MLC Election Results 2026: ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકની 28 વિધાન પરિષદ (MLC) બેઠકોનાં પરિણામોએ દેશના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. ભાજપ અને તેના સહયોગીઓએ અનેક બેઠકો પર જીત મેળવી, જ્યારે સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પોતાની સ્થિતિ મજબૂત કરી. બીજી તરફ, કોંગ્રેસને ચાર રાજ્યોની આ ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. વારાણસીમાં સમાજવાદી પાર્ટીની જીત અને નાગપુરમાં કોંગ્રેસની સફળતાએ રાજકીય ચર્ચાને વધુ વેગ આપ્યો છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપની 6, સપાની 5 બેઠકો પર જીત
ઉત્તર પ્રદેશની 11 MLC બેઠકોમાં ભાજપે છ અને સમાજવાદી પાર્ટીએ પાંચ બેઠકો જીતી. ગોરખપુર-ફૈઝાબાદ શિક્ષક બેઠક પર ભાજપ સાથે જોડાયેલા ધ્રુવ કુમાર ત્રિપાઠીએ અપક્ષ ઉમેદવાર રાજીવ યાદવને માત્ર 307 મતથી હરાવ્યા. ત્રિપાઠીને 14,887 મત મળ્યા, જ્યારે યાદવને 14,580 મત મળ્યા. વારાણસી શિક્ષક બેઠક પર સમાજવાદી પાર્ટીના લાલ બિહારી યાદવે ભાજપના ડૉ. પ્રમોદ મિશ્રાને 5,015 મતથી હરાવ્યા. આ પરિણામને કારણે વારાણસીમાં ભાજપની સ્થિતિ અંગે રાજકીય ચર્ચા શરૂ થઈ છે.
નાગપુરમાં કોંગ્રેસની જીત, મહારાષ્ટ્રમાં વિપક્ષને સફળતા
મહારાષ્ટ્રમાં પાંચ MLC બેઠકોમાંથી મહા વિકાસ આઘાડીએ ત્રણ અને સત્તાધારી મહાયુતિએ બે બેઠકો જીતી. નાગપુર સ્નાતક બેઠક પર કોંગ્રેસના અભિજીત વણજારીએ જીત નોંધાવી. નાગપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું મુખ્ય મથક હોવા ઉપરાંત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું ગૃહજિલ્લો પણ છે. આ કારણે નાગપુરનું પરિણામ રાજકીય રીતે ખાસ ચર્ચામાં રહ્યું.
કર્ણાટકમાં NDAનો ક્લીન સ્વીપ, બિહારમાં મિશ્ર પરિણામ
કર્ણાટકની ચારેય MLC બેઠકો ભાજપ અને જનતા દળ (સેક્યુલર)ના ગઠબંધને જીતી લીધી. રાજ્યમાં સત્તા ધરાવતી કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નહીં. બિહારમાં NDAએ આઠમાંથી ચાર બેઠકો મેળવી. ભાજપે ત્રણ અને જનતા દળ (યુનાઇટેડ)એ એક બેઠક જીતી. રાષ્ટ્રીય જનતા દળ અને જનસુરાજે એક-એક બેઠક મેળવી, જ્યારે બે બેઠકો અપક્ષ ઉમેદવારોના ખાતામાં ગઈ. પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી માટે વિધાન પરિષદમાં આ પ્રથમ જીત મહત્વપૂર્ણ બની.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની
ચાર રાજ્યોની વિધાન પરિષદ (MLC) ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસ પર કટાક્ષ કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જવાબ આપ્યો છે. તેમણે વારાણસી અને નાગપુરનાં પરિણામોનો ઉલ્લેખ કરીને ભાજપને આત્મમંથન કરવાની સલાહ આપી હતી. સાથે જ મોંઘવારી, બેરોજગારી અને ખાનગી રોકાણના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી.
જયરામ રમેશે PM મોદી વિશે શું કહ્યું?
જયરામ રમેશે પોતાની પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં લખ્યું હતું, “પ્રવચનમંત્રીને આત્મમંથનની જરૂર છે, પરંતુ તેઓ બીજાઓને ઉપદેશ આપી રહ્યા છે! કોંગ્રેસની બેઠકો ગણતા પહેલાં, કાશ તેમણે એ પણ વિચાર્યું હોત કે તેમના પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની બંને બેઠકો પર ભાજપ કેમ હાર્યું અને RSSના ગઢ નાગપુરમાં કોંગ્રેસે ભાજપને કેવી રીતે હરાવ્યું?” તેમણે આગળ લખ્યું, “મોદીજી, ટ્રોલિંગ બંધ કરો. કરોડો પરિવારો કમરતોડ મોંઘવારીથી પરેશાન છે, યુવાનો બેરોજગાર છે અને ખાનગી રોકાણ ઠપ થઈ ગયું છે. અહંકાર છોડીને આ મુદ્દાઓ પર વિચાર કરો!” પોતાની પોસ્ટના અંતમાં જયરામ રમેશે દાવો કર્યો હતો, “વારાણસી અને નાગપુરથી લઈને લખનઉ, પ્રયાગરાજ અને પટના સુધીની જનતાએ તમારી નીતિઓ વિરુદ્ધ સ્પષ્ટ રીતે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કર્યો છે!” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચાર રાજ્યોની MLC ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે રાજકીય વાકયુદ્ધ ચાલી રહ્યું છે.
ચાર રાજ્યોની MLC ચૂંટણીનાં પરિણામો ચર્ચામાં
ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકની 28 વિધાન પરિષદ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનાં પરિણામો બાદ વિવિધ પક્ષો પોતાની જીત અને વિરોધીઓની હારને લઈને દાવા કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ પાંચ બેઠકો જીતી, જ્યારે નાગપુરની સ્નાતક બેઠક પર કોંગ્રેસે સફળતા મેળવી હતી. આ પરિણામો બાદ જયરામ રમેશના નિવેદને રાજકીય ચર્ચાને વધુ વેગ આપ્યો છે. હવે ભાજપ તરફથી આ પ્રહારોનો શું જવાબ આપવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.