લેટર બોંબઃ જિલ્લા ભાજપ યુવા મોરચાના સંયોજકે ભ્રષ્ટાચાર મુદ્દે ઠાલવ્યો ગુસ્સો!
અમદાવાદ યુવા મોરચાના નેતાનો ગૃહમંત્રીને પત્ર "બાવળા નરકપાલિકા બની ગયું!"

ધારાસભ્ય કનુ પટેલ માત્ર સાણંદનું ધ્યાન રાખીને બાવળાની અવગણના કરતાં હોવાનો આક્ષેપ

ધારાસભ્ય કનુ પટેલ માત્ર સાણંદનું ધ્યાન રાખીને બાવળાની અવગણના કરતાં હોવાનો આક્ષેપ
ગુજરાત ભાજપમાં વધુ એક લેટર બોંબ ફૂટ્યો છે. બાવળા શહેરની અવગણના કરવામાં આવતી હોવાનો આરોપ મૂકી અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોરચાના સંયોજક જીજ્ઞેશ પંડ્યાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ ગુસ્સો ઠાલવ્યો છે. ધારાસભ્ય કનુ પટેલ માત્ર સાણંદનું ધ્યાન રાખીને બાવળાની અવગણના કરતાં હોવાથી બાવળા નગરપાલિકાના બદલે હવે ‘નરકપાલિકા’ બની ગયાનો અમિત શાહને લખેલા પત્રમાં રોષ વ્યક્ત કર્યો છે. પત્રમાં નગરપાલિકાના ભ્રષ્ટાચાર બાબતે પણ ગંભીર આક્ષેપો કર્યા છે.
ગુજરાત ભાજપના કાર્યકરોમાં કેટલાક સમયથી છૂપો અસંતોષ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં છૂપો અસંતોષ દાવાનળ બનીને બહાર આવતો હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તાર બાવળામાં ખુદ ભાજપના કાર્યકરે તંત્રની પોલ ખોલી ભ્રષ્ટાચાર બાબતે ગુસ્સો ઠાલવ્યો છે. અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોરચાના સંયોજક જીજ્ઞેશ પંડ્યાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી બાવળા શહેરના વિકાસ અને નગરપાલિકાના ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો છે. જીજ્ઞેશ પંડ્યાએ લખેલો આ પત્ર વાયરલ થતાં ભાજપના નેતાઓમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
અમિત શાહને પાઠવેલા 4 પાનાના પત્રમાં તેમણે જણાવ્યું છે કે, છેલ્લાં 10 વર્ષથી બાવળામાં વિકાસ અટકી ગયો છે. બાવળા નગરપાલિકામાં 10 વર્ષ પહેલાં કોંગ્રેસીકરણ થયું હતું તેના પરિણામ આજે નાગરિકોને ભોગવવા પડી રહ્યા છે. નગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાથી બાવળા નગરપાલિકા જાણે "નરકપાલિકા" બની ગઈ હોવાનો આરોપ મૂક્યો છે. જ્યાં રોડ-રસ્તા, પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
બાવળા નગરપાલિકામાં ટેન્ડરોમાં 40 થી 50 ટકા કમિશન લેવાતું હોવાનો, સ્થાનિક નેતાઓ ગૃહમંત્રીના નામનો દુરુપયોગ કરી "રબર સ્ટેમ્પ" પ્રમુખોની નિમણૂક કરતો હોવાનો તેમજ પાયાના કાર્યકરો અને જનતાની રજૂઆતોને દબાવી દેવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
બાવળા શહેરની સ્થિતિમાં સુધારો લાવવા માટે જીજ્ઞેશ પંડ્યાએ ગૃહમંત્રીને બાવળાના વોર્ડ નંબર 1 થી 7 માં રોડ-શો, બાઈક રેલી અથવા પદયાત્રા કરવા વિનંતી કરી છે. લોકોની સમસ્યાઓનું નિરાકરણ આવે અને ભ્રષ્ટાચાર અટકે એ હેતુથી પત્ર લખવામાં આવ્યો હોવાનો તેમણે દાવો કર્યો છે.
સાણંદના ભાજપના ધારાસભ્ય કનુ પટેલ સામે બાવળાની અવગણના કરાતી હોવાનો આક્ષેપ કરી તેઓ માત્ર સાણંદ વિસ્તારમાં પૂરતું ધ્યાન આપી રહ્યા હોવાનું જણાવ્યું છે. પાંચ વર્ષથી ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ નહી આવતાં અમિત શાહને રજૂઆત કરવી પડી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ચંદ્રકાંત પટેલ, કનુ પટેલ અને અન્ય સ્થાનિક નેતાઓ ધ્યાન આપતાં નથી. પાલિકામાં લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરવા છતાં હજુ સુધી કોઈ હલ આવ્યો નથી.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન અને ગૃહમંત્રીને બાવળા વિસ્તારના લોકો પૂરો સાથ સહકાર આપે છે. લોકોનો વિરોધ માત્ર સ્થાનિક નેતાઓ અને હોદ્દેદારો સમક્ષ હોવાનું જણાવી વરસાદી પાણી ભરાવાના કારણે પડી રહેલી હાલાકીના કારણે ગૃહમંત્રીને રજૂઆત કરવી પડી છે. રોડ રસ્તા, વરસાદી પાણી, ભ્રષ્ટાચાર, કમિશન બાજી અને દારૂના અડ્ડાઓ વિરુદ્ધની લડતમાં આ પત્ર લખવાની જરૂર પડી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતાં બાવળા શહેરના વિકાસ અને ભ્રષ્ટાચારના મુદ્દે જિલ્લા ભાજપ યુવા મોરચાના સંયોજકે ગુસ્સો ઠાલવતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા

દિલ્હીની SIR પ્રક્રિયામાં અચાનક VVIPના નામો કેમ સામે આવ્યા?

જમુઈમાં નાબાલિગ વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે રસ્તા પર એવું શું બન્યું કે વીડિયો વાયરલ થતાં બિહારનું રાજકારણ ગરમાયું?