GPSC ભરતીમાં ભેદભાવનો ભડક્યો વિવાદ: સત્તાપક્ષ બાદ હવે વિપક્ષ મેદાનમાં
વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માગણી કરી

SC, ST, OBC વર્ગને ભેદભાવ અંગે તપાસ કરી ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા રજૂઆત

SC, ST, OBC વર્ગને ભેદભાવ અંગે તપાસ કરી ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા રજૂઆત
GPSC ભરતી પ્રક્રિયામાં ભેદભાવ મામલે અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ અને ભાજપના નેતા હરીભાઈ ચૌધરીએ લેટર બોંબ ફોડ્યા બાદ મામલો શાંત પડવાના બદલે વણસી રહ્યો છે. OBC સમાજના નેતા બાદ કોંગ્રેસના નેતાઓ પણ મેદાનમાં આવ્યા છે. વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી SC, ST, OBC વર્ગને ભેદભાવ અંગે તપાસ કરી ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાની માગણી કરી છે.
અમિત ચાવડાએ લખેલા પત્રમાં ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC)ના વહીવટકર્તાઓ ઉપર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ છે કે, આયોગની કાર્ય પદ્ધતિ, ભરતી કેલેન્ડર, પરીક્ષા અને ઈન્ટરવ્યુ પ્રક્રિયામાં છબરડા, વિસંગતતા અને ભૂલોના કારણે ગંભીર પ્રશ્નો ઉદભવ્યા છે. તેના કારણે આયોગની વિશ્વસનીયતા ઓછી થતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ હોવાનો દાવો કર્યો છે.
આ પત્રમાં અમિત ચાવડાએ GPSCની વિશ્વસનીયતા ઘટવાના કારણો આપ્યા છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, GPSCમાં અવાર નવાર પેપર ફૂટવાની પ્રથા બની ગઈ છે. સમયસર રિઝલ્ટ જાહેર નહી કરવા, જે પરીક્ષાનું પરિણામ 4 મહિનામાં આવવું જોઈએ તે પરિણામ 8 થી 10 મહિના સુધી આવતું નથી. વર્ગ-1, 2 ડીવાયએસઓ, એસટીઆઈ સહિતની લેખિત પરીક્ષામાં પેપર ચકાસણીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ જોવા મળી છે. કોમન માર્કિંગ પેટર્ન હોવી, સાચો જવાબ કે ખોટો જવાબ બંનેમાં સરખા માર્ક્સ આપવા, તેના કારણે પેપર ચેક કરનાર નિષ્ણાતોની ગુણવત્તા ઉપર ગંભીર પ્રશ્નો ઉભા થાય છે કે તેમને કયા આધારે પેપર તપાસવા માટે રાખવામાં આવે છે.
મુખ્ય પરીક્ષાના પેપર ચેક કરવા કોઈ એસઓપી રાખવામાં આવી છે કે નહિ? જીપીએસસી વર્ગ-1,2ની ભરતી નં-30માં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ થઇ હતી. જેને લઈને વિદ્યાર્થીઓએ કોર્ટમાં કેસ કરી મોટા પ્રમાણમાં પુરાવાઓ આપ્યા છે. MCQ ના પ્રશ્નો તૈયાર કરવા માટે નિષ્ણાતો રાખવામાં આવ્યા હોવા છતાં પ્રશ્નો અને તેના જવાબોમાં ગંભીર ભૂલો જોવા મળે છે. અંગ્રેજી અને ગુજરાતીના અનુવાદમાં પણ ભૂલો જોવા મળે છે. આન્સર કીમાં પણ ભૂલો જોવા મળે છે. જેના કારણે કોર્ટ કેસ થતા ભરતી પ્રક્રિયા અટકી જાય છે અને વિદ્યાર્થીઓના મહેનત વેડફાઈ જાય છે.
પરીક્ષામાં પેપર સેટર ભૂલ કરે અને તે ભૂલ અંગે વિરોધ દર્શાવવા ભૂલ દીઠ વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયા લેવામાં આવે છે આ કેવો ન્યાય? ભૂલ કોઈ કરે અને પૈસા કોઈ બીજો ભરે. વર્ગ-1,2 માં 100 ગુણના ઈન્ટરવ્યુના કારણે ઘણો વિવાદ થયો છે. હવે ઈન્ટરવ્યુના ગુણ વધારીને 150 કર્યા છે. વિવિધ ભરતીઓમાં 27 ટકા અનામત પ્રમાણે ઓબીસીની જગ્યાઓ રાખવામાં આવતી નથી. વિદ્યા સહાયકની ભરતીમાં ઓબીસીની 27 ટકા પ્રમાણે 1350 જગ્યા અનામત હોવી જોઈએ. તેના બદલે 16 ટકા એટલે કે 770 જગ્યાઓ ઓબીસી માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે જાહેરાત નં-81/2024-25માં નાયબ એન્જિનિયરની 250 જગ્યામાંથી ઓબીસી અનામત 67 જગ્યાઓ હોવી જોઈએ પણ 54 બતાવી છે. ઈડબલ્યુએસની 10 ટકા પ્રમાણે 25 હોવી જોઈએ પણ 58 બતાવી છે.
તારીખ 03-03-2025ના પરિપત્રથી GPSCની મુખ્ય પરીક્ષામાંથી ગુજરાતીનું વજૂદ કાઢી નાખ્યું છે. ગુજરાતી પેપરના ગુણ મેરીટમાં ગણાશે નહી. મહત્વની બાબત એ છે કે UPSCની પરીક્ષામાં ગુજરાતી વૈકલ્પિક વિષય રાખીને ઘણા બધા ગુજરાતીઓ UPSCની પરીક્ષામાં પાસ થાય છે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષાના મૌખિક ઈન્ટરવ્યુમાં પેનલના સદસ્ય એક સમાજની શૈક્ષણિક સંસ્થામાં મોક ઈન્ટરવ્યુની પ્રેક્ટિસ કરાવતા હતા અને બીજા દિવસે ઈન્ટરવ્યું લેવા બેઠા હતા. જેના કારણે ઈન્ટરવ્યુ રદ કરવાની ફરજ પડી છે.
જીપીએસસીમાં ચોક્કસ વર્ગની તરફદારી કરીને એસસી, એસટી અને ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો થઇ રહી છે. જેના લીધે ઉમેદવારોનો જીપીએસસીની પરીક્ષામાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. જેના કારણે વર્ષ 2024ની તુલનામાં વર્ષ 2025માં 77 ટકા ઉમેદવારો પરીક્ષામાં ઓછા બેઠાં હતા.
અમિત ચાવડાએ જીપીએસસીની ઇન્ટરવ્યુ પદ્ધતિ પારદર્શક બને તે માટે કેટલાક સૂચનો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, દરેક ઈન્ટરવ્યુ પેનલમાં ઓબીસી, એસસી, એસટીના એક-એક પ્રતિનિધિ હોવા જોઈએ. ઈન્ટરવ્યુની પ્રક્રિયાનું ઓડિયો-વીડિયો રેકોર્ડીંગ કરવું જોઈએ. કોઈપણ પરીક્ષામાં ઈન્ટરવ્યુના માર્ક્સ 10 ટકા કરતા વધારે ન હોવા જોઈએ.
ઈન્ટરવ્યુમાં જે માર્ક્સ આપવામાં આવે છે તેમાં UPSC ની માફક SOP હોવી જોઈએ. જેથી કરીને એક ચોક્કસ રેન્જમાં વિદ્યાર્થીઓના જવાબની ગુણવત્તા પ્રમાણે માર્ક્સ આપી શકાય અને કોઈ વ્યક્તિને ખૂબ ઓછા જેમ કે માત્ર 20 માર્ક્સ અને કોઈ વ્યક્તિને ખુબ વધારે જેમ કે 92 માર્ક્સ આપવાની પદ્ધતિ હાલના ચેરમેને અમલમાં મૂકી છે તેને તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ. ઉમેદવારના જાતિ છતી થાય તેવા પ્રશ્નો પૂછવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ઈન્ટરવ્યુ પેનલમાં બેસનાર એક્સપર્ટ કોઈ સમાજની, સામાજિક સંસ્થા કે પ્રાઇવેટ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલ નથી તેવું કબુલાતનામું ફરજીયાત લેવું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!