જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે ભડકો
પ્રમુખ અમિત પટેલ પર ગેરરીતિના આક્ષેપો, પક્ષપલટાની ચીમકીથી રાજકારણ ગરમાયું

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Junagadh Congress Fund Scam: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસનું આંતરિક રાજકારણ ગરમાયું છે. પક્ષના ઉમેદવારો અને સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારો વચ્ચે ચૂંટણી ફંડની વહેંચણીને લઈને શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશ આરદેસણા સામે પક્ષ તરફથી મળવાપાત્ર નાણાં ચાઉં કરી જવાના તેમજ કાર્યકર્તાઓ પાસેથી ખોટી રીતે ઉઘરાણું કરવાના ગંભીર આક્ષેપો પક્ષના જ આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે. આ આંતરિક જૂથબંધીને કારણે કોંગ્રેસમાં ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ સર્જાઈ છે અને નારાજ નેતાઓએ આ અંગે પ્રદેશ પ્રમુખ સુધી લેખિતમાં રજૂઆતો મોકલી છે.
‘પ્રદેશમાંથી આવેલું 25 હજારનું ફંડ પ્રમુખ ઓહિયા કરી ગયા’
મેંદરડા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધીરુ કુંભાણીએ સંગઠનના માળખા સામે ગંભીર સવાલો ઉઠાવતા આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકોના ખર્ચ પેટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તાલુકા અને શહેર પ્રમુખો માટે 25-25 હજાર રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ તમામ રકમ નિયમ મુજબ સીધી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ખાતામાં જમા થઈ હતી, જે આગળ વહેંચવાની હતી. ધીરુભાઈનો આરોપ છે કે તેમને તેમજ અન્ય ચાર થી પાંચ તાલુકા પ્રમુખોને આ રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી. તેમણે આ નાણાં તાત્કાલિક પ્રદેશ સમિતિમાં અથવા જૂનાગઢ કાર્યાલયમાં જમા કરાવવા માંગ કરી છે અને સાચી પરિસ્થિતિ રજૂ કરવા પ્રદેશ પ્રમુખ સાથે રૂબરૂ મુલાકાત માંગી છે.
‘વિવાહનો માલ વરસીમાં કામ આવે તેવી રીતે છેલ્લી ઘડીએ પૈસા આપ્યા’
કણઝા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડેલા કોંગ્રેસના ઉમેદવાર ભીમસિંહ ભેટારિયાએ પણ તાલુકા અને જિલ્લા નેતૃત્વ સામે મોરચો ખોલ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વંથલી તાલુકા પ્રમુખ ગિરીશ આરદેસણાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરો સામે રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. વધુમાં, જિલ્લા પ્રમુખ અમિત પટેલે પક્ષ તરફથી આવેલું ચૂંટણી ફંડ સમયસર આપવાને બદલે છેલ્લી ઘડીએ બે કટકે 50-50 હજાર રૂપિયા કરીને આપ્યું હતું, જેમાંથી છેલ્લો ચેક છેક 12 તારીખે મળ્યો હતો. ભીમસિંહે કટાક્ષ કર્યો કે નેતાઓએ 'વિવાહનો માલ વરસીમાં કામ આવે' તેવો ઘાટ સર્જ્યો હતો. તેમણે વંથલી કાર્યાલયના ભાડા માટે પોતે 5,000 રૂપિયા આપ્યા હોવા છતાં કાર્યાલય બંધ હોવા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.
‘અમિત પટેલ પક્ષનું ફંડ પોતાના ઘરના વહીવટ માટે વાપરી ગયા’
જૂનાગઢ ગ્રામ્યના તાલુકા પ્રમુખ મહેશ વઘાસિયાએ જિલ્લા પ્રમુખ અમિત પટેલ ઠુમ્મર પર સીધો પ્રહાર કરતા તેમને પૈસાના લાલચુ ગણાવ્યા છે. મહેશભાઈએ આરોપ લગાવ્યો છે કે, "મેં મારો ધંધો-રોજગાર અને ખેતી બંધ રાખીને પક્ષ માટે રાત-દિવસ મહેનત કરી, પરંતુ પ્રદેશમાંથી આવેલું ફંડ મને મળ્યું જ નથી. અમિત પટેલ પક્ષના નાણાં પોતાના ઘરના વહીવટ માટે વાપરી રહ્યા છે." તેમણે ઉમેર્યું કે કેશોદના ભરત લાડાણી અને વિસાવદરના કરસન રીબડિયા સહિતના અન્ય પ્રમુખોને પણ ફંડથી વંચિત રાખવામાં આવ્યા છે. જો આ મામલે તાત્કાલિક ન્યાય નહીં મળે, તો તેઓ કોંગ્રેસનું કામ બંધ કરી દેશે અને આગામી સમયમાં પક્ષપલટો કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
જિલ્લા પ્રમુખે તમામ આક્ષેપો નકાર્યા
બીજી તરફ, આ તમામ ગંભીર અને સળગતા આક્ષેપો અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે પોતાનો બચાવ કરતા તમામ આરોપોને સદંતર ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે પક્ષના નિયમો અને આદેશ અનુસાર તમામ સત્તાવાર હોદ્દેદારોના ખાતામાં ફંડની રકમ યોગ્ય રીતે જમા કરાવી દેવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની નાણાકીય ગેરરીતિ થઈ નથી. ધીરુભાઈ કુંભાણીના આક્ષેપોનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે, ધીરુભાઈ હાલમાં મેંદરડા તાલુકા પ્રમુખ પદ પર છે જ નહીં, કારણ કે પક્ષ દ્વારા અગાઉથી જ ત્યાં જ્વલિત બુસાની સત્તાવાર નિમણૂક કરી દેવામાં આવી છે. જિલ્લા પ્રમુખે સંગઠનમાં બધું બરાબર હોવાનો દાવો કર્યો હોવા છતાં, અસંતુષ્ટ નેતાઓનો ઉગ્ર રોષ જોતા જૂનાગઢ કોંગ્રેસની આ આંતરિક લડાઈ પ્રદેશ હાઈકમાન્ડ અને ગાંધીનગર સુધી પહોંચે તેવા પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?