વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની નવમી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ-રોડમેપ તૈયાર કર્યો છે.
‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ એમ બે મુખ્ય પિલ્લર પર આધારિત રોડમેપથી લોકોના જીવનને બહેતર બનાવવાનાં અને તેમની સમૃદ્ધિને અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવવાનાં લક્ષ્યો સાથે રાજ્ય સરકાર આગળ વધવા માંગે છે.
મુખ્યમંત્રીએ આ લક્ષ્યો સુઆયોજિત અને સુવ્યવસ્થિત રીતે સિદ્ધ કરવા માટે થિંક ટેંક તરીકે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સ્ફોર્મેશન(GRIT)ની સ્થાપના કરવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, દેશની જનસંખ્યાના પાંચ ટકા વસ્તી ધરાવતા ગુજરાતે વર્ષ 2022-23માં GDPમાં 8.3 ટકાનું યોગદાન આપ્યું છે.
જ્યારે દેશની અર્થવ્યવસ્થામાં ગુજરાત 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનવાની નેમ સાથે આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની સિદ્ધિઓ અને ભવિષ્યના વિઝન માટે લેવાઈ રહેલા આયોજનોની ભૂમિકા બેઠકમાં આપી હતી.
જાન્યુઆરી-2024માં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાતે સેમિકન્ડક્ટર સેક્ટરમાં આત્મનિર્ભરતાની દિશામાં મોટું કદમ ભર્યું છે તેનો લાભ સમગ્ર દેશ અને વિશ્વને થશે. એટલું જ નહીં, ગુજરાતમાં દેશની પ્રથમ સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન થશે.
તેમણે ઉમેર્યુ કે વિકસિત ભારત@2047 માટે જરૂરી સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા સેમિકન્ડક્ટર્સ, બ્લોકચેઈન અને એઆઈ વગેરે જેવા ક્ષેત્રોમાં યુવા પેઢીને યોજનાના માધ્યમથી તાલીમબદ્ધ કરવાના પ્રયાસો પર રાજ્ય સરકારે ફોકસ કર્યું છે.
વડાપ્રધાને આપેલા ગ્રીન ગ્રોથના વિચારને સાકાર કરવાની દિશામાં સોલાર રૂફટૉપ સ્કીમનાં વ્યાપક અમલ અને કચ્છમાં નિર્માણાધીન વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક દ્વારા ગુજરાત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
રાજ્ય સરકારે એગ્રીકલ્ચર અને નોન એગ્રીકલ્ચર એમ બંને સેક્ટરને સમાન મહત્વ આપ્યું છે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનો વૈશ્વિક નિકાસની માંગને અનુરૂપ બનાવ્યા છે.
રાજ્યમાં 43 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે તેમાંથી 9 લાખ જેટલા ખેડૂતો 7 લાખ એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેની પણ વિગતો આપી હતી.