વિધાનસભાની બે ચૂંટણી હારેલા નેતાને ટિકિટ આપી ભાજપે કડીના નેતાઓને આપ્યો ઝટકો
73 દાવેદારોને પડતા મૂકી કડીના બદલે જોટાણાના કાર્યકરને ટિકિટ આપી ભાજપે ખેલ પાડ્યો

કોંગ્રેસે પણ વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી હારેલા ઉમેદવારની પસંદગી કરતાં મતદારોમાં આશ્ચર્ય

કોંગ્રેસે પણ વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી હારેલા ઉમેદવારની પસંદગી કરતાં મતદારોમાં આશ્ચર્ય
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. ત્યારે સૌથી વધુ ચર્ચા કડી બેઠકની થઈ રહી છે. કડી બેઠક ઉપર 73 જેટલાં દાવેદારોને પડતા મૂકી જોટાણાના રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી ભાજપે એક કાંકરે અનેક પક્ષીઓને માર્યા છે. કડી ભાજપમાં ચાલી રહેલાં આંતરિક જૂથવાદની નોંધ લઈ ભાજપે વિધાનસભાની બે ચૂંટણી હારેલા અને 1995ની ચૂંટણીમાં પક્ષ સામે બળવો કરનાર નેતાને ટિકિટ આપતાં મતદારોમાં ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે, પોતાના ઉમેદવારને ટિકિટ મળે તે માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેન્કના ચેરમેન વિનોદ પટેલે લોબિંગ કર્યુ હતુ. પરંતુ, બંને નેતાનો પનો ટૂંકો પડ્યો છે. કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપતાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની નહિવત અસરના કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની સંભાવના છે.
વર્ષ 1995ની ચૂંટણીમાં રાજેન્દ્ર ચાવડાએ બળવો કર્યો હતો
ભાજપે જોટાણાના વતની રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે. રાજેન્દ્ર ચાવડા 1980થી ભાજપના સક્રિય કાર્યકર છે. વર્ષ 1972માં તેઓ જનસંઘમાં જોડાયા હતા. વર્ષ 1981થી 1986 સુધી મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય રહ્યા છે. વર્ષ 1985માં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે જોટાણા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ, તેઓ ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. ત્યારબાદ વર્ષ 1995 ની ચૂંટણીમાં ભાજપે કે.બી.સોલંકીને ટિકિટ આપતાં રાજેન્દ્ર ચાવડાએ અપક્ષ ઉમેદવારી કરી હતી. આ ચૂંટણીમાં તેઓને માત્ર 2,781 મત મળ્યા હતા. વર્ષ 2018માં જોટાણા ગ્રામ પંચાયતના સરપંચપદની ચૂંટણીમાં રાજેન્દ્ર ચાવડાના પત્ની સુશીલાબેન ચાવડાએ ઉમેદવારી કરી હતી. સરપંચપદની ચૂંટણીમાં સુશીલાબેન ચાવડાને માત્ર 350 મત મળતાં તેઓ હારી ગયા હતા. જોટાણા ગામમાં અનુસૂચિત જાતિના 1200 મત હોવા છતાં તેમને કુલ 350 મત મળ્યા હતા. આ ઉપરાંત માર્ચ-2025માં યોજાયેલી જોટાણા તાલુકા પંચાયતની જોટાણા-2 બેઠકની પેટાચૂંટણીમાં રાજેન્દ્ર ચાવડાના બુથ નંબર-2માં કુલ 266 મતમાંથી ભાજપના ઉમેદવારને માત્ર 84 મત મળ્યા હતા. તેમ છતાં ભાજપે રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરી છે.
નીતિન પટેલ અને વિનોદ પટેલનું કદ મપાયું
કડીમાં ધારાસભ્ય કરશન સોલંકી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જૂથ વચ્ચે ઘણાં સમયથી ગજગ્રહ ચાલી રહ્યો છે. વર્ષ 2022ની ચૂંટણીમાં નીતિન પટેલને વિધાનસભાની ટિકિટ નહી મળતાં પોતાનું અસ્તિત્વ ટકાવવા કડીમાં સક્રિયા થયા હતા. ત્યારબાદ યોજાયેલી કડી APMC અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી બાબતે બંને જૂથ સામસામે આવી ગયા હતા. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ નીતિન પટેલ અને વિનોદ પટેલે પોતાના ઉમેદવારને ટિકિટ મળે તે માટે દિલ્હી સુધી લોબિંગ કર્યુ હતુ. પરંતુ પ્રદેશ ભાજપે કડીના નેતાના બદલે જોટાણાના રાજેન્દ્ર ચાવડાની જાહેરાત કરીને નીતિન પટેલ અને વિનોદ પટેલની લોબીને ઝટકો આપ્યો છે. એક સમયે કડી ઉપરાંત ગુજરાતની રાજનીતિમાં નીતિન પટેલનો દબદબો હતો. પરંતુ ભાજપે જોટાણાના નેતાને ટિકિટ આપીને નીતિન પટેલ અને વિનોદ પટેલનું કદ માપી દીધુ છે.
કોંગ્રેસે પણ હારેલા ઉમેદવારની પસંદગી કરી
કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાની પસંદગી કરી છે. વર્ષ 2012થી 2017 સુધી કડીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2012માં કડી બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જાહેર થઈ ત્યારે ભાજપના ઉમેદવાર હિતુ કનોડિયાને હરાવ્યા હતા. હિતુ કનોડિયા 1,217 મતે હારી ગયા હતા. ત્યારબાદ રમેશ ચાવડાએ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. પરંતુ તેઓ ભાજપના કરશન સોલંકી સામે 7,746 વોટથી હારી ગયા હતા. વર્ષ 2022માં કોંગ્રેસે પ્રવિણ પરમારને ટિકિટ આપી હતી. તેઓ પણ ભાજપના કરશન સોલંકી સામે હારી ગયા હતા. કરશન સોલંકીનું અવસાન થતાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ફરી રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. રમેશ ચાવડા રોહિત સમાજના 27ના ગોળમાંથી આવે છે. રમેશ ચાવડા કડી નગરપાલિકામાં વર્ષ 1995 થી કોર્પોરેટર પદે ચૂંટાઈ આવે છે. રમેશ ચાવડાના પત્ની કડી નગરપાલિકાના વિરોધપક્ષના નેતા છે.
કડી બેઠકનું જાતિ સમીકરણ
કડી બેઠક ઉપર ઠાકોર અને પાટીદાર મતદારો નિર્ણાયક રહ્યા છે. 2.89 લાખ મતદારોમાંથી 55 થી 60 હજાર પાટીદાર અને 55 થી 60 હજાર ઠાકોર મતદારો છે. આ ઉપરાંત મુસ્લીમ મતદારો પણ 10 ટકા છે. અનુસૂચિત જાતિ, રબારી અને ક્ષત્રિય મતદારોની સંખ્યા પણ વિશેષ છે. કડી બેઠક ઉપર ખૂબ જ ઓછી લીડથી ઉમેદવારો વિજયી થતાં હોવાથી દરેક ચૂંટણી રસાકસીવાળી બનતી હોય છે. કડી બેઠકના પાંચ દાયકાના ઈતિહાસમાં કોઈપણ ઉમેદવાર 10 હજાર કરતાં વધુ લીડથી જીત્યા નથી. તેથી તમામ પક્ષોના ઉમેદવારને જીતવા માટે મહેનત કરવી પડતી હોય છે.
કડી બેઠકનો રાજકીય ઈતિહાસ
કડી બેઠક 1975માં ભારતીય જનસંઘે જીતી હતી. 1990માં ભાજપે પહેલી વાર કડી બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો. નીતિન પટેલ કડી વિધાનસભા બેઠક પરથી 1990, 1995, 1998 અને 2007 ચાર વખત વિજયી બન્યા છે. ગોધરાકાંડ બાદ વર્ષ 2002માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના બળદેવજી ઠાકોર વિજેતા થયા હતા. જ્યારે 2007માં ભાજપના નીતિન પટેલ વિજયી બન્યા હતા. 2009માં નવા સીમાંકન બાદ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જાહેર થઈ હતી. તેથી નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડવી પડી હતી. કડી બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. ત્યારે રોહિત સમાજના બે નેતાઓ વચ્ચે રસાકસીની ચૂંટણી યોજાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.