GCMMFમાં આવતીકાલે ચૂંટણીઃ કોણ બનશે ચેરમેન?
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાશે ચૂંટણી

80 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતા ફેડરેશનની ચૂંટણીને લઇ સહકારી રાજકારણમાં ગરમાવો

80 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતા ફેડરેશનની ચૂંટણીને લઇ સહકારી રાજકારણમાં ગરમાવો
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેનનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આવતીકાલે(22 જુલાઈ) ચૂંટણી યોજાશે. આણંદ સ્થિત GCMMF ખાતે ચૂંટણી યોજાશે. જેમાં રાજ્યની 18 ડેરીઓના ચેરમેન મત આપશે. હાલમાં ચેરમેન તરીકે સાબર ડેરીના શામળ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે વલમજી હુંબલનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
કોણ કરશે મતદાન?
GCMMFના ચેરમેન અને વાઈસ ચેરમેનની 22 જુલાઈને મંગળવારના રોજ 11 વાગ્ય મતદાન યોજાશે. જેમાં રાજ્યના 18 દૂધ સંઘોના ચેરમેન મતદાન કરશે. સાબરડેરીના ચેરમેન શામળ પટેલ, કચ્છની સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, આણંદની અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, સુરતની સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, વલસાડની વસુધા ડેરીના ચેરમેન ગમન પટેલ, વડોદરાની બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ, ગોધરાની પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડમાં મતદાન કરશે.
આ ઉપરાંત આબાદ ડેરીના ચેરમેન મોહન ભરવાડ, ગાંધીનગર મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા, રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા, ભરૂચની દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીના ચેરમેન નરેશ મારૂ, અમરેલીની અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, ભાવનગરની સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્ર પનોત, જૂનાગઢની સોરઠ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા અને પોરબંદરની સુદામા ડેરીના ચેરમેન આકાશ રાજશાખ પણ મતદાન કરશે.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં રાજ્યના 18 દૂધસંઘો આવે છે. હાલમાં GCMMFનું વાર્ષિક ટર્નઓવર 80 હજાર કરોડ જેટલું છે. GCMMF ચેરમેન અને વાઈસ ચેરમેન બનવા ડેરીઓના ચેરમેનોની મહેચ્છા હોય છે.
કોણ બનશે ચેરમેન?
વર્તમાન ચેરમેન શામળ પટેલ સાબર ડેરીના ચેરમેન છે. તાજેતરમાં સાબર ડેરીમાં વાર્ષિક ભાવફેરને લઈ વિવાદ થયો હતો. ફેડરેશનના ચેરમેનપદે શામળ પટેલ રિપિટ ન થાય તે માટે સ્થાનિક સહકારી અગ્રણી અને એક ધારાસભ્યએ અંગત રસ લઈ વિવાદ ઉભો કર્યો હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે. શામળ પટેલ બે ટર્મ સુધી ચેરમેનપદે રહ્યા હોવાથી રિપિટ થવાની શક્યતા ઓછી છે.
મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન યોગેશ પટેલના કથિત લાફાકાંડનો વિવાદ થયો હતો. બીજા દિવસે મિલ્ક પાવડરને લઇને વિવાદ ઉભો કરાયો હતો. અશોક ચૌધરી ફેડરેશનના ચેરમેન ન બને તે માટે ગાંધીનગરથી ભાજપના એક નેતાએ યોગેશ પટેલનો ખભો વાપરી વિવાદ ચગાવ્યો હોવાનું સહકારી અગ્રણીઓમાં ચર્ચા થઈ રહી છે.
આણંદની અમૂલ ડેરીના વહીવટ સામે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મોરચો માડ્યો છે. આગામી ઓગષ્ટ મહિનામાં અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાવાની હોવાથી અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલની શક્યતા નહિવત છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ હોવાથી તેમની પસંદગીની શક્યતા પણ નહિવત છે.
GCMMFમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.વર્ગિસ કુરિયન બાદ બનાસ ડેરીના ચેરમેન પરથી ભટોળ ચેરમેન બન્યા હતા. GCMMFમાં દૂધના જથ્થાની દ્રષ્ટિએ કુલ ટર્નઓવરમાં ઉત્તર ગુજરાતની ત્રણ ડેરીઓ બનાસ, સાબર અને દૂધસાગર ડેરીનો હિસ્સો 55 ટકા ગણાય છે. જ્યારે બાકીના 45 ટકામાં રાજ્યની 15 ડેરીઓ આવે છે. તેથી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની ત્રણેય ડેરીઓનું મહત્વ રહેતું હોય છે. જો કે, ભાજપમાં હાઈ કમાન્ડથી મેન્ડેટ આવતો હોવાથી અત્યારથી કળવું મુશ્કેલ છે.
શામળ પટેલ અને વલમજી હુંબલે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો
વર્ષ 1973માં અમૂલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી. ત્યારથી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાય છે. GCMMFના પ્રથમ ચેરમેન શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગિસ કુરિયન બન્યા હતા. ત્યારબાદ બનાસ ડેરીના પરથી ભટોળ, દૂધસાગર ડેરીના વિપુલ ચૌધરી, સાબર ડેરીના જેઠાભાઇ પટેલ, અમૂલ ડેરીના રામસિંહ પરમાર અને સાબર ડેરીના શામળ પટેલ ચેરમેન બન્યા છે. શામળ પટેલ વર્ષ 2020માં ચેરમેન બન્યા બાદ તેઓને જાન્યુઆરી 2023માં રિપિટ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે કચ્છની સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ વાઈસ ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટાયા બાદ જાન્યુઆરી-2023માં રિપિટ કરાયા હતા. શામળ પટેલ અને વલમજી હુંબલે પાંચ વર્ષનો ચેરમેન-વાઈસ ચેરમેન કાર્યકાળ પૂર્ણ કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?