માંજલપુર પેટાચૂંટણીઃ પાટીદાર સામે OBCનો મુકાબલો
કોંગ્રેસેપૂર્વ ઉદ્યોગ મંત્રી ભીખા રબારીની પસંદગી કરી, BJPના સતીષ પટેલ સામે થશે ટક્કર

ભાજપના ઉમેદવાર સતીષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીની ફાઈલ તસવીર

ભાજપના ઉમેદવાર સતીષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીની ફાઈલ તસવીર
Congress's OBC stake in Manjalpur by-election: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે ઓબીસી દાવ ખેલ્યો છે. કોંગ્રેસે ભાજપના પાટીદાર ઉમેદવાર સામે ઓબીસી ઉમેદવારની પસંદગી કરી છે. કોંગ્રેસે પૂર્વ ઉદ્યોગ મંત્રી ભીખાભાઈ મુળજીભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા છે. યોગેશ પટેલના અવસાન બાદ ખાલી પડેલી માંજલપુર બેઠક પર 30 જુલાઈએ મતદાન થવાનું છે. બીજી તરફ ભાજપે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સહકારી આગેવાન સતીષ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. બંને પક્ષના દિગ્ગજ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ જામે તેવી શક્યતા છે.

ત્રણ વખત ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી
ભીખાભાઈ રબારીનું નામ ગુજરાતના રાજકારણમાં લાંબા સમયથી જાણીતું રહ્યું છે. તેઓ વર્ષ 1975, 1980 અને 1985માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1985થી 1989 દરમિયાન અમરસિંહ ચૌધરીની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમણે જવાબદારી સંભાળી હતી. રાજકીય અનુભવને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઘણાં લાંબા સમય બાદ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસ સંગઠનમાં લાંબી સફર
ભીખાભાઈ રબારી દાયકાઓથી કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સહિત અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. સંગઠનને મજબૂત બનાવવા ઉપરાંત તેઓ સ્થાનિક પ્રશ્નો, મોંઘવારી અને જનહિતના મુદ્દાઓ પર સક્રિય રહ્યા છે. માલધારી સમાજ સહિત વિવિધ વર્ગોમાં તેમનો સારો પ્રભાવ માનવામાં આવે છે.

'જનતાની સેવા માટે ફરી તક માંગું છું'
ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ભીખાભાઈ રબારીએ પક્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ કોર્પોરેટર, ધારાસભ્ય, વડોદરા ડેરીના ડિરેક્ટર તેમજ એમ.એસ. યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. પોતાના અનુભવના આધારે ફરી એકવાર જનતાની સેવા કરવાની તક માંગતા તેમણે મતદારોને કોંગ્રેસને સમર્થન આપવા અપીલ કરી છે.

વિપક્ષ તરીકે જનતાનો અવાજ બનવાનો દાવો
ભીખાભાઈ રબારીએ કહ્યું કે તેઓ કોઈ વ્યક્તિગત ટીકા કરવા માંગતા નથી. પરંતુ જનતાના પ્રશ્નોને અસરકારક રીતે ઉઠાવવાનું પોતાનું ધ્યેય છે. તેમણે મતદારોને વિશ્વાસ આપ્યો કે જો તેઓ ચૂંટાશે તો વિસ્તારના વિકાસ, જનહિતના પ્રશ્નો અને લોકહિતના મુદ્દાઓને મજબૂત રીતે રજૂ કરશે.
સંકલ્પ સભા બાદ ઉમેદવારી નોંધાવશે
કોંગ્રેસ દ્વારા ભીખાભાઈ રબારીના સમર્થનમાં વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે 'વિજય વિશ્વાસ સંકલ્પ સભા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સહિત અનેક આગેવાનો હાજર રહેશે. સભા પૂર્ણ થયા બાદ ભીખાભાઈ રબારી સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે.
ભાજપે સતીષ પટેલને મેદાનમાં ઉતાર્યા
ભાજપે માંજલપુર બેઠક માટે સતીષ ગોવિંદભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. ઉપરાંત છાણી ધર્માદા ટ્રસ્ટના સંચાલક તરીકે પણ તેઓ સામાજિક ક્ષેત્રે સક્રિય રહ્યા છે. ઉમેદવારી જાહેર થયા બાદ તેમણે સ્વ. યોગેશ પટેલ દ્વારા શરૂ કરાયેલા વિકાસકાર્યોને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
માંજલપુરમાં જામશે સીધી રાજકીય ટક્કર
માંજલપુર બેઠક પર ભાજપનો પરંપરાગત પ્રભાવ રહ્યો છે. પરંતુ કોંગ્રેસે અનુભવી અને સંગઠન સાથે વર્ષોથી જોડાયેલા નેતાને મેદાનમાં ઉતારતાં ચૂંટણી વધુ રસપ્રદ બની છે. હવે બંને પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવશે અને 30 જુલાઈનું મતદાન રાજકીય રીતે મહત્વપૂર્ણ બની રહેશે.
માંજલપુર બેઠક પર પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય મતદારો નિર્ણાયક
માંજલપુર બેઠક પર ભાજપના સતીષ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે મુખ્ય મુકાબલો છે. આ બેઠક પર સૌથી મોટો મતદાર વર્ગ પાટીદાર સમાજનો છે. જે ચૂંટણીમાં ઉમેદવારની જીત-હાર નક્કી કરે છે. મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ ક્ષત્રિય સમાજ બીજો સૌથી મોટો પ્રભાવશાળી વર્ગ છે. બ્રાહ્મણ અને અન્ય સામાન્ય જ્ઞાતિઓના વર્ગનું પ્રમાણ સારું છે. જે ઉમેદવારના સમર્થનમાં મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. જ્યારે દલિત અને આદિવાસી સમુદાયના મતદારો પણ નોંધપાત્ર સંખ્યામાં છે. આ ઉપરાંત મુસ્લિમ અને અન્ય પછાત વર્ગ (OBC) ના મતદારો ઉમેદવારને ચૂંટવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?