નીતિન નબીન બન્યા BJPના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ
રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં 45 વર્ષીય નીતિન નબીન બિનહરીફ ચૂંટાયા, આવતીકાલે પદભાર સંભાળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નવ નિયુક્ત નીતિન નબીનની ફાઈલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નવ નિયુક્ત નીતિન નબીનની ફાઈલ તસવીર
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં 45 વર્ષીય નીતિન નબીન બિનહરીફ ચૂંટાયા છે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમની વરણી નક્કી થઈ હતી અને તેઓ આવતીકાલે સત્તાવાર રીતે અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળશે. ઉમેદવારી સમયે પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
દેશના 30 રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષોની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષની પ્રક્રિયા શરૂ કરી હતી. નીતિન નબીનના પક્ષમાં કુલ 37 સેટ મળ્યા હતા, જેમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ એક સેટ સંસદીય દળ તરફથી આવ્યો હતો. દરેક સેટમાં જરૂરી પ્રસ્તાવકોના હસ્તાક્ષરો સાથે તેમની ઉમેદવારી મજબૂત બની હતી.
નીતિન નબીન બિહારના અનુભવી ધારાસભ્ય છે. તેઓ 2010થી બાંકીપુર વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટાઈ રહ્યા છે અને અગાઉ પટના પશ્ચિમ બેઠકનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે. ભાજપના ઇતિહાસમાં તેઓ 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે અને સાથે જ સૌથી ઓછી ઉંમરના અધ્યક્ષનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયો છે. આ પહેલાં આ રેકોર્ડ અમિત શાહ (49) અને નીતિન ગડકરી (52) ના નામે હતો.
ભાજપના 45 વર્ષના ઇતિહાસમાં અટલ બિહારી વાજપેયીથી માંડીને અનેક દિગ્ગજોએ અધ્યક્ષ પદ સંભાળ્યું છે. આ પરંપરામાં નીતિન નબીનનું જોડાવું પાર્ટી માટે મહત્વપૂર્ણ ગણાય છે. પાર્ટીએ યુવા નેતાને ટોચનું પદ સોંપીને સંગઠનક્ષમતા અને કાર્યક્ષમતાને પ્રાથમિકતા આપવાનો સંદેશ આપ્યો છે.
ડિસેમ્બર મહિનામાં તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, ત્યારથી જ તેમના પ્રત્યે પાર્ટીના વિશ્વાસના સંકેત મળતા હતા. યુવા મોરચામાં કામ કરીને અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં સફળ વ્યૂહરચના ઘડીને તેમણે પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ સફળતાના પરિણામે હવે તેમને રાષ્ટ્રીય સ્તરે સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
નવી જવાબદારી સાથે નીતિન નબીન સામે અનેક રાજકીય પડકારો છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં આવનારી ચૂંટણીઓમાં પાર્ટીની સ્થિતિ મજબૂત કરવી તેમની પ્રથમ કસોટી રહેશે. સાથે જ, જાતિગત વસ્તી ગણતરી, સીમાંકન અને મહિલા અનામત જેવા મુદ્દાઓ પર ભાજપને નવી રણનીતિ આપવી પણ તેમના ખભે મોટી જવાબદારી રહેશે.
દીર્ઘકાળે 2029ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ફરી પૂર્ણ બહુમતી તરફ દોરી જવાનું લક્ષ્ય નીતિન નબીન માટે સૌથી મોટો પડકાર બનશે. બદલાતા રાજકીય સમીકરણોમાં પાર્ટીને એકજૂટ રાખીને આગળ વધારવાનું કામ હવે તેમના નેતૃત્વ પર નિર્ભર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!