જવાહર ચાવડાનો પીએમ મોદીને ખુલ્લો પત્ર, શું જવાહર ચાવડા ભાજપ છોડવાનો રસ્તો શોધે છે ?
ભાજપના બેવડા ધોરણ ખુલ્લા પાડતા ચાવડા

file photo

file photo
સુરેશ વણોલ,
જૂનાગઢ જિલ્લામાં ભાજપનો આંતરિક જૂથવાદ વકર્યો છે. લોકસભા ચૂંટણી બાદ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પક્ષમાં રહીને વિદ્રોહ શરૂ કર્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથેના ગજગ્રાહ બાદ જવાહર ચાવડાએ વડાપ્રધાનને પત્ર લખી નવો વિવાદ શરૂ કર્યો છે. પત્રમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ સામે ગંભીર આક્ષેપ કરતા વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
જવાહર ચાવડાએ કવિ કાગની ઉક્તિઓ સાથે પત્ર લખી જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પક્ષના એક વ્યક્તિ એક હોદ્દાના નિયમ અંગે પોતાની વ્યથા ઠાલવી છે. તેમણે લખ્યું છે કે સત્યનો હંમેશા વિજય થાય છે આ કથા છે જુનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની, આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે. પરંતુ જૂનાગઢ તેમાં અપવાદ છે.
જવાહર ચાવડાએ ઉમેર્યુ છે કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ નવ વર્ષથી હોદ્દા પર રહી તેનો દુરૂપયોગ કરીને બીજા સ્થાન પ્રાપ્ત કર્યા છે. તેઓ એક સાથે ત્રણ હોદ્દા ભોગવે છે. જિલ્લા પ્રમુખ, બેન્કમાં પ્રમુખ અને માર્કેટયાર્ડમાં પ્રમુખ (સત્તાના દુરૂપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં નહી જોવા મળે).
બે જિલ્લાના ત્રણ તાલુકાના માર્કેટયાર્ડમાં પ્રમુખપદ ભોગવ્યું. તાલાળા વિસાવદર અને જૂનાગઢ. કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમલોલ ચાલ્યુ હશે અને પ્રમુખપદની મ્યુચ્યુલ ટ્રાન્સફર પણ કરી. (આ અસંભવ છે પરંતુ સત્તાના દુરૂપયોગ પર હથોટી હોય અને ચડી બેસવાની વૃતિ હોય તો જ આ બને).
તેમણે વધુમાં લખ્યુ કે આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા છે. કેટલાક તો એકસાથે ભોગવ્યા. વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરીને ચરમસીમા વટાવી છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો કનુભાઈ ભાલાળા, ઠાકરશીભાઈ જાવિયા, માધાભાઈ બોરીચા વગેરેએ વખતો વખત ફરીયાદ કરી હોવા છતાં આપના સમક્ષ વાત પહોંચી નથી. ક્યાંક કોઇ રહેમ નજર હેઠળ દબાઇ જાય છે.
આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે. કારણકે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને નીચું જોવુ પડે એવા કૃત્યો કર્યા છે. આમ તો આ લીસ્ટ લાંબુ છે. પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જુનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે.
1.જિલ્લા પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપ કાર્યાલયનું બાંધકામ પણ નિયમો નેવે મૂકીને કરેલું છે જે આપને કદાપિ સ્વીકાર્ય નહી થાય.
2.જૂનાગઢની જનતાને અભૂતપૂર્વ પૂરની આફતમાં સંડોવનાર કારણોમાં એક વોકળા પરના દબાણોમાં જનાબ શિરમોર છે. એમના દ્વારા નિર્મિત ક્રિષ્ના આર્કેડ એટલે ખોટી મંજૂરી, ખોટું બાંધકામ અને કાયમી દબાણ.
પત્રમાં છેલ્લે લખ્યું છે કે અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવું ? પ્રજાનો સામનો કેમ કરવો ? તેમણે અગાઉ કરેલી પાંચ ફરિયાદની કોપીઓ પણ વડાપ્રધાનને મોકલી છે.
અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા સામે આક્ષેપ કર્યા હતા
માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ વિજયી બનેલા ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખી જવાહર ચાવડા સામે આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી દરમ્યાન જવાહર ચાવડાના દીકરા રાજ ચાવડાએ નૂતન જિનિંગ મિલમાં મિટિંગ કરી ભાજપ વિરુદ્ધ અને કૉંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. આ પત્રમાં તેમણે જવાહર ચાવડાના ભાજપના નિકટના કાર્યકર્તાઓના નામનો ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ચૂંટણી જીત્યા બાદ મતદાતાનો આભાર માનતા જાહેર મંચ પરથી જવાહર ચાવડાનું નામ લીધા વગર કહ્યું હતું કે ભાજપ વિરુદ્ધ કામ કરનારાએ સમજવું જોઈએ કે એમનું અસ્તિત્વ ભાજપથી છે. ત્યારબાદ જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાનું નામ લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયોના માધ્યમથી તેમને જવાબ આપ્યો હતો. તેમણે વીડિયોમાં દાવો કર્યો હતો કે ભાજપ સિવાયની મારી એક ચોક્કસ ઓળખ હતી અને મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ ચીપકાવી દીધી છે.
કોણ છે જવાહર ચાવડા?
જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડાનું સૌરાષ્ટ્રના આહીર સમાજમાં ઘણું વર્ચસ્વ હતુ. જામનગર, જૂનાગઢ અને પોરબંદર બેઠકો પર આહીર મતદાતા વધુ છે. મૂળ કોંગ્રેસી જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા જૂનાગઢ અને પોરબંદરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. પેથલજીની શાખના કારણે જવાહર ચાવડા નાની ઉંમરમાં 1990માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. 2019માં જવાહર ચાવડા ભાજપમાં જોડાતા જ કેબિનેટ મંત્રી બન્યા. ભાજપમાં જોડાયા બાદ 2019ની પેટા ચૂંટણીમાં તેમના ચેલા અરવિંદ લાડાણીએ ટક્કર આપતાં ચાવડા પાતળી બહુમતીથી જીત્યા હતા. પરંતુ, 2022માં જવાહર ચાવડાને લાડાણીએ હરાવ્યા પછી જવાહર ચાવડા ભાજપમાં તડકે મૂકાઈ ગયા છે. લાડાણી કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા અને જવાહર ચાવડાને બદલે લાડાણીને ટિકિટ અપાઈ. પેટા ચૂંટણીમાં જીત્યા પછી અરવિંદ લાડાણીએ ખુલ્લો પત્ર લખી જવાહર ચાવડા સામે ભાજપ વિરુદ્ધ કામ કર્યાના આરોપ કર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની હેટ્રિક, પણ બેઠકો 41થી ઘટીને 38! કોંગ્રેસે વધારી તાકાત, જ્યારે AAPનું ખાતું પણ ન ખૂલ્યું!