Mansukh Vasava Hits Back at Shankersinh Vaghela: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ‘મેલું ઉપાડવા’ અને ભીલપ્રદેશને લઈને આપેલા નિવેદનનો વિવાદ હવે વધુ વકર્યો છે. નર્મદાના સાગબારા વિસ્તારમાં આપેલા વાઘેલાના નિવેદન બાદ રાજકીય પ્રતિક્રિયાઓનો સિલસિલો શરૂ થયો છે. આ દરમિયાન અમરેલીમાં શંકરસિંહ વાઘેલા સામે ઓનલાઈન પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. વાઘેલા પોતાના નિવેદન અંગે માફી માંગવાના સવાલને નકારી ચૂક્યા છે. હવે આ સમગ્ર વિવાદમાં ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સામે આકરા પ્રહારો કર્યા છે. નાંદોદના ધારાસભ્ય દર્શનાબહેન દેશમુખ અને સાંસદ મનસુખ વસાવા ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા માટે ગામેગામ બેઠકો કરી રહ્યા છે. ગરુડેશ્વરના વઘરાલી ગામે યોજાયેલી બેઠક દરમિયાન મનસુખ વસાવાએ શંકરસિંહ વાઘેલાના ‘મેલું ઉપાડવા’ના નિવેદન ઉપરાંત ભીલપ્રદેશની માંગ અને વિપક્ષી નેતાઓના નિવેદનો અંગે પોતાની વાત મૂકી હતી.
‘બાપુનું રાજકારણ પૂરું થઈ ગયું છે છતાં તેઓ રાજકારણ રમી રહ્યાં છે’
સાંસદ મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં શંકરસિંહ વાઘેલાના મેલું ઉપાડવા મુદ્દે જાહેર મંચ પરથી કહ્યું કે બાપુનું રાજકારણ પૂરું થઈ ગયું છે છતાં તેઓ રાજકારણ રમી રહ્યાં છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ સાથે તેઓ આ મુદ્દો નક્કી કરીને જ આવ્યા હતાં. મનસુખ વસાવાએ કહ્યું હતું કે, બાપુએ જંગલની જમીનનો પ્રશ્ન કેવી રીતે ઉકેલી શકાય તેવી વાત કરવી જોઈતી હતી પરંતુ તેઓ ભીલ પ્રદેશ અને મેલુ ઉપાડવા મુદ્દે બોલ્યા હતાં. શંકરસિંહ વાઘેલાના મૂળ નિવેદનને લઈને ગુજરાતમાં રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વાઘેલાએ પોતાના નિવેદનને અનામત અને આદિવાસી અધિકારોના સંદર્ભમાં ગણાવ્યું છે અને માફી માંગવાનો ઇનકાર કર્યો છે.
‘તમે મુખ્યમંત્રી હતા ત્યારે ભીલપ્રદેશ આપી દેવો હતો’
મનસુખ વસાવાએ કહ્યું હતું કે, “બાપુએ જંગલની જમીનનો પ્રશ્ન કેવી રીતે ઉકેલી શકાય તેવી વાત કરવી જોઈતી હતી પરંતુ તેઓ ભીલ પ્રદેશ અને મેલુ ઉપાડવા મુદ્દે બોલ્યા હતાં.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “તમે મુખ્યમંત્રી હતા ત્યારે ભીલપ્રદેશ આપી દેવો હતો, તમે કેન્દ્રમાં કાપડ મંત્રી હતા ત્યારે આપી દેવો હતો.” મનસુખ વસાવાએ કહ્યું હતું કે બાપુ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.
અનંત પટેલના નિવેદન પર પણ મનસુખ વસાવાના આકરા પ્રહાર
મનસુખ વસાવાએ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના નિવેદન પર પણ આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અનંત પટેલ કહે છે કે તીર કામઠા લઈને ગાંધીનગર જઈશું અને ફોરેસ્ટ વિભાગના આરએફઓ અને ડીએફઓને લાફા વાળી કરવાની વાત એક ધારાસભ્યને શોભતી નથી. મનસુખ વસાવાએ વધુમાં કહ્યું હતું કે, “ચૈતર વસાવાને પૂછો કે અનંત પટેલની વાત માનીને કોઈકને મારવા ગયા અને આજે જેલમાં છે.”
‘હું આદિવાસી સમાજ માટે સરકાર સામે પણ બોલું છું’
મનસુખ વસાવાએ પોતાના રાજકીય કાર્યકાળ અને આદિવાસી સમાજના પ્રશ્નો અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અનંત પટેલ કહે છે કે મનસુખ વસાવાનું કોઈ સાંભળતું નથી. અરે ભાઈ 7 ટર્મથી સાંસદ છું જો મેં કામ ન કર્યા હોય તો પાર્ટી મને 7 ટર્મથી ટીકીટ ન આપે અને હું આદિવાસી સમાજ માટે સરકાર સામે પણ બોલું છું.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “હું તુષાર ચૌધરી કે અન્નત પટેલની જેમ આંગળી ઉંચી કરવા વાળો નથી. હું તો સમાજના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડીને ઉકેલ લાવવામાં માનું છું તમને શું ખબર પડે મેં જેટલું કામ કર્યું છે એટલું તમારા કોંગ્રેસના લોકોએ નથી કર્યું.”
‘આ બધું રાજકારણ છે, અસલ મુદ્દા પર કોઈએ ચર્ચા જ નથી કરી’
મનસુખ વસાવાએ આ સમગ્ર વિવાદને રાજકીય મુદ્દા સાથે જોડતા કહ્યું હતું કે, “આ બધું રાજકારણ છે અસલ મુદ્દા પર કોઈએ ચર્ચા જ નથી કરી.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “ચૂંટણીમાં ગુજરાતમાં ભાગલા પાડો અને રાજ કરો જેવી અંગ્રેજોની નીતિ પર કામ કરી રહ્યા છે.” મનસુખ વસાવાએ પોતાના રાજકીય અભિગમ અંગે કહ્યું હતું કે, “બાપુની જેમ અમે ઠોકમ ઠોક કરીને બોલવા વાળા નથી અમે નક્કર મુદ્દા લઈને ચાલીએ છે.”
ભીલપ્રદેશની માંગ પર પણ મનસુખ વસાવાનો સવાલ
ભીલપ્રદેશની અલગ રાજ્યની માંગ અંગે પણ મનસુખ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભીલપ્રદેશ મુદ્દે પહેલા તમામ વિપક્ષી નેતાઓ એક મંચ પર ભેગા થઈને એકમતે સહમત થાય. તેમણે કહ્યું હતું કે, “આપના ધારાસભ્ય ચૈતર વસાવા કેવડિયાને રાજધાની બનાવવાની માંગ કરે છે, જ્યારે રાજસ્થાનના સાંસદ માનગઢને અને મધ્ય પ્રદેશના નેતાઓ ત્યાં રાજધાની માંગે છે.” મનસુખ વસાવાએ કહ્યું હતું કે, “પહેલા એક મત પર સહમત થાવ પછી માંગ કરો. જો એકતા થાય તો હું પોતે સરકાર સામે નેતૃત્વ લેવા તૈયાર છું.”
સાગબારાનો જંગલ જમીન મુદ્દો ફરી રાજકારણના કેન્દ્રમાં
નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલની જમીન અને આદિવાસી અધિકારોનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. આ જ મુદ્દાને લઈને ખોપી ગામમાં યોજાયેલી સભામાં શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓએ હાજરી આપી હતી. આ દરમિયાન વાઘેલાના નિવેદન બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. વાઘેલાના નિવેદનમાં પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજનો ઉલ્લેખ થતાં વિવિધ સમાજના અગ્રણીઓ અને રાજકીય નેતાઓ તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી છે. બીજી તરફ વાઘેલાએ પોતાના નિવેદનનો બચાવ કરતાં કહ્યું છે કે તેમનો મુદ્દો અનામત અને આદિવાસી અધિકારો સાથે જોડાયેલો હતો.
હવે શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ મનસુખ વસાવાના પ્રહારો બાદ શું?
‘મેલું ઉપાડવા’ના નિવેદનથી શરૂ થયેલો વિવાદ હવે ભીલપ્રદેશ, આદિવાસી અધિકાર, જંગલની જમીન અને ગુજરાતના રાજકારણ સુધી પહોંચી ગયો છે. એક તરફ શંકરસિંહ વાઘેલા પોતાના નિવેદન પર મક્કમ છે, તો બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વાઘેલા સહિત વિપક્ષી નેતાઓ પર સીધા પ્રહાર કર્યા છે. હવે આ મુદ્દે શંકરસિંહ વાઘેલા, અનંત પટેલ અને ચૈતર વસાવા તરફથી મનસુખ વસાવાના આક્ષેપો અંગે શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર રહેશે. સાથે જ સાગબારા જંગલ જમીનનો પ્રશ્ન અને ભીલપ્રદેશની માંગ ગુજરાતના રાજકારણમાં આગળ કેટલો મહત્વનો મુદ્દો બને છે તે પણ જોવાનું રહેશે.