જામનગર ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે ભારે વિવાદ
જામનગર મનપાની 56 માંથી 21 આયાતી ઉમેદવારોને ટિકિટ, ભાજપમાં કાર્યકરોમાં અસંતોષ ઉગ્ર બન્યો

જામનગર શહેર ભાજપ કાર્યાલયની ફાઈલ તસવીર

જામનગર શહેર ભાજપ કાર્યાલયની ફાઈલ તસવીર
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને આંતરિક અસંતોષ સામે આવ્યો છે. પક્ષના જૂના અને સમર્પિત કાર્યકરો દ્વારા શહેર સંગઠનની કાર્યપદ્ધતિ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મૂળ ભાજપના નામે લખાયેલા એક નનામા પત્રમાં શહેર સંગઠન પર ગંભીર આક્ષેપો કરી તેની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓને મોકલવામાં આવી છે. આ પત્રમાં પક્ષના સમર્પિત અને પાયાના કાર્યકરોએ શહેર સંગઠનની કાર્ય પદ્ધતિ અને ટિકિટ ફાળવણી સામે બગાવતનો સૂર છેડ્યો છે.
આક્ષેપ એવો છે કે, જાહેર કરાયેલા 56 ઉમેદવારોમાંથી મોટાભાગના આયાતી ઉમેદવારો છે. મનપાના 18 ઉમેદવારો કોંગ્રેસમાંથી, જ્યારે કેટલાક ઉમેદવારો અન્ય પક્ષોમાંથી જોડાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘણા ઉમેદવારો સક્રિય સભ્ય પણ ન હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી છે.
6 પેજના પત્રમાં ઉમેદવારો અને સંગઠનના નેતાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, 18 ઉમેદવારો કોંગ્રેસમાંથી આવેલા છે. 3 ઉમેદવારો 'આપ' અથવા શિવસેનામાંથી આયાત કરાયેલા છે. 14 ઉમેદવારો એવા છે જે પક્ષના સક્રિય સભ્યો પણ નથી. 22 ઉમેદવારો જે-તે વોર્ડના રહીશ ન હોવા છતાં તેમને ટિકિટ અપાઈ છે.
આ ઉપરાંત પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, કોંગ્રેસની ગુંડાગીરી સામે ભાજપના જે કાર્યકરો આજીવન લડ્યા હતા, આજે તેમના પાપ ધોવા માટે અને તેમના ઝંડા ઉઠાવવા માટે મૂળ કાર્યકરોને આદેશ આપવામાં આવી રહ્યા છે.

ભાજપના નારાજ કાર્યકરોએ પક્ષમાં ચાલી રહેલા બેવડા ધોરણો સામે પણ સવાલ ઉઠાવ્યા છે. પત્રમાં આક્ષેપ કરાયો છે કે પક્ષના વરિષ્ઠ અને વફાદાર કાર્યકર્તાઓને 'ઉંમર અને ટર્મની મર્યાદા' જેવા નિયમો બતાવીને ઘરે બેસાડી દેવાયા છે. બીજી તરફ, અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓના ભત્રીજાઓ અને સગા-સંબંધીઓને ટિકિટ આપીને પક્ષમાં 'નવો પરિવારવાદ' ઉભો કરવામાં આવ્યો છે.

સંગઠનની વર્તમાન સ્થિતિને કાર્યકરોએ 'ખાનગી પેઢી' સાથે સરખાવી છે. શહેર પ્રમુખ અને તેમની ટીમ સામે આક્ષેપ કરતાં જણાવાયું છે કે સંગઠનમાં નિષ્ઠાવાન કાર્યકરોને બદલે કોર્પોરેશનના મોટા કોન્ટ્રાક્ટરો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોનો પ્રભાવ વધી ગયો છે.

શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા કોર્પોરેશનના સિક્યુરિટી કોન્ટ્રાક્ટર છે. અન્ય એક મહામંત્રી મૃગેશ દવે પર 'બોગસ તબીબ' તરીકે પ્રેક્ટિસ કરવાના ગંભીર આક્ષેપો થયેલા છે તેમજ ભૂતકાળમાં સસ્પેન્શનની કાર્યવાહી થઈ હોવાનો ઉલ્લેખ છે. ભાવેશ ઠુમ્મર સામે ખોટું આધારકાર્ડ રજૂ કરવાના મામલે શિસ્તભંગના પગલાં લેવાયા હોવા છતાં તેમને જવાબદારી સોંપાઈ છે.

નારાજ કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો સંગઠનમાં તાત્કાલિક ધરખમ ફેરફાર કરવામાં નહીં આવે અને 'ભ્રષ્ટ' સંગઠનનું વિસર્જન નહીં કરાય તો પાયાના કાર્યકરો નિષ્ક્રિય થઈ જશે. પત્રના અંતે લખ્યું છે કે, અમે પક્ષના શિસ્તબદ્ધ સૈનિક છીએ એટલે અત્યાર સુધી મૌન રહ્યા પણ હવે મૌન રહીશું તો એ પક્ષ પ્રત્યેની ગદ્દારી ગણાશે. આ મામલે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌ કોઈની નજર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?