Gujarat Farmers Loan: ગુજરાતને દેશના સમૃદ્ધ અને વિકાસશીલ રાજ્યોમાં ગણાવવામાં આવે છે, પરંતુ રાજ્યના કૃષિ ક્ષેત્રમાંથી સામે આવેલા આંકડા ખેડૂતોની આર્થિક સ્થિતિ અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. એક સમાચારપત્રના અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર કુલ રૂ.1,68,460.93 કરોડની લોનનું ભારણ છે. આ પૈકી રૂ.1,05,097.25 કરોડની પાક લોન અને રૂ.63,363.68 કરોડની ટર્મ લોન હોવાનું જણાવાયું છે. આ આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે ગુજરાતમાં ખેડૂતોને ખેતીના વધતા ખર્ચ, હવામાનની અનિશ્ચિતતા, વરસાદની અછત અને પાકના ઉત્પાદન સામે અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે, રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોની આવક અને દેવાના બોજ વચ્ચેનું અંતર ફરી રાજકીય ચર્ચાનો મુદ્દો બની શકે છે.
ગુજરાતના ખેડૂતો પર પાક લોનનો બોજ રૂ.1.05 લાખ કરોડ
અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાતના ખેડૂતોની ટૂંકા ગાળાની પાક લોન રૂ.1,05,097.25 કરોડ સુધી પહોંચી છે. પાક લોનનો ઉપયોગ સામાન્ય રીતે બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, સિંચાઈ, વીજળી અને અન્ય મોસમી ખેતી ખર્ચ માટે થાય છે. તુલનાત્મક રીતે અહેવાલમાં બિહારની પાક લોન રૂ.44,001 કરોડ અને પશ્ચિમ બંગાળની રૂ.38,248 કરોડ દર્શાવવામાં આવી છે. એટલે ગુજરાતના ખેડૂતો પર પાક ધિરાણનો બોજ આ બંને રાજ્યોના સંયુક્ત આંકડા કરતાં પણ વધુ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
ટર્મ લોન પણ રૂ.63 હજાર કરોડથી વધુ
ખેડૂતો દ્વારા ખેતીના આધુનિકીકરણ, ટ્રેક્ટર, સિંચાઈ સાધનો, ટપક સિંચાઈ અને અન્ય લાંબા ગાળાના રોકાણ માટે લેવામાં આવતી ટર્મ લોન રૂ.63,363.68 કરોડ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ રીતે પાક લોન અને ટર્મ લોન બંને મળીને ગુજરાતના ખેડૂતો પર રૂ.1.68 લાખ કરોડથી વધુનું લોન ભારણ હોવાનું સામે આવ્યું છે.
મોંઘી ખેતી અને હવામાનનો બેવડો માર
ગુજરાતમાં ખેતીનો ખર્ચ સતત વધતો હોવાની ચર્ચા વચ્ચે ખેડૂતો માટે આર્થિક પડકારો પણ વધી રહ્યા છે. બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, મજૂરી અને સિંચાઈ જેવા ખર્ચમાં વધારો થવાથી ખેતી માટે વધુ મૂડીની જરૂર પડે છે. બીજી તરફ, અતિવૃષ્ટિ, અનિયમિત વરસાદ અને વરસાદની ઘટ જેવી પરિસ્થિતિઓ પાક ઉત્પાદનને અસર કરી શકે છે. અહેવાલમાં દ્વારકા સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂત લોન લઈને પાકમાં રોકાણ કરે અને અપેક્ષા મુજબ ઉત્પાદન કે આવક ન થાય તો લોનના હપ્તા ભરવાનું દબાણ વધે છે.
ખેડૂતોનું દેવું હવે ગુજરાતના રાજકારણમાં પણ મુદ્દો બની શકે?
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ રાજકીય રીતે પણ મહત્વ ધરાવે છે. ખેડૂતોની આવક વધારવા, કૃષિ ખર્ચ ઘટાડવા અને પાકના યોગ્ય ભાવ સહિતના મુદ્દાઓ અગાઉથી જ રાજકીય ચર્ચામાં રહ્યા છે. હવે રૂ.1.68 લાખ કરોડના કૃષિ લોન ભારણના આંકડા સામે આવ્યા બાદ સરકારની ખેડૂત નીતિ, કૃષિ ધિરાણ અને ખેડૂતોની આવક અંગે ફરી ચર્ચા તેજ થવાની શક્યતા છે. ખેડૂતોના સંગઠનો તરફથી દુષ્કાળ જાહેર કરી આર્થિક વળતર આપવાની માંગ ઉઠી રહી હોવાના અહેવાલ વચ્ચે હવે સરકાર આ સમગ્ર સ્થિતિને કેવી રીતે સંભાળે છે તેના પર નજર રહેશે. વિકાસના દાવા વચ્ચે ગુજરાતના ‘જગતના તાત’ પર ચઢેલું આ દેવું માત્ર આર્થિક આંકડો નથી, પરંતુ આગામી દિવસોમાં ખેડૂતોની સ્થિતિ અને સરકારની કૃષિ નીતિ અંગેના રાજકીય સવાલોને પણ વધુ ધાર આપી શકે છે.