વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ કેજરીવાલ અને સંજયસિંહે સવાલ ઉઠાવ્યો હતો. આ નિવેદન મામલે યુનિવર્સિટીની બદનક્ષી થઈ હોવાનો દાવો કરી ગુજરાત યુનિવર્સિટીએ અમદાવાદની મેટ્રો કોર્ટમાં આપના બંને નેતાઓ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો. બંને સામે ચાર્જ ફ્રેમ થઈને સાહેદો તપાસવાના સ્ટેજ ઉપર કેસ પહોંચ્યો છે ત્યારે કેજરીવાલ અને સંજયસિંહે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી છે.
વર્ષ 2023માં ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં માનહાનીનો દાવો દાખલ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી ઉપર સવાલ ઉઠાવતાં બંને નેતાએ ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હાલમાં બંને નેતા સામે મેટ્રો કોર્ટમાં ચાર્જ ફ્રેમ થઈ ગયો છે અને કેસ સાહેદો તપાસવાના સ્ટેજ ઉપર છે.
અરવિંદ કેજરીવાલે પોતાની અને સંજયસિંહની અલગ-અલગ ટ્રાયલ ચલાવવા મેટ્રો કોર્ટ સમક્ષ અરજી કરી હતી. જે અરજીને કોર્ટે નકારી દેતા અમદાવાદ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી છે. સંજયસિંહે તેમની સામે થયેલા ચાર્જફ્રેમ સામે રજૂઆતની પૂરતી તક ન અપાઈ હોવાની રજૂઆત સાથે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી છે. બંનેએ રિવિઝન અરજી દાખલ કરવામાં મોડું કર્યું છે. જો કે, ન્યાયના હિતમાં બંને અરજીને સાંભળવાની મંજૂરી આપી કોર્ટે બંને નેતાઓને 10-10 હજાર રૂપિયા યુનિવર્સિટીને ચુકવવા હુકમ કર્યો છે.
અરવિંદ કેજરીવાલે મેટ્રો કોર્ટના નિર્ણય સામે 308 દિવસ મોડા અરજી કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ EDના કેસનો સામનો કરી રહ્યા હોવાથી જેલમાં પણ રહ્યા હતા. આમ આદમી પાર્ટીના સંયોજક હોવાથી લોકસભા અને દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીઓમાં પણ પ્રચાર કર્યો હતો. તેઓ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારીથી પીડિત હોવાથી મોડી કરવાના સમયને માફ કરી અરજી ગ્રાહ્ય રાખવાની માગણી કરી છે.
સંજયસિંહે રજૂઆત કરી છે કે તેમના તરફથી 346 દિવસ જેટલી મોડી અરજી કરવામાં આવી છે. પરંતુ મેટ્રો કોર્ટમાં તેમની સામે થયેલા ચાર્જ ફ્રેમમાં રજૂઆતની પૂરતી તક મળી નથી. તેઓ અમુક સમય જેલમાં રહ્યા હતા. તેઓ આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ છે. તેથી તેઓ સંસદ સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. 2024 લોકસભા ચૂંટણી પ્રચારમાં ગયા હતા. તેઓ વકફ બિલ ઉપર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિશનના સભ્ય છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પણ ગયા હતા. તેમને પૂરતો સમય નહી મળતાં અરજીના વિલંબને નજર અંદાજ કરી રિવિઝન અરજી ગ્રાહ્ય રાખવા રજૂઆત કરી છે.
ગુજરાત યુનિવર્સિટીના વકીલે બંનેની અરજીનો વિરોધ કરતી દલીલો કરી હતી કે બંને પાસે મેટ્રો કોર્ટના હુકમ બાદ પડકારવા પૂરતો સમય હતો. પરંતુ બંનેએ સમય વ્યતિત કર્યો હતો. બંને નેતાઓની કોશિષ યુનિવર્સિટીના બદનક્ષી કેસની ટ્રાયલને વિલંબિત કરવાની છે. સેશન્સ કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી નોંધ્યું છે કે કોર્ટે ન્યાયના હિતમાં નિર્ણય લેવો જોઈએ. તેથી મોડી કરાયેલી અરજીના સમયને માફ કરી બંને નેતાઓને યુનિવર્સિટીને રૂપિયા 10-10 હજાર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો.