સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી સંદર્ભે 4 ફેબ્રુઆરીએ હરીફ ઉમેદવારોની યાદી જાહેર થઈ જતાં રાજકીય પક્ષોએ પ્રચાર કાર્ય શરૂ કર્યુ છે. 10 દિવસના ટૂંકા ગાળાના પ્રચાર માટે ભાજપે 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં એક સમયે લાખોની મેદની એકઠી કરતાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરાતા આશ્ચર્ય સર્જાયુ છે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે રાજ્ય ચૂંટણી આયોગને સ્ટાર પ્રચારકોની યાદી આપી છે. 4 ફેબ્રુઆરીએ સોંપેલી યાદીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પુરૂષોત્તમ રૂપાલા, ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા, સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયા, ઓબીસી મોરચાના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ મયંક નાયક, મહિલા મોરચા પ્રમુખ દીપિકા સરડવા, મહિલા મોરચાના મહામંત્રી સીમા મોહિલે, ધારાસભ્ય ઉદય કાનગડ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો સમાવેશ કરાયો છે. જ્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બાદબાકી કરાઈ છે.
કોંગ્રેસે પણ 20 સ્ટાર પ્રચારકો જાહેર કર્યા
કોંગ્રેસે પણ 20 સ્ટાર પ્રચારકોની યાદી બનાવીને ચૂંટણી આયોગને સોંપી છે. જેમા ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ, ધારાસભ્ય શૈલેષ પરમાર, પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી, રામકિશન ઓઝા, ઉષા નાયડુ, સુહાસિની યાદવ, ભૂપેન્દ્ર મારાવી, સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈ, પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિક, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ગ્યાસુદ્દીન શેખ, ડો.તુષાર ચૌધરી અને પુંજા વંશનો સમાવેશ કરાયો છે.