રાજ્યસભાની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ
ઈતિહાસમાં પ્રથમવાર રાજ્યસભા ગૃહ ગુજરાત કોંગ્રેસ મુક્ત બન્યું, તમામ 11 બેઠકો ભાજપ પાસે

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Gujarat Rajya Sabha Elections: ગુજરાતના સંસદીય ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી (BJP) ના ચારેય ઉમેદવારો સત્તાવાર રીતે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાની મુદત પૂર્ણ થતાં જ વિપક્ષ તરફથી કોઈ ઉમેદવાર મેદાનમાં ન હોવાને કારણે ચૂંટણી અધિકારીએ આ જાહેરાત કરી હતી. આ ઐતિહાસિક ઘટના સાથે જ હવે 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીની કોઈ જરુર રહેતી નથી. ગુજરાતના ઈતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યારે રાજ્યસભામાં કોંગ્રેસનો એકપણ સાંસદ નહીં હોય, અને રાજ્યની તમામ 11 બેઠકો પર ભાજપનું એકહથ્થુ શાસન સ્થપાયું છે.
આ રીતે ભાજપના ચારેય ઉમેદવાર બન્યા બિનહરીફ
ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે એટલું પ્રચંડ સંખ્યાબળ છે કે વિરોધ પક્ષો પાસે જીતવાની કોઈ તક જ નહોતી. 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં સત્તાધારી ભાજપ પાસે 161 ધારાસભ્યોનું તોતિંગ બળ છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 અને આમ આદમી પાર્ટી (AAP) પાસે 5 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આ જ ગણિતને કારણે કોંગ્રેસ અને આપ (AAP) એ પોતાના ઉમેદવારો ન ઉતારવાનો વ્યવહારુ નિર્ણય લીધો હતો. પરિણામે, ભાજપ તરફથી ફોર્મ ભરનારા રાજેશ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝારિયાને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટમાંથી કોંગ્રેસનો એકપણ સભ્ય ન હોય તેવું પ્રથમવાર બન્યું છે, જે જનતાના ભરોસાની જીત છે.
માનસિંહ પરમાર: યુવા મોરચાથી સંસદ સુધીની સફર
OBC કેટેગરી અને કારડિયા રાજપૂત જ્ઞાતિમાંથી આવતા 45 વર્ષીય માનસિંહ પરમાર પાયાના કાર્યકર તરીકે જાણીતા છે. B.E. (Chemical Engineering) અને LLB નો અભ્યાસ કરનાર માનસિંહ પરમાર હાલ ભાજપ બક્ષીપંચ મોરચા ગુજરાત પ્રદેશમાં સક્રિય છે. ગીર સોમનાથના વતની એવા પરમારે 1999 થી 2004 સુધી ABVP ના સક્રિય કાર્યકર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ 2005-2007 માં સુત્રાપાડા તાલુકા ભાજપ યુવાના પ્રમુખ અને 2010-2012 માં ગુજરાત રાજ્ય ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ રહ્યા હતા. 2015 થી 2020 સુધી ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સભ્ય અને 2020 માં જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા હતા. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં તાલાલા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા પરંતુ પરાજય થયો હતો. તેઓ તાલાલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમારના સગા ભત્રીજા છે. રાજ્યસભાના સાંસદ બન્યા બાદ તેમણે જણાવ્યું કે, એક સામાન્ય કાર્યકર્તાને પક્ષે ઉચ્ચ સદન સુધી પહોંચવાની તક આપી તે ભાજપની કાર્યકર્તા કેન્દ્રિત વિચારધારા દર્શાવે છે.
ડૉ. મુકેશ રાઠવા: આદિવાસી વિસ્તારનો ભણેલો-ગણેલો ચહેરો
છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામના વતની 39 વર્ષીય ડૉ. મુકેશ રાઠવા પક્ષનો મોટો આદિવાસી ચહેરો છે. તેઓ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેમાં PhD, LLB, MA અને MEd નો સમાવેશ થાય છે. અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાંથી આવતા ડૉ. રાઠવા હાલ છોટાઉદેપુર જિલ્લા ભાજપના મહામંત્રી છે. તેમની રાજકીય સફર RSS થી શરૂ થઈ હતી, જ્યાં તેમણે 2001 થી 2012 સુધી 11 વર્ષ સુધી અલગ-અલગ જવાબદારીઓ સંભાળી હતી. ત્યારબાદ 2014 થી 2020 સુધી છોટા ઉદેપુર યુવા મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે 2 ટર્મ કામ કર્યું. 2021 થી 2025 સુધી તેઓ ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સુરત અને વડોદરા મહાનગરના પ્રભારી રહ્યા હતા. વર્ષ 2018 થી 2026 દરમિયાન તેમણે અલગ-અલગ 6 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પ્રચારની મહત્વની જવાબદારી નિભાવી છે. સાંસદ બનતા જ તેમણે આદિવાસી વિસ્તારના પ્રતિનિધિત્વને પોતાના માટે ગૌરવની બાબત ગણાવી હતી.
જીતેન્દ્ર કણઝારીયા: પિતાના રાજકીય વારસાને આગળ ધપાવશે
ખંભાળિયાના વતની 39 વર્ષીય જીતેન્દ્ર કણઝારીયા અન્ય પછાત વર્ગ (OBC) માંથી આવે છે અને સતવારા જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરે છે. શૈક્ષણિક રીતે ટેકનોસેવી એવા જીતેન્દ્ર કણઝારીયાએ MCA અને B.Com સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. તેમના દિવંગત પિતા મેઘજી કણઝારીયા પણ ખંભાળિયા બેઠકના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વિસ્તારમાં મોટું નામ ધરાવતા હતા, જેમના વારસા અને સંગઠનની શક્તિને ધ્યાને રાખી પક્ષે જીતેન્દ્ર કણઝારીયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
રાજુ શુક્લા: RSS ની પાઠશાળામાંથી સંસદના દરવાજા સુધી
જનરલ કેટેગરીમાંથી આવતા બ્રાહ્મણ ચહેરો 62 વર્ષીય રાજેન્દ્ર (રાજુ) શુક્લા કડીના વતની છે અને હાલ ગાંધીનગરમાં રહે છે. M.Com. અને LLB નો અભ્યાસ કરનાર રાજેન્દ્ર શુક્લા હાલ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રભારી તરીકે કાર્યરત છે. ભૂતકાળમાં તેઓ કડી નગરપાલિકાના પ્રમુખ, મહેસાણા ભાજપ જિલ્લાના મહામંત્રી અને અરવલ્લી જિલ્લા ભાજપના પ્રભારી રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ના પૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ સંઘની વિચારધારા સાથે મજબૂત રીતે જોડાયેલા છે અને RSS ના તાલીમી વોલેન્ટિયર-નગર કાર્યવાહ પણ રહી ચૂક્યા છે, સાથે જ વિદ્યાભારતી કડી અને ગાંધીનગર સંકુલના ટ્રસ્ટી તરીકે શિક્ષણ ક્ષેત્રે પણ કાર્યરત છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનો આભાર માનતા રાષ્ટ્રસેવા અને પક્ષની વિચારધારાને સાર્થક કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે.
જાણો કેવી રીતે થાય છે રાજ્યસભાની ચૂંટણીની ગણતરી?
રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા દેશની સામાન્ય લોકસભા કે વિધાનસભા ચૂંટણી કરતાં તદ્દન અલગ છે. રાજ્યસભા એક કાયમી ગૃહ છે, જે ક્યારેય સંપૂર્ણપણે બરખાસ્ત થતું નથી. તેના બદલે દર 2 વર્ષે તેના 1 તૃતીયાંશ (1/3) સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલી જ બેઠકો પર ફરી ચૂંટણી યોજાય છે. સંસદના આ ઉચ્ચ સદનની કુલ બેઠકોની સંખ્યા 245 છે, જેમાંથી 233 સભ્યો પરોક્ષ રીતે રાજ્યોના ધારાસભ્યો દ્વારા ચૂંટાય છે, જ્યારે 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કલા, વિજ્ઞાન, અને સાહિત્ય જેવા ક્ષેત્રોમાંથી કરવામાં આવે છે. આ ચૂંટણીમાં સામાન્ય જનતા વોટ આપતી નથી, પરંતુ જનતા દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યો મતદાન કરે છે. રાજ્યસભાની બેઠક જીતવા માટે જરૂરી મતોનું એક ચોક્કસ ગણિત છે, જેમાં કુલ ધારાસભ્યોની સંખ્યા અને ખાલી પડેલી બેઠકોની સંખ્યાના આધારે ક્વોટા નક્કી થાય છે અને અહીં એક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 ગણવામાં આવે છે. આ વખતે વિપક્ષ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી કોઈ જ મતદાનની જરૂર પડી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?