AAPમાં આંતરિક વિવાદથી ગુજરાત રાજકારણ ગરમાયું
જેલમાંથી કાઢવાના બદલે ફસાવવાનો પ્રયાસઃરાજુ કરપડા, ભાજપની સ્ક્રિપ્ટ વાંચીઃ ગોપાલ ઈટાલિયા

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
આમ આદમી પાર્ટીના ખેડૂત સંગઠનના અધ્યક્ષ રાજુ કરપડાએ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા થઈ રહી છે. રાજુ કરપડાએ પત્રકાર પરિષદ કરીને રાજીનામું આપવા પાછળ આપના પ્રદેશ નેતાઓ જવાબદાર હોવાના તેમજ જેલમાંથી બહાર કાઢવાના બદલે ફસાવવાનો પ્રયત્ન કરાયો હોવાનો ગંભીર આક્ષેપો કર્યા છે. જ્યારે ગોપાલ ઈટાલિયાએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે, રાજુ કરપડાએ પત્રકાર પરિષદમાં ભાજપે લખેલી સ્ક્રિપ્ટ વાંચી હતી. જેલમાં રાજુ કરપડા સાથે ભાજપના નેતાઓ અને આઈપીએસ અધિકારીઓએ મુલાકાત કરી હતી.
રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે મારા પરિવાર બાળકો કરતા વધુ સમય પાર્ટીને આપ્યો છે. હું જ્યારે જેલમાં ગયો ત્યારે 27-10-25ના રોજ પહેલી મુદ્દત હતી. પાર્ટી દ્વારા વાતો થતી કે હાઈકોર્ટના સારા વકીલ હાજર રખાશે. ચિંતા ન કરતા. મને 27મીએ ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ હાજર નથી. એકદમ નાના વકીલે દલીલ કરી અને ખેડૂતોના જામીન નામંજૂર થયા.
તેમણે ઉમેર્યુ કે, ભાવનગરવાળો કેસ અમારા પર થયો. ક્યાંકને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કાઢવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે ફસાવવાનો પ્રયત્ન કર્યો છે. મને ફસાવ્યો એનાથી મને કોઈ દુખ નહતું. અફસોસ ન હતો. કદાચ હું ભવિષ્યમાં તેમનો હરીફ બનીશ એમ સમજીને મને ફસાવવાના પ્રયત્નો થયા. પરંતુ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ક્યાંકને ક્યાંક ખેડૂતો સાથે ગેમ થઈ હોય એવું જ્યારે દેખાયું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનારા સમયમાં બિનરાજકીય રીતે મારાથી થશે એટલું કામ કરીશ.
તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાને લીધે વધુ સમય અંદર રહેવું પડ્યું. જે મદદ કરવાની હતી. ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંકને ક્યાંક નુકસાન કર્યું છે. એટલે મે નક્કી કર્યું છે કે, બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિનરાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનારા સમયમાં ખેડૂતોના કામ કરીએ.
રાજુ કરપડાએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા. પોણા ચાર મહિના અમે લોકો જેલમાં રહ્યાં. વારંવાર મેસેજ આપ્યા છે. પાર્ટીને વારંવાર કહ્યું કે અહીં વકીલ મોકલો. વકીલ સાથે ઘણા સમાચારની આપલે કરવી છે. પોણા ચાર મહિનામાં પાર્ટીના કોઈ વકીલની જેલમાં મુલાકાત ન થઈ. તેમણે ગોપાલ ઈટાલિયા વિશે કહ્યું કે તે આમ આદમી પાર્ટીને ક્યારેય ઉભી થવા દેશે નહીં. સુરતથી આવેલા 2-3 લોકોનું પ્રભુત્વ વધતું જાય છે એવું મને દેખાય છે.
રાજુ કરપડાએ ભાજપની સ્ક્રિપ્ટ વાંચીઃ ગોપાલ ઈટાલિયા
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ કરીને રાજુ કપરડાના આક્ષેપોનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, રાજુભાઈએ જેલના ડરથી ગુજરાતના લોકો અને ખેડૂતોનો વિશ્વાસ તોડ્યો. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, એક સમય હતો જ્યારે રાજુભાઈ મારી પાસે બેસીને ભાજપ સામે લડતા હતા. આજે તેઓએ જે શબ્દો કહ્યા એ એમના અંતરના શબ્દો નથી. પણ તેઓને પકડાવવામાં આવેલી સ્ક્રિપ્ટ મુજબના છે.
આજે તેમના ચહેરા પર ડર અને ગ્લાનિ છે. તેમની સામે જુદા જુદા કોર્ટ કેસ છે, જે પૈકીના 2 કેસની સુનાવણી આજે સુરેન્દ્રનગર કોર્ટમાં હતી. આજે ફાઈનલ હિયરિંગ હતું. ભાજપ તરફથી તેમને ધમકી આપવામાં આવી કે આજે પ્રેસ નહીં કરો તો કોર્ટમાં કઈ પણ થઈ શકે છે. આજે મજબૂરી અને ડરના કારણે તેઓએ પ્રેસ કરી છે.
તેમણે કહ્યું કે, રાજુભાઈને જેલમાં કયા આઈપીએસ ઓફિસર કેટલા કલાક મળ્યા એની અમને જાણ છે. રાજુભાઈએ ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે અંગત મુલાકાત કરી મોટો સોદો કર્યો છે. રાજુભાઈ કરપડાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન દ્વારા જાહેર સભા કરાઈ હતી. આ સભાનું સ્થળ રાજુભાઈના પરિવારે નક્કી કર્યું હતું. તેમના માટે પાર્ટી કરોડો ખર્ચીને સભા કરી હતી. એમને એમ હતું કે તેઓ લડાયક મિજાજ ધરાવે છે. પણ ફક્ત જેલમાં જવાના ડરે તેઓ પ્રેસ કરી હળાહળ જુઠ્ઠું બોલ્યા છે. મારા પર કીચડ ઉછાળે એમ મને કોઈ વાંધો નથી.
જેલના સીસીટીવી જાહેર કરવામાં આવેઃ પ્રવિણ રામ
આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું કે રાજુભાઈ મારી સાથે 108 દિવસ હતા. ત્યારે જૂના કેસને લઈને ચિંતામાં હતા. આ કેસમાં પાંચ વર્ષની સજા થઈ છે. બીજા કેસમાં પરિવારના સભ્યો હતા તે જજમેન્ટ પર છે. આ બંને કેસને લઈને ભાજપે તોડવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે ઉમેર્યું કે, જેલમાં ભાજપ વતી કોઈ મળવા આવતું હતું. રાજુભાઈનું બીડુ કોણે જમા કરાવ્યું. તે માટે જેલના સીસીટીવી જાહેર કરવામાં આવે. પ્રવિણ રામે કહ્યુ કે જેલ દરમિયાન રાજુભાઈ સતત દબાણમાં હતા અને જૂના કેસને લઈ ચિંતામાં હતા. રાજીભાઈ પર 307 જેવા ગંભીર ગુનાઓ લાગેલા હતા, જેથી ભાજપ દબાણ કરી રહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યુ કે, ભાવનગર અને રાજકોટ જેલના સીસીટીવી જાહેર કરવામાં આવે. રાજુભાઈએ પોતાને ફસાવી દેવામાં આવશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પક્ષમાં આંતરિક ખેંચતાણની વાત બંધબેસતી નથી. તેમણે જણાવ્યું કે, ગોપાલભાઈને પણ વકીલ તરીકે મળવા દેવામાં આવ્યા નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા

દિલ્હીની SIR પ્રક્રિયામાં અચાનક VVIPના નામો કેમ સામે આવ્યા?

જમુઈમાં નાબાલિગ વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે રસ્તા પર એવું શું બન્યું કે વીડિયો વાયરલ થતાં બિહારનું રાજકારણ ગરમાયું?