત્યારે માળિયા નગરપાલિકામાં ચૂંટણી લડવા માટે ભાજપને ઉમેદવારો મળે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો